રિયલ એસ્ટેટ ક્ષેત્રે વિશ્વસનીયતા વધારવા માટે મહારેરાનું વધુ એક પગલું

02 July, 2022 01:48 PM IST  |  Mumbai | Parag Shah

મહારેરા પોતાની આઇટી સિસ્ટમમાં સુધારો કરી રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

ગયા વખતના લેખમાં આપણે જોયું કે પ્રમોટરે મહેરારેની વેબસાઇટ પર પોતાના પ્રોજેક્ટના રજિસ્ટ્રેશન સંબંધે કયા દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે. આજે આપણે મહારેરાની વેબસાઇટ પરના નવા ટૅબ વિશે વાત કરવાના છીએ.

ખરીદદાર સાથે થતા ઍગ્રીમેન્ટ ફૉર સેલની મૉડલ કૉપી, અલૉટમેન્ટ લેટર તથા રેરા પ્રોજેક્ટ માટે ખોલવામાં આવેલા બૅન્ક અકાઉન્ટની વિગતો ધરાવતા બૅન્ક-અકાઉન્ટ લેટરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો હોય તો એને લગતો રિપોર્ટ સુપરત કરવો પણ જરૂરી છે.

મહારેરાએ હાલમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. વળી મહારેરા પોતાની આઇટી સિસ્ટમમાં સુધારો કરી રહ્યું છે. રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સના રજિસ્ટ્રેશન માટે સુપરત કરવામાં આવેલી અરજીઓને લગતી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સંબંધે એ સુધારા કરી રહ્યું છે. રિયલ એસ્ટેટ એજન્ટ્સ માટેની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા વિશે પણ ફેરફાર કરવાની વાત મહારેરાએ કરી છે.

મહારેરાની વેબસાઇટ હવે અનેક નવાં ટૅબ સાથે શરૂ કરવામાં આવી છે. ઉપર કહ્યું એ પ્રમાણે ઍગ્રીમેન્ટ ફૉર સેલ, અલૉટમેન્ટ લેટર અને બૅન્ક અકાઉન્ટની વિગતો એ સંબંધે કોઈ ફેરફાર હોય તો એની જાણ કરનારો ડેવિયેશન રિપોર્ટ સુપરત કરવાનું કહેવામાં આવ્યું છે. પ્રમોટરે આ દસ્તાવેજોના ફૉર્મેટમાં કોઈ ફેરફાર કર્યો હોય તો એની જાણ કંપનીના લેટરહેડ પર મહારેરાને કરવાની હોય છે.

મહારેરાએ કહ્યું છે કે અલૉટમેન્ટ લેટર અને ઍગ્રીમેન્ટના પ્રફોર્મા પર પ્રમોટરે સહી કરવાની હોય છે. આ દસ્તાવેજો મહારેરાએ મંજૂર કરેલા ફૉર્મેટ પ્રમાણે જ હોવા જરૂરી છે. પ્રમોટરે એ ફૉર્મેટમાં જો કોઈ વધારો-ઘટાડો કર્યો હોય તો એની જાણ કરનારો ડેવિયેશન રિપોર્ટ અપલોડ કરવાનો હોય છે.

હવે પછી પ્રમોટરો માટે વધુ એક નિયમ કરવામાં આવ્યો છે અને એમાં કહેવામાં આવ્યું છે કે તેમણે એક અલગ બૅન્ક અકાઉન્ટની વિગતો અપલોડ કરવાની રહેશે, જેના પર કોઈ ગિરોનો બોજો ન હોય અથવા તો નિશ્ચિત હેતુ સિવાયની કોઈ પ્રવૃત્તિ માટે જેના પર કોઈનો હક ન હોય. આ બધી વિગતો ધરાવતો પત્ર પ્રમોટરે કંપનીના લેટરહેડ પર પોતાના સહી-સિક્કા સાથે સુપરત કરવાનો હોય છે.

પ્રમોટરે પોતાના નવા પ્રોજેક્ટ માટે ફરજિયાત આ દસ્તાવેજો સુપરત કરવા જરૂરી છે. પ્રવર્તમાન પ્રોજેક્ટ સંબંધે તેમણે સંબંધિત પ્રોજેક્ટના ત્રિમાસિક સુધારા અપલોડ કરતી વખતે આ દસ્તાવેજો અપલોડ કરવા જરૂરી બને છે.

અહીં ખાસ જણાવવું રહ્યું કે મહારેરાએ રિયલ એસ્ટેટ ક્ષેત્રે મજબૂત, પારદર્શક, વિશ્વસનીય અને સ્પષ્ટ નિયમનકારી વાતાવરણ રચવાનું નક્કી કર્યું છે. આ વલણને લીધે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાને પ્રોત્સાહન મળશે અને સાથે-સાથે ગ્રાહકોનાં હિતનું પણ રક્ષણ થશે.

મહારેરાએ શરૂ કરેલા નવા ટૅબને લીધે દરેક પ્રોજેક્ટને લગતી પારદર્શકતા વધશે. જો ઉપરોક્ત નોટિફિકેશનનું ઉલ્લંઘન કરવામાં આવશે અને જો તેમણે અપલોડ કરેલા દસ્તાવેજો કાયદાની જોગવાઈથી વિપરીત હશે તો પ્રમોટરે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે કરેલી અરજીને ફગાવી દેવામાં આવશે.

છેલ્લે ફરી એક વાર કહેવાનું કે ખરીદદારો, પ્રમોટર તથા એજન્ટ એ બધાના હિતના રક્ષણ માટે મહારેરા કાર્ય કરી રહી છે, જેનો ફાયદો દરેક હિતસંબંધીને થશે.

business news