પામતેલની આયાત ૧૯ ટકા ઘટી ૧૧ વર્ષના તળિયે પહોંચશે

26 May, 2022 04:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોયા-સનફ્લાવર ઑઇલની આયાત ડ્યુટી નાબૂદ થતાં પામતેલની તુલનાએ સસ્તું પડશે

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે સોયા તેલ અને સનફ્લાવરની ડ્યુટી ફ્રી આયાતછૂટ આપી હોવાથી હવે પામતેલની આયાતને મોટી અસર પહોંચશે. જાણકારોના મતે દેશમાં ચાલુ વર્ષે પામતેલની આયાત ૧૯ ટકા ઘટીને ૧૧ વર્ષના તળિયે પહોંચવાનો અંદાજ છે. ઇન્ડોનેશિયા દ્વારા નિકાસ પર નિયંત્રણો અને ભારતે સોયા તેલની ડ્યુટી ઘટાડી હોવાથી સોયા તેલની આયાત પડતર હવે નીચી આવી ગઈ છે.
દેશની ચાલુ સીઝન વર્ષ ૨૦૨૧-’૨૨ની પામતેલની આયાત ઘટીને ૬૭ લાખ ટનની થવાનો અંદાજ છે, જ્યારે સોયા તેલની આયાત ૫૭ ટકા વધીને ૪૫ લાખ ટનની વિક્રમી સપાટીએ પહોંચવાની સંભાવના છે.
કેન્દ્ર સરકારે ૨૦-૨૦ લાખ ટન સોયા તેલ અને સનફ્લાવર તેલની આગામી બે વર્ષ માટે ડ્યુટી ફ્રી આયાતછૂટ આપી હતી, જેની અસરે હવે આયાતી ખાદ્ય તેલનાં તમામ સમીકરણો બદલાઈ જશે.
સનવીન ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ સંદીપ બાજોરિયાએ જણાવ્યું હતું કે ડ્યુટીમાં ફેરફારને પગલે સોયા તેલની આયાત હવે વધુ આકર્ષક બની છે, જેને પગલે પામતેલની આયાત ઘટશે.
ક્રૂડ પામતેલના ભાવ ભારતીય બજાર માટે ૧૭૭૫ ડૉલર પ્રતિ સીઍન્ડએફના ભાવ જૂન શિપમેન્ટ માટે છે જેની તુલનાએ સોયા તેલના ભાવ ૧૮૪૫ ડૉલર પ્રતિ ટન છે, પરંતુ ક્રૂડ પામતેલ પર ૫.૫ ટકાની આયાત ડ્યુટી ગણતાં અસરકારક પડતર ૧૮૭૪ ડૉલર પ્રતિ ટન પડે છે.
ઇન્ડોનેશિયાએ પણ ત્રણ સપ્તાહ બાદ સોમવારથી નિકાસ ફરી શરૂ કરી છે, પરંતુ ભારતમાં તરત કોઈ વધારે માત્રામાં આયાત થાય એવા સંજોગો દેખાતા નથી. 

business news oil prices