રાજ્યોનાં આંશિક લૉકડાઉન દેશના આર્થિક વિકાસમાં બાધારૂપ

20 July, 2020 03:29 PM IST  |  Mumbai Desk | Jitendra Sanghavi

રાજ્યોનાં આંશિક લૉકડાઉન દેશના આર્થિક વિકાસમાં બાધારૂપ

પ્રતીકાત્મક તસવીર

શરૂઆતના ચાર તબક્કાના ૬૮ દિવસના (માર્ચ ૨૫થી મે ૩૧) રાષ્ટ્રવ્યાપી સખત લૉકડાઉન દરમ્યાન આર્થિક પ્રવૃ‌ત્ત‌િઓનું સ્તર સાવ નીચે ઊતરી ગયું. પરિણામે એપ્રિલ અને મે દરમ્યાન આર્થિક વિકાસ ખોડંગાયો, આર્થિક પ્રવૃ‌ત્ત‌િઓ સદંતર બંધ થતાં એકબીજાનો સંપર્ક પણ તૂટ્યો એટલે રોગનો ફેલાવો પણ કાબૂમાં રહ્યો.
જૂન ૧થી આંશિક લૉકડાઉન શરૂ થયો અને રાજ્યોએ સ્થાનિક પરિસ્થિતિ અનુસાર સંપૂર્ણ લૉકડાઉનમાં છૂટ મૂકી. અનલૉકના આ તબક્કામાં આર્થિક પ્રવૃ‌ત્ત‌િઓ ધીમે-ધીમે શરૂ થતાં એનાં સારાં પરિણામ દેખાવા માંડ્યાં, પણ સાથે મહામારીનો ફેલાવો પણ વધ્યો. આયાત-નિકાસો હોય, કોર સેન્ટર ઇન્ડેક્સ હોય, ઔદ્યોગિક ઉત્પાદન હોય, ટ્રૅક્ટરનું ઉત્પાદન હોય, પી.એમ.આઇ. સેવા કે ઉત્પાદન ક્ષેત્રના આંક હોય, વાવેતર હેઠળની જમીન હોય, નૅશનલ રૂરલ એમ્પ્લૉયમેન્ટના આંક હોય કે ઓવરઑલ રોજગારીના આંકડા હોય એ બધામાં માર્ચ કરતાં એપ્રિલમાં, એપ્રિલ કરતાં મેમાં અને મે કરતાં જૂનમાં સુધારો થતો રહ્યો. વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધતાં સીધા વિદેશી મૂડીરોકાણમાં તથા સ્ટૉક માર્કેટના પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટમાં પણ મન્થ-ટુ-મન્થ વધારો થતો રહ્યો. જૂન મહિનાના એ આંકડાઓની ચર્ચા ગયાં બે-ત્રણ અઠવાડિયાંના લેખોમાં કરી છે.
જોકે આગલા વરસની સરખામણીએ તો આ પ્રવૃ‌ત્ત‌િઓનું સ્તર (કોઈક અપવાદ સિવાય) ખૂબ નીચું રહ્યું છે.
હવે જે વાત છે એ જુલાઈ મહિનાના આર્થિક વિકાસ, પ્રવૃ‌ત્ત‌િઓ કે દેખાવની. જૂન મહિનાનું સારું ચિત્ર જુલાઈ મહિને વધુ સુધરવાની આશા ઓછી થતી જાય છે.
એનું મુખ્ય કારણ દેશનાં જુદાં-જુદાં રાજ્યોમાં ફરી એક વાર આંશિક લૉકડાઉન દ્વારા પ્રતિબંધ મુકાતા જાય એ છે. દેશનાં દસ જેટલાં રાજ્યોમાં આંશિક લૉકડાઉનની પરિસ્થિતિ છે. એમાં બૅન્ગલોરના એક અઠવાડિયાના, મહારાષ્ટ્રના પુણે, પિંપરી, ચીંચવડ ઝોનના ૧૦ દિવસના, ઉત્તર પ્રદેશના વીક એન્ડના, બિહારના ૧૬ દિવસના, મીરા-ભાઇંદર-થાણેનાં બે અઠવાડિયાંના અને પશ્ચિમ બંગાળના આંશિક લૉકડાઉનનો સમાવેશ થાય છે. આંકડાઓની ભાષામાં દેશની ૧૩૦ કરોડની વસ્તીમાંથી લગભગ ૪૦ કરોડ લોકો લૉકડાઉનની અસર હેઠળ છે. આમાંનાં મોટા ભાગનાં આર્થિક પ્રવૃતિઓનાં હબ ગણાય એવાં શહેરો અને નગરો પણ છે.
પુણે, પિંપરી અને ચીંચવડનો લૉકડાઉન મોટે પાયે ઑટોમોબાઇલ્સનાં ઉત્પાદન પર અવળી અસર કરે, કારણ કે આ વિસ્તારમાં દેશના વાહન ઉત્પાદનની મુખ્ય કંપનીઓ બજાજ, મહિન્દ્ર મહિન્દ્ર અને તાતાની ઑટોમોબાઇલ કંપનીઓ આવેલી છે. એટલે ઑટોમોબાઇલ ઉદ્યોગ ખોડંગાયા સિવાય ન રહે. ભલે બીજાં કેન્દ્રો કે રાજ્યોમાં ઑટોમોબાઇલ્સ ઉદ્યોગ ચાલુ કેમ ન હોય? એવી જ રીતે ઉત્તર પ્રદેશના નોઇડામાં વીક એન્ડના અંકુશો દેશમાં સ્માર્ટ ફોનના ઉત્પાદનને સાવ જ પાંગળું કરી નાખે.
વાહનો કે ફોનના કે અન્ય ઉત્પાદનોમાં અનેક સ્પેરપાર્ટ્સ અને રૉ-મટીરિયલ્સ વપરાતાં હોય એટલે એક શહેરના વિસ્તારનો લૉકડાઉન આખી ઍસૅમ્બલી લાઇનમાં ભંગાણ પાડી શકે.
પરિણામે ઉત્પાદન, રોજગારી અને માગ પર પણ અવળી અસર પડે અને આંશિક અનલૉકનો જે ફાયદો મળવો જોઈએ એ મળે નહીં. આંશિક અનલૉકનો પૂરેપૂરો ફાયદો મળે એ માટે બધાં મુખ્ય ઉત્પાદક રાજ્યો વચ્ચે અને ઉત્પાદન માટે જરૂરી ચીજસામગ્રી પૂરી પાડનાર મુખ્ય મથકો વચ્ચે કો-ઑર્ડિનેશન હોવું અનિવાર્ય છે.
કોરોના મહામારીના થોડા મહિનાના અનુભવ પછી લૉકડાઉનને વાજબી ઠેરવવાનું આસાન નથી. એ લોકોની રોજીરોટીને તો ઠેસ પહોંચાડે જ છે, પણ સાથે-સાથે મેડિકલ સ્ટાફની અવરજવરમાં પણ ખલેલ પહોંચાડે છે.
નોમુરા ઇન્ડિયા બિઝનેસ રીઝમ્પ્શન ઇન્ડેક્સ જૂન ૨૮ના અઠવાડિયા માટે ૭૦.૫માંથી ઘટીને જુલાઈ પાંચના અઠવાડિયામાં ૬૯.૩ અને જુલાઈ ૧૨ના અઠવાડિયા માટે ૬૬.૮ થયો, જે દેશભરમાં વેપાર-ઉદ્યોગ વધવાની ઝડપનો ઘટાડો દર્શાવે છે.
આંશિક લૉકડાઉન (બીજા શબ્દોમાં આંશિક અનલૉક) આર્થિક પ્રવૃ‌ત્ત‌િની ગતિ તો ધીમી કરે જ છે, પણ એથી આગળ વધીને એ મહામારીના ફેલાવાને રોકવામાં (જે આંશિક લૉકડાઉનનો મૂળભૂત ઉદ્દેશ છે) એ પણ નિષ્ફળ સાબિત થાય છે.
દિલ્હી, મુંબઈ અને ચેન્નઈમાં લૉકડાઉન હોય કે ન હોય (લૉકડાઉન હોય ત્યાં પણ) રોજના નવા કેસ ઘટવાને બદલે વધતા રહ્યા અને લૉકડાઉન હટાવ્યા પછી વધતા જવાને બદલે ઘટવા માંડ્યા.
શહેરીકરણ વધુ હોય એવાં રાજ્યો (ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડ અને કેરલ)ની માથાદીઠ આવક ઊંચી હોવાથી (શહેરી વિસ્તારોનો જે-તે રાજ્યોના જીડીપીનો હિસ્સો વધુ હોવાથી) આવાં રાજ્યોનો લૉકડાઉન દેશનું આર્થિક ચિત્ર વધુ ખરાબ કરે છે.
તો આવા આંશિક લૉકડાઉનનો ઉપયોગ શું?
આ બધાનું એક જ તારણ નીકળી શકે કે લૉકડાઉનની ભારે કિંમત ચૂકવવાને બદલે માસ્કના વ્યવસ્થિત ઉપયોગ પર ભાર મુકાવો જોઈએ. દેશમાં મહામારીથી સંક્રમિતોની સંખ્યા ૧૦ લાખને ઓળંગી ગઈ છે. તો પણ ડરાવી દે એવા જે અંદાજો મુકાયા હતા એ આંકડાઓથી આપણે હજી પણ દૂર હોઈએ તો એનું એકમાત્ર કારણ છે માસ્કનો બહોળા પ્રમાણમાં ઉપયોગ.
સરકાર અનેક પ્રકારની રાહતો અને અનેક પ્રકારનાં પૅકેજો પ્રજાના વિવિધ વર્ગો માટે જાહેર કરીને અર્થતંત્રને પાટે ચડાવવાના પૂરા પ્રયાસ કરે છે. બીજી તરફ ટેસ્ટિંગ માટેની સગવડો વધારવા અને સંક્રમિતોની સારવાર માટેનું તબીબી માળખું ઊભું કરવા પાછળ પણ પુષ્કળ ખર્ચ કરે છે.
સરકાર કે કૉપોરેટ ક્ષેત્ર કે લોકકલ્યાણનાં કામોમાં લાગેલાં ટ્રસ્ટ અને એનજીઓ માસ્કનું વિશાળ પાયે મફત કે નજીવી કિંમતે વિતરણ કરશે તો એ કોરોનાની મહામારીને અટકાવવા માટેનું મોટું યોગદાન ગણાશે. ગરીબોને અનાજ કે ભૂખ્યાને ભોજન આપવા જેવું જ ઉમદા કામ માસ્કના વિતરણનું અને પ્રજામાં એ માટેની જાણકારી ફેલાવવાનું અને શિસ્ત સ્થાપિત કરવાનું ગણી શકાય. જપાન અને સાઉથ કોરિયાના મહામારીથી થતા મરણનો નીચો દર (કોઈ પણ જાતના લૉકડાઉન સિવાય)નું શ્રેય એ દેશોમાં થતા માસ્કના શિસ્તબદ્ધ ઉપયોગને આપી શકાય.
લૉકડાઉન ટૂંકા ગાળા માટે કદાચ મહામારી અંકુશમાં હોવાનું કે તબીબી ક્ષેત્રની મર્યાદાઓને છાવરવાનું કામ કરી શકે, પણ માસ્કનો મોટે પાયે વપરાશ અને ટેસ્ટ માટેની વધુ સગવડો લાંબા ગાળાના કારગત નીવડે એવા ઉપાયો છે.
મુંબઈ, દિલ્હી, ચેન્નઈ કે બૅન્ગલોરનો આર્થિક લૉસ આખરે તો દેશનું જ આર્થિક નુકસાન છે એટલે સ્થાનિક આંશિક લૉકડાઉન રાજ્યોના અધિકારની વાત હોવા છતાં કેન્દ્ર સરકારની મધ્યસ્થી એને અટકાવવા માટે અતિમહત્ત્વની ગણાય.
જથ્થાબંધ ભાવાંકમાં જૂન મહિને સતત ત્રીજે મહિને ૧.૮ ટકાનો ઘટાડો (મેમાં ૩.૨ ટકાનો ઘટાડો) નોંધાયો. બીજી બાજુ સીપીઆઇ (કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેકસ-છૂટક ભાવાંક)માં જૂન મહિને ૬.૦૯ ટકાનો વધારો થયો જે માર્ચના ૫.૮૪ ટકા કરતાં વધુ હતો. (એપ્રિલ-મેના આંકડા બહાર પડાયા નથી.)
જૂન મહિને માગના અભાવે આયાતોમાં ૪૮ ટકાનો ઘટાડો થયો, જ્યારે નિકાસોમાં ૧૨ ટકાનો. પરિણામે ૧૮ વરસમાં પ્રથમ વાર વિદેશ વેપારમાં લગભગ ૮૦૦ મિલ્યન ડૉલરની સરપ્લસ રહી. ફિસ્કલ ૨૦૨૧ના પ્રથમ ચાર માસમાં ૨૦ બિલ્યન ડૉલર જેટલું સીધું વિદેશી મૂડીરોકાણ આવ્યું (ગયા વરસના આ સમયમાં ૨૧ બિલ્યન ડૉલર). રિલાયન્સ જિયો માટે ફેસબુક પછી ગૂગલે પણ મૂડીરોકાણની જાહેરાત કરી છે.
જૂલાઈના પ્રથમ પખવાડિયામાં પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ લગભગ ૨૯૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા. આગલા મહિને ૨૪,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જુલાઈના પહેલા પખવાડિયામાં પેટ્રોલ અને ડીઝલની માગમાં પણ ઘટાડો નોંધાયો.
ચીનમાં જાન્યુઆરી-માર્ચમાં જીડીપીમાં ૬.૮ ટકાના ઘટાડા પછી એપ્રિલ-જૂનમાં ૩.૨ ટકાનો વધારો નોંધાયો છે. આમ કોરોના વાઇરસની સમસ્યા પછી પૉઝિટિવ આર્થિક વિકાસ દર્શાવનાર ચીન પ્રથમ મુખ્ય દેશ બન્યો છે. આપણે લૉકડાઉનને બદલે બધી સાવધાની સાથે વર્તીને નજીકના ભવિષ્યમાં પૉઝિટિવ આર્થિક વિકાસની અપેક્ષા રાખી શકીએ.
(લેખક ઇન્ડિયન મર્ચન્ટ‍્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

business news