ડિસેમ્બરમાં ભારતમાં ઑઇલનું ઉત્પાદન લગભગ બે ટકા ઘટ્યું

20 January, 2022 02:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિસેમ્બર ૨૦૨૧માં અંદાજિત ૨.૬ મિલ્યન ટનના લક્ષ્યની સામે ઉત્પાદન ૨.૫૧ મિલ્યન ટન થયું હતું

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં ઑઇલનું ઉત્પાદન ગયા ડિસેમ્બરમાં લગભગ બે ટકા ઘટ્યું હોવાનું સત્તાવાર આંકડાઓ દર્શાવે છે. બુધવારે જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર સરકારી માલિકીની ઓએનજીસી કંપનીમાં ઉત્પાદન ઘટ્યું છે. 
ડિસેમ્બર ૨૦૨૧માં અંદાજિત ૨.૬ મિલ્યન ટનના લક્ષ્યની સામે ઉત્પાદન ૨.૫૧ મિલ્યન ટન થયું હતું. જોકે નવેમ્બરના ૨.૪૩ મિલ્યન ટનની તુલનાએ વધારે હતું. 
દેશમાં ઑઇલનું સૌથી વધુ ઉત્પાદન કરતી ઓએનજીસી (ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન)એ ડિસેમ્બરમાં ત્રણ ટકા ઓછું ઉત્પાદન કર્યું હતું, જે ૧.૬૫ મિલ્યન ટન હતું. ઑઇલ ઇન્ડિયા લિમિટેડે ૫.૪ ટકાના ઘટાડા સાથે ૨,૫૪,૩૬૦ ટન ઉત્પાદન કર્યું હતું. ભારત ઑઇલની માગ પૂરી કરવા માટે ૮૫ ટકા ક્રૂડ ઑઇલ વિદેશથી મગાવે છે અને અહીં તેનું રિફાઇનિંગ થાય છે. 
આંકડાઓ મુજબ ગયા એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં ક્રૂડનું ઉત્પાદન ૨.૬૩ ટકા ઘટીને ૨૨.૩ મિલ્યન ટન થયું હતું. ઓએનજીસીએ ૪ ટકાના ઘટાડા સાથે ૧૪.૬ મિલ્યન ટન ઉત્પાદન કર્યું હતું. 
બીજી બાજુ નૅચરલ ગૅસનું ઉત્પાદન ડિસેમ્બરમાં લગભગ ૨૦ ટકાની વૃદ્ધિ સાથે ૨.૮૯ બિલ્યન ક્યુબિક મીટર (બીસીએમ) થયું હતું. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બીપી કંપનીના કેજી-ડી૬ બ્લોકમાં થયેલા વધુ ઉત્પાદનનો મોટો હિસ્સો હતો. ઓએનજીસીમાં ૫.૪૨ ટકાના ઘટાડા સાથે ૧.૭૫ બીસીએમ ગૅસનું ઉત્પાદન થયું હતું. 

business news