ઓમાઇક્રોનની ચિંતાએ ડૉલેક્સમાં મજબૂતાઈ, લીરામાં મંદીની સુનામી

06 December, 2021 12:10 PM IST  |  Mumbai | Biren Vakil

ક્રિપ્ટોકરન્સીમાં કડાકો : ઇમર્જિંગ બજારોમાં નરમાઈ, રૂપિયામાં મંદીતરફી બ્રેકઆઉટ

પ્રતીકાત્મક તસવીર

શુક્રવારે નોન ફાર્મ પેરોલ ડેટા બિટ્વીન ધ લાઇન્સ જોઈએ તો સુપર સૉલિડ છે. ઉપલક નજરે રોજગારી ૫,૪૬,૦૦૦ લાખ વધવાની આગાહી સામે માત્ર ૨,૧૦,૦૦૦ વધી હોઈ ડેટા ભલે નબળો દેખાતો હોય, પણ બેકારી-દર ૪.૬ ટકાથી ઘટીને ૪.૨ ટકા થયો અને ગયા મહિને ૧૧ લાખ અમેરિકનોને નોકરી મળી એ ધ્યાનમાં લેતાં જૉબ માર્કેટ ઘણું તેજ છે. હવે બેરોજગાર લોકો ઘણા ઓછા છે એટલે નોકરીનો વધારો અપેક્ષા જેટલો ન યે આવે. અર્થતંત્રે તેજીની રફતાર પકડી હોઈ નોકરીઓ વધી છે. કામદારોની તીવ્ર અછત છે. ફેડે ફાસ્ટર ટેપરિંગ અને અપેક્ષા કરતાં વહેલા વ્યાજદર વધારાના સંકેત આપ્યા છે. ફુગાવો હવે કામચલાઉ નથી એમ કહીને ફુગાવો પડકાર છે એમ સ્વીકાર્યું છે. કૅનેડામાં પણ નવેમ્બર જૉબ ડેટા જોરદાર હતો. નોકરીમાં વધારાની અપેક્ષા ૩૮,૦૦૦ સામે ૧,૫૩,૦૦૦ નોકરીઓ વધી હતી. કૅનેડામાં હવે વ્યાજદર વધારો નજદીક છે. અમેરિકામાં આવતા મહિનાથી ટેપરિંગ ઝડપ પકડે, જૂન સુધીમાં એક વ્યાજદર વધારો આવે એવી શક્યતા લાગે છે. 
કરન્સી બજારોની વાત કરીએ તો ડૉલર ઇન્ડેકસ ૯૬.૮૦થી ઘટીને ૯૬.૧૧ હતો. એકંદરે બજાર સ્ટેબલ છે. અંડરટોન મજબૂત છે. મેજર કરન્સીમાં પાઉન્ડ, યુરોમાં મંદી અટકી મામૂલી સુધારો હતો. ઓમાઇક્રોન મામલે મિશ્ર અહેવાલો વચ્ચે બજારોમાં સાવચેતીનો ટોન છે. આંશિક નિયંત્રણો, આંશિક બોર્ડર સીલ જેવાં કારણોથી શૅરબજારોમાં ઉછાળે વેચવાલી છે. ઇમર્જિંગ બજારોમાં લીરામાં એકધારી મંદી વચ્ચે કરન્સી મેલ્ટડાઉન થઈ ચૂક્યું છે. લીરા એક વર્ષમાં ૧૨૦ ટકા તૂટ્યો છે અને દસ વર્ષમાં ૧૦ ગણો તૂટી ૧.૨૦થી તૂટીને ૧૩.૭૦ થઈ ગયો છે. ટર્કીમાં ફુગાવો વકરી ચૂક્યો છે. સાઉથ આફ્રિકા રેન્ડ, રિયાલ અને ઇમર્જિંગ યુરોપ તેમ જ ઇમર્જિંગ એશિયાની કરન્સી પણ નોંધપાત્ર ઘટાડો બતાવે છે. 
 ક્રિપ્ટો બજારમાં બીટકૉઇન, ઇથર સહિતની ક્રિપ્ટોકરન્સીમાં શનિવારે ભારે મોટો કડાકો જોવાયો હતો. બીટકૉઇનમાં તેજી-મંદીની રેન્જ હવે ઘણી મોટી થઈ ગઈ છે. થોડાં જ સપ્તાહ પહેલાં બીટકૉઇન ૬૯,૦૦૦ ડૉલરની ઊંચી સપાટીએ ગયા પછી શનિવારે એક જ દિવસમાં ૨૨ ટકા તૂટી ઇન્ટ્રાડે ૪૧,૬૦૦ ડૉલર થઈ રવિવારે બપોરે ૪૯,૦૦૦ હતો. ગયા મહિને ૧૧,૦૦૦ જેટલી કરન્સીનું માર્કેટ કૅપ ત્રણ ટ્રિલ્યન ડૉલર હતું તે શનિવારે ઘટીને ૨.૩૪ ટ્રિલ્યન થઈ ગયું હતું. બીટકૉઇન, ઇથર, સોલાના જેવા કૉઇનની ટેક્નૉલૉજીના ઘણા વ્યવહારુ ઉપયોગો પણ છે, પરંતુ ડોજે કે શિબા જેવા મિમ્સ કૉઇન ગીમિક છે. ક્રિપ્ટોસ્પેસમાં હવે નોન ફંઝિબલ ટોકન-મેટાવર્સ કૉઇન્સમાં ગાંડપણ આવ્યું છે. માના નામનો એક મેટા કૉઇન જેનો ઉપયોગ એક વર્ચ્યુઅલ જમીન ખરીદવામાં થયો, આ વર્ચ્યુઅલ પ્લોટ ૨૪ લાખ ડૉલરમાં વેચાયો પછી એનએફટીમાં પણ ભારોભાર ઉન્માદ છવાયો છે. ઑનલાઇન ગેમિંગ, વર્ચ્યુઅલ રિયાલિટીની દુનિયા વાસ્તવિકતા અતિક્રમી આભાસી જગતમાં લઈ જાય છે. જેમ-જેમ વૉલેટિલિટી વધે છે તેમ-તેમ હાઈ રિસ્ક મની, હાઇટેક હોટમની આવતું જાય છે. ડિજિટલ બજારની આંટીઘૂંટીમાં અપૂરતું લઈને શૅરબજાર, કૉમોડિટી કે કરન્સી માફક કોપીકેટ ટેક્નિકલ એનાલિસીસ દ્વારા ક્રિપ્ટો ટ્રેડિંગ કરવું નાસમજદારી અને અતિ જોખમી છે. ક્રિપ્ટો મૂળભૂત રીતે ટેક્નૉલૉજી માર્કેટ છે. દરેક ક્રિપ્ટોકરન્સીની પોતપોતાની ટેક્નૉલૉજી પ્રોટોકોલ છે. 
  પંરપરાગત ચલણોની વાત કરીએ તો ઓમાઇક્રોન અચોક્કસતાને કારણે સેફ હેવન કરન્સી સ્વિસ ફ્રાન્ક, જપાની યેન વગેરેમાં સુધારો આગળ વધ્યો છે. ક્રૂડ ઑઇલ અને કૉમોડિટીઝમાં કડાકો આવતાં ઇન્ડો રૂપિયો, મલેશિયા રિંગિટ વગેરે ઘટ્યા છે. ડૉલેકસની તેજી અને ઓમાઇક્રોન કેસ ભારતમાં પણ નોંધાતા રૂપિયો ઘટ્યો છે. શૅરબજારમાં પણ ઉછાળે વેચવાલી છે. લાંબા સમયથી રૂપિયો ૭૩.૮૭-૭૪.૮૮ વચ્ચે અથડાઈ હવે ૭૫.૨૨ થયો છે. નવી રેન્જ ૭૪.૬૫-૭૫.૫૫ ગણાય. રૂપિયો ૭૫.૫૫ ઉપર નિર્ણાયક બ્રેકઆઉટ આપે તો લૉન્ગ ટર્મ ટ્રેન્ડ રિવર્સલ આવી શકે. આયાતકારોએ વિશેષ સાવધાની રાખવી જરૂરી છે. ડિસેમ્બરને કારણે મોટા ખેલાડીઓ હવે નાતાલ મૂડમાં છે. પાતળા વૉલ્યુમને કારણે બજારોમાં વૉલેટિલિટી વધી શકે. નવા પોર્ટફોલિયો લૉકેશન હવે જાન્યુઆરીમાં થશે. હાલના સંજોગોમાં વેઇટ અૅન્ડ વૉચ અભિગમ હિતાવહ છે.

business news