નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે પણ શૅરબજારમાં ઘટાડો જ જોવા મળ્યો

02 April, 2020 12:22 PM IST  |  Mumbai | Stock Talk

નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે પણ શૅરબજારમાં ઘટાડો જ જોવા મળ્યો

બીએસઈ

એશિયા અને યુરોપમાં નબળા પડેલા બજાર અને ભારતમાં કેન્દ્ર સરકારની નાણાખાધ કોરોના વાઇરસના કારણે અને અગાઉથી મંદ પડી રહેલા અર્થતંત્રના કારણે કાબૂ બહાર રહેશે એવી ચિંતાઓ જોવા મળી રહી છે. કોરોના વાઇરસની અસર હવે અમેરિકામાં વ્યાપક રીતે જોવા મળી રહી છે, નવા કેસ અને મૃત્યુ આંક પણ વધી રહ્યા છે. આ ચિંતાઓ વચ્ચે ભારતીય બજાર નવા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧ના પ્રથમ દિવસે જ ઘટીને બંધ આવ્યાં હતાં. ઇતિહાસમાં સૌથી નબળા માર્ચ મહિના પછી બજારમાં આજે પણ ઘટાડો જોવા મળતા હવે માનસ નેગેટિવ બની રહ્યું છે.

નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ વિદેશી સંસ્થાઓ ૧૧૮૦ કરોડના અને સ્થાનિક સંસ્થાઓએ ૪૫૦ કરોડ રૂપિયાના શૅરનું વેચાણ બજારમાં કર્યું હતું અને જેની અસરથી બજારમાં વ્યાપક ઘટાડો જોવા મળ્યો હતો.

સત્રના અંતે સેન્સેક્સ ૧૨૦૩.૧૮ પૉઇન્ટ કે ૪.૦૮ ટકા ઘટી ૨૮૨૬૫.૩૧ અને નિફ્ટી ૩૪૩.૯૫ પૉઇન્ટ ઘટી ૮૨૫૩.૮૦ની સપાટીએ બંધ આવ્યા હતા. ઇન્ડેક્સ હેવીવેઇટમાં એચડીએફસી બૅન્ક ૩.૭૫ ટકા, ઇન્ફોસિસ ૫.૬૫ ટકા, કોટક મહિન્દ્ર ૮.૮૧ ટકા, ટીસીએસ ૬.૨૩ ટકા  અને રિલાયન્સ ૨.૮૬ ટકા મુખત્વે ઘટ્યા હતા.

દરમ્યાન વિદેશી નાણાં સંસ્થાઓના રોકાણ અંગેના નવા નિયમો અમલમાં આવ્યા પછી બજારમાં એવી ધારણા હતી કે એમએસસીઆઇ ઇન્ડેક્સ ભારતીય બજાર માટેના ફોરેન ઇન્ક્લુઝન ફેક્ટરમાં વધારો કરશે અને તેના કારણે વધારે વિદેશી રોકાણ ભારતીય શૅરબજારમાં આવશે. જોકે એમએસસીઆઇ દ્વારા અપેક્ષાથી વિપરીત આ અંગેનો નિર્ણય પડતો મૂકવામાં આવ્યો હતો અને તેની બજાર ઉપર નકારાત્મક અસર પડી શકે છે. એવો અંદાજ હતો કે આ ફેરફારથી ભારતમાં ૧૦ અબજ ડૉલર જેટલું નવું રોકાણ વિદેશી સંસ્થાઓ કરી શકે છે.

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઉપર આજે ખાનગી બૅન્કો, સરકારી બૅન્કો, આઇટી સહિત બધાં જ ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળ્યો હતો. એક્સચેન્જ ઉપર ૬ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૧૨૧ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૬૬ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૨૩ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.

બીએસઈ ઉપર ૨૪ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૧૮૯ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૮૧ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૧૨માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧.૦૬ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૨.૧૮ ટકા ઘટ્યા હતા. બુધવારે બૉમ્બે એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઈઝેશન ૩,૨૦,૬૩૩ કરોડ ઘટી  ૧૧૦.૨૮ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

સરકારી બૅન્કોના મર્જરની અસરથી શૅર ઘટ્યા

દેશમાં કેન્દ્ર સરકારે ૧૦ મોટી સરકારી બૅન્ક કરવાનો લીધેલો નિર્ણય આજથી અમલમાં આવ્યો હતો. આજથી ઓરિયેન્ટલ બૅન્ક ઑફ કૉમર્સ અને યુનાઇટેડ બૅન્ક બન્ને પંજાબ નૅશનલ બૅન્કમાં મર્જ થઈ ગયા હતા. આજે પંજાબ નૅશનલ બૅન્ક ૫.૮૭ ટકા ઘટી ૩૦.૪૫ રૂપિયા થઈ ગયા હતા. બીજા મર્જરમાં કૉર્પોરેશન બૅન્ક અને આંધ્ર બૅન્કનું મર્જર થયું છે. આ બન્ને બૅન્કના શૅરમાં ટ્રેડિંગ મર્જરના લીધે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. ત્રીજું મર્જર કૅનેરા બૅન્ક તેમ જ સિન્ડિકેટ બૅન્ક વચ્ચે થયું છે. આજે કૅનેરા બૅન્કના શૅર ૦.૫૦ ટકા ઘટી ૯૦.૦૫ રૂપિયા બંધ આવ્યા હતા. ચોથું મર્જર ઇન્ડિયન બૅન્ક અને અલાહાબાદ બૅન્ક વચ્ચે થયું છે. ઇન્ડિયન બૅન્કના શૅર આજે ૧.૭૪ ટકા વધી ૪૨.૮૫ બંધ આવ્યા હતા.

સરકારી બૅન્કોનો નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ આજે ૩.૧૩ ટકા ઘટી ગયો હતો. અન્ય સરકારી બૅન્કોમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા પાંચ ટકા ઘટી ૧૮૭ અને બૅન્ક ઑફ બરોડા ૪.૩૦ ટકા ઘટી ૫૧.૩૦ રૂપિયા ઘટીને બંધ આવ્યા હતા.

આજે નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ ૧.૯૩ ટકા ઘટીને બંધ આવ્યો હતો. ખાનગી બૅન્કોમાં કોટક મહિન્દ્ર ૮.૮૧ ટકા, સિટી યુનિયન બૅન્ક ૭.૪૪ ટકા એક્સીસ બૅન્ક ૫.૫ ટકા, બંધન બૅન્ક ૪.૩૨ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૪.૦૨ ટકા, એચડીએફસી બૅન્ક ૩.૭૫ ટકા અને આરબીએલ બૅન્ક ૩.૧૭ ટકા ઘટીને બંધ આવ્યા હતા.

આઇટી શૅરોમાં ભારે વેચવાલી

મંગળવારે ૩.૬૧ ટકા વધી જનાર આઇટી કંપનીઓમાં આજે ભારે વેચવાલી હતી અને નિફ્ટી આઇટી ઇન્ડેક્સ ૫.૪ ટકા ઘટીને બંધ આવ્યો હતો. આઇટી શૅરોમાં ટેક મહિન્દ્ર આજે ૯.૪ ટકા ઘટી ૫૧૨.૩૫, માઈન્ડ ટ્રી ૯.૩૮ ટકા ઘટી ૭૫૧, ટીસીએસ ૬.૧૪ ટકા ઘટી ૧૭૧૪, ઈન્ફોસિસ ૫.૮૬ ટકા ઘટી ૬૦૩.૯૦, એચસીએલ ટેક ૪.૯૮ ટકા ઘટી ૪૧૪.૬૫, વિપ્રો ૪.૦૯ ટકા ઘટી ૧૮૮.૬૫, તાતા એલેક્સી ૩.૫૪ ટકા ઘટી ૬૦૬.૮૦, હેક્ઝાવેર ૦.૦૯ ટકા ઘટી ૨૨૬.૫૦ રૂપિયા બંધ આવ્યા હતા.

અન્ય શૅરોમાં વધઘટ

બે દિવસથી સતત ૭.૩૮ ટકા વધી જનારા હિન્દુસ્તાન યુનિલીવરના શૅરમાં આજે પ્રોફિટ બુકિંગના કારણે ૫.૧૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીને ગ્લેક્સોના કન્ઝ્યુમર બિઝનેસ સાથે મર્જરની મંજૂરી મળી હતી. ગ્લેક્સો પણ આજે ૪.૬૩ ટકા ઘટી ૯૫૩૦.૫૫ રૂપિયા બંધ આવ્યો હતો.

માર્ચ મહિનામાં વાહનોનું વેચાણ ૪૭ ટકા ઘટ્યું હોવાની જાહેરાત સાથે મારુતિ સુઝુકીના શૅર ૧.૦૩ ટકા ઘટી ગયા હતા. સતત ઘટી રહેલા ભાવ વચ્ચે પ્રમોટર જૂથ દ્વારા હિસ્સો ૦.૧૪ ટકા વધાર્યો હોવાના અહેવાલ વચ્ચે હીરો મોટોકોર્પના શૅર ૨.૨૧ ટકા વધ્યા હતા. ટ્રેક્ટરનું વેચાણ માર્ચ મહિનામાં ૫૪.૩ ટકા ઘટી ગયું હોવાથી એસ્કોર્ટના શૅર ૯.૬૪ ટકા ઘટી ગયા હતા. કમર્શિયલ વાહનો ક્ષેત્રે કાર્યરત અશોક લેલૅન્ડનું માર્ચનું વેચાણ ૯૦ ટકા ઘટ્યું હોવાથી શૅર પણ ૪.૫૩ ટકા ઘટ્યા હતા. એવી જ રીતે વેચાણ ૮૨.૭ ટકા ઘટી જતાં આઇશર મોટર્સના શૅર પણ ૦.૬૬ ટકા ઘટ્યા હતા. મહિન્દ્ર અૅન્ડ મહિન્દ્રનું વેચાણ ૮૮ ટકા ઘટ્યું હોવાથી શૅર ૪.૩૩ ટકા ઘટીને બંધ આવ્યા હતા.

business news