નિર્ણાયક વધ-ઘટ માટે ચાલી રહેલી ખેંચતાણ

14 January, 2021 02:38 PM IST  |  Mumbai | Mumbai correspondent

નિર્ણાયક વધ-ઘટ માટે ચાલી રહેલી ખેંચતાણ

નિર્ણાયક વધ-ઘટ માટે ચાલી રહેલી ખેંચતાણ

શૅરબજાર નવી ઊંચાઈઓ તરફ જવા મથી રહ્યું છે ત્યારે પ્રોફિટ બુકિંગ દ્વારા તેની વૃદ્ધિ હાલતુરત અટકી રહી છે. પરિણામે બુધવારે બજાર ખૂલતાં જ ઊંચે ગયેલા આંક આખા દિવસની મોટી ચડ-ઉતર બાદ ફ્લેટ બંધ રહ્યાં હતાં. બજારમાં હજી પણ તેજીતરફી કૂચ જારી રહેવાના સંકેત છે, કારણ કે દેશભરમાં કોરોનાની રસી પહોંચી રહ્યાના અહેવાલો આવી રહ્યા છે. બીજી બાજુ કંપનીઓનાં ઉત્સાહવર્ધક પરિણામો, ડિસેમ્બરનો ફુગાવાનો નીચો દર નીચો અને વિદેશી બજારમાં પણ રસીને પગલે કોરોના સામેની લડાઈમાં વિજયી થવાની આશાએ મજબૂત સ્થિતિમાં ટકી રહ્યું છે.
ટેક્નૉલૉજી કંપનીઓએ જાહેર કરેલાં પરિણામો મુજબ એમની કામગીરી ધારણા કરતાં સારી રહી છે. બુધવારે ઇન્ફોસિસે ત્રીજા ક્વૉર્ટરમાં નફો ૧૬.૮ ટકા વધીને ૫૨૧૫ કરોડ રૂપિયા રહ્યાની જાહેરાત કરી હતી. એ જ રીતે વિપ્રોનો ચોખ્ખો નફો પણ વર્ષાનુંવર્ષ ધોરણે ૨૦.૮૫ ટકા વધીને ૨૯૬૮ કરોડ રૂપિયા રહ્યો છે. આની બે દિવસ પહેલાં બહાર પડાયેલા પરિણામ અનુસાર ટીસીએસ (તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ)નો નફો પણ ૭ ટકા વધીને ૮૭૦૧ કરોડ થયો છે. બુધવારે ઇન્ફોસિસનો ભાવ બીએસઈ પર ૧.૧૬ ટકા વધીને ૧૩૮૭.૭૦ બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા પણ ૦.૪૧ ટકા વધીને ૧૦૬૮.૫૫ બંધ રહ્યો હતો.
ઇન્ફીનો નફો ૧૬.૬૦ ટકા વધ્યો
ઇન્ફોસિસના કન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં ૧૬.૬૦ ટકાની વર્ષાનુંવર્ષ ધોરણે વૃદ્ધિ થતાં આંક ૫૧૯૭ કરોડ રૂપિયા થયો છે. કંપનીએ ગયા વર્ષે ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૪૪૫૭ કરોડનો નફો નોંધાવ્યો હતો. પાછલા ક્વૉર્ટરની તુલનાએ આ વર્ષે ડિસેમ્બર ક્વૉર્ટરમાં નફો ૭.૩ ટકા વધ્યો છે.
કંપનીની આવક વર્ષાનુંવર્ષ ધોરણે ૧૨.૨૭ ટકા અને ત્રિમાસિક ધોરણે ૫.૫૨ ટકા વધીને ૨૫,૯૨૭ કરોડ રૂપિયા થઈ છે.
વિપ્રોની આવક વધીને
૧૫,૬૭૦ કરોડ રૂપિયા થઈ
વિપ્રોની ડિસેમ્બર ક્વૉર્ટરની આવક ૧૫,૬૭૦ કરોડ રૂપિયા થઈ છે, જે ત્રિમાસિક ધોરણે ૩.૬૭ ટકા અને વર્ષાનુવર્ષ ધોરણે ૧.૨૮ ટકા વધી છે. તેની આઇટી સર્વિસિસ વિભાગની આવક ૧૫,૩૩૩.૧ કરોડ રૂપિયા થઈ છે. સારાં પરિણામને પગલે કંપનીએ ૨ રૂપિયાના પ્રત્યેક શૅરદીઠ ૧ રૂપિયાનું વચગાળાનું ડિવિડંડ જાહેર કર્યું છે. કંપનીનો સ્ટૉક બુધવારે બીએસઈ પર ૦.૨૩ ટકા (૧.૦૫ રૂપિયા) વધીને ૪૫૮.૭૫ બંધ રહ્યો હતો. ઇન્ટ્રાડે ધોરણે ભાવ ૪૬૭.૨૦ની બાવન સપ્તાહની ટોચે પહોંચ્યો હતો.
સેન્સેક્સમાં ઇન્ટ્રાડેમાં ૭૦૦થી
વધુ પૉઇન્ટની અફરાતફરી
સેન્સેક્સ ૪૯૭૬૩.૯૩ ખૂલીને ઉપરમાં ૪૯૭૯૫.૧૯ સુધી અને નીચામાં ૪૯૦૭૩ ગયો હતો અને દિવસના અંતે ૨૪.૭૯ પૉઇન્ટ ઘટીને ૪૯૪૯૨.૩૨ બંધ રહ્યો હતો. આમ દિવસ દરમ્યાન તેમાં ૭૦૦ પૉઇન્ટ કરતાં વધારેનો ઉતાર-ચડાવ આવ્યો હતો. બજાર ઑટો અને સરકારી બૅન્કોનાં શૅરોમાં થયેલી ખરીદદારીને લીધે પડતાં અટક્યું હતું.
નિફ્ટી-૫૦માં ૧૪૫૫૦નો આંક જળવાઈ રહેતાં ઇન્ડેક્સ માત્ર ૧.૪ ટકા વધીને ૧૪૫૬૪.૮૫ બંધ રહ્યો હતો. એક તબક્કે ઇન્ડેક્સ ૧૪૬૫૩.૩૫ની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો અને પછી ૨૧૭ પૉઇન્ટ
ઘટીને ૧૪૪૩૫.૭૦ સુધી ગયો હતો તથા દિવસના અંતે ફ્લેટ બંધ રહ્યો હતો.
એનએસઈનો વોલેટિલિટી ઇન્ડેક્સ ૧.૯૪ ટકા વધીને ૨૩.૨૯ થયો હતો. તેના મોટાભાગના બ્રોડ બેઝ્ડ ઇન્ડેક્સ ઘટ્યા હતા, જ્યારે સેક્ટોરલ ઇન્ડાઇસીસમાંથી નિફ્ટી બૅન્ક ૦.૭૩ ટકા, નિફ્ટી ઑટો ૦.૮૮ ટકા, નિફ્ટી પીએસયુ બૅન્ક ૩.૨૭ ટકા અને નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ૦.૧૧ ટકા વધ્યા હતા. ઘટનારા સેક્ટોરલ ઇન્ડાઇસીસમાં નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ (૦.૫૬ ટકા) અને નિફ્ટી ફાર્મા (૦.૯૨ ટકા) સામેલ હતા.
બીએસઈ પર વધનારા મુખ્ય સ્ટૉક્સમાં મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર (૬.૨૪ ટકા વધીને ૮૨૮.૬૫), સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (૪.૮૦ ટકા વધીને ૩૦૬.૭૦), આઇટીસી (૨.૩૫ ટકાની વૃદ્ધિ સાથે ૨૧૧.૨૫), એનટીપીસી (૨.૨૪ ટકા વધીને ૧૦૨.૫૦) તથા ભારતી ઍરટેલ (૨.૨૧ ટકાની વૃદ્ધિ સાથે ૫૭૮.૨૫) હતા. ઘટનારા મુખ્ય શૅરોમાં હિન્દુસ્તાન યુનિલિવર, ટીસીએસ, મારુતિ, એચસીએલ ટેક, બજાજ ઑટો, એચડીએફસી બૅન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કોટક બૅન્ક, એશિયન પેઇન્ટ હતા, જેમાં પ્રોફિટ બુકિંગ થયાનું જોઈ શકાય છે. બીએસઈ પર ટીસીએસ, ભારતી ઍરટેલ, સ્ટેટ બૅન્ક, ઇન્ફોસિસ, રિલાયન્સ, બજાજ ફાઇનૅન્સ, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર, આઇટીસી, હિન્દુસ્તાન યુનિલિવર, એનટીપીસી, એચડીએફસી બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક અને એક્સિસ બૅન્ક સામેલ હતા.
સૅક્ટર પ્રમાણે ટેલિકોમ, ઑટો અને ઑઇલ ઍન્ડ ગૅસમાં કામકાજ વધ્યું હતું. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ફાઇનૅન્સ અને એનર્જીમાં પ્રોફિટ બુકિંગ થયું હતું.
બીએસઈ પર ‘એ’ ગ્રુપની ૨ કંપનીઓને ઉપલી સર્કિટ અને ૩ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી, જ્યારે ‘બી’ ગ્રુપની ૩૫ કંપનીઓને ઉપલી અને ૨૮ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધા ગ્રુપની ૫૮૯ કંપનીઓમાંથી ૩૪૩ કંપનીઓને ઉપલી અને ૨૪૬ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.
ડેરિવેટિવ્ઝ રિપોર્ટ
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં બુધવારે કુલ ૨,૦૬,૯૩૦.૦૮ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૫૭,૯૦૪ સોદાઓમાં ૧૭,૫૦,૯૯૧ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૬,૯૫,૭૧૦ કૉન્ટ્રૅક્ટસના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટસમાં ૩૫.૧૧ કરોડ રૂપિયાના ૨૪૫ સોદામાં ૩૦૭ કૉન્ટ્રૅક્ટસનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કોલ ઓપ્શનના ટ્રેડ થયેલા ૪૬,૭૫૯ સોદામાં ૧૪,૯૫,૯૮૯ કૉન્ટ્રૅક્ટ સાથે ૧,૮૦,૩૭૪.૩૭ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઓપ્શનના ટ્રેડ ૧૦,૯૦૦ સોદામાં ૨,૫૪,૬૯૫ કૉન્ટ્રૅક્ટ સાથે ૨૬,૫૨૦.૫૯ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.
ટેક્નિકલ દૃષ્ટિએ
નિફ્ટી-૫૦માં બુધવારે મોટી ચડ-ઉતર જોવા મળી છે અને દૈનિક ચાર્ટ પર બેરિશ કૅન્ડલ રચાઈ છે, જે હેન્ગિંગ મૅન પૅટર્ન દર્શાવે છે. બજારમાં ચડતી પૂરી થવા આવે એવા સમયે આવી પૅટર્ન રચાય છે. જોકે આજ સુધી બજારમાં વેચવાલી જેવું દેખાતું નહીં હોવાથી હાલતુરત વોલેટિલિટી જળવાઈ રહેશે. ટૂંકા ગાળામાં ૧૪,૮૩-૧૪૩૬૭ની સપાટીએ સપોર્ટ રહેશે. આ સપાટીની નીચે નબળાઈ રહેશે અને સપાટી તૂટ્યા બાદ ૧૩૯૫૦ સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. બીજી બાજુ જો એફઆઇઆઇનો નાણાંપ્રવાહ
યથાવત્‌ રહેશે તો તેજી
બુધવારની ઇન્ટ્રાડેની ઉપલી સપાટી ૧૪૬૫૩ તરફ જઈ શકે છે. ત્યાર બાદ ૧૪૭૫૦-૧૪૮૦૦ના સ્તરે મોટું રેઝિસ્ટન્સ છે.
બજાર કેવું રહેશે?
વિશ્લેષકોના મતે રોકાણકારોએ ઇન્ડેક્સની બાબતે સાવચેત રહેવું. નિફ્ટીમાં લોંગ પોઝિશન ધરાવનારાઓએ ૧૪૪૦૦ની નીચે સ્ટોપલોસ રાખવું. દેશમાં કેન્દ્રીય બજેટનો દિવસ નજીક આવી રહ્યો હોવાથી દર વખતની જેમ વોલેટિલિટી રહેશે.

business news