રિઝર્વ બૅન્કની લોન-રાહતથી બૅન્કિંગ ફાઇનૅન્શિયલ સર્વિસ શૅરોમાં ઑફલોડિંગ

23 May, 2020 02:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિઝર્વ બૅન્કની લોન-રાહતથી બૅન્કિંગ ફાઇનૅન્શિયલ સર્વિસ શૅરોમાં ઑફલોડિંગ

પ્રતિકાત્મક તસવીર

વૈશ્વિક શૅરબજારમાં ઘટાડો અને રિઝર્વ બૅન્ક દ્વારા તાકીદને પૉલિસીમાં દેશનો આર્થિક વિકાસ દર નેગેટિવ રહેશે એવા અંદાજ વચ્ચે ભારતીય શૅરમાં આજે સેન્ટિમેન્ટ નબળા પડ્યા હતા. બીજી તરફ બૅન્કિંગ અને નાણાકીય સેવાઓ આપતી કંપનીઓમાં લોન પરત કરવાની મુદ્દતમાં રિઝર્વ બૅન્કે અગાઉની ત્રણ મહિનાની ગ્રાહકોને આપેલી રાહત વધુ ત્રણ મહિના વધારતા નફાશક્તિની ચિંતાઓને લીધે ભારે વેચવાલી જોવા મળી હતી અને સેન્સેક્સ અને નિફ્ટી ઘટીને બંધ આવ્યા હતા. એપ્રિલ મહિનાની તેજી પછી સતત ત્રીજા અઠવાડિયે ભારતીય શૅરબજાર આજે ઘટીને બંધ આવ્યાં હતાં.

આજે સેન્સેક્સ ૨૬૦.૩૧ પૉઇન્ટ કે ૦.૮૪ ટકા ઘટી ૩૦૬૭૨.૫૯ અને નિફ્ટી ૬૭ પૉઇન્ટ કે ૦.૭૪ ટકા ઘટી ૯૦૩૯.૨૫ બંધ આવ્યા હતા. આજે સતત નવમાં ટ્રેડિંગ સત્રમાં વિદેશી સંસ્થાઓની વેચવાલી ચાલુ રહી હતી. આજે વિદેશી ફંડ્સ દ્વારા ૧૩૫૪ કરોડ રૂપિયાના શૅર વેચવામાં આવ્યા હતા. તેની સાથે આજે સ્થાનિક ફંડ્સ દ્વારા પણ ૩૪૪ કરોડ રૂપિયાનું વેચાણ કરવામાં આવ્યું હતું. .

સેન્સેક્સ કંપનીઓમાં ઍક્સિસ બૅન્ક, એચડીએફસી, બજાજ ફાઇનૅન્સ, બજાજ ઑટો, આઇસીઆઇસીઆઇ બૅન્ક, તાતા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બૅન્ક અને એચડીએફસી બૅન્ક ઘટ્યા હતા, જ્યારે મહિન્દ્ર અૅન્ડ મહિન્દ્ર, એશિયન પેઈન્ટ, ટેક મહિન્દ્ર, ઈન્ફોસિસ અને અલ્ટ્રાટેક સિમેન્ટ વધ્યા હતા.

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઉપર આજે બૅન્કિંગ, ફાઇનૅન્શિયલ સર્વિસ, મેટલ્સ અને રીઅલ એસ્ટેટમાં વેચવાલી હતી જ્યારે આઇટી, મીડિયા અને ફાર્મામાં ખરીદી જોવા મળી હતી. એક્સચેન્જ ઉપર ૧૩ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૪૨ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૫૫ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૫૩માં મંદીની સર્કિટ જોવા મળી હતી.

બીએસઈ ઉપર ૪૨ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૯૯ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૧૨ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૦૨માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૨૩ ટકા અને અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૮૩ ટકા ઘટીને બંધ આવ્યા હતા. શુક્રવારે બૉમ્બે એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઈઝેશન ૬૦,૧૩૮ કરોડ રૂપિયા ઘટી ૧૨૧.૬૨ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

સતત ત્રીજા સપ્તાહે બજાર ઘટ્યું : ઑટો, મીડિયા વધ્યા અને બૅન્ક, ફાર્મા ઘટ્યા

સતત ત્રીજા સપ્તાહે નિફ્ટી અને સેન્સેક્સ ઘટીને બંધ આવ્યા હતા. આ સપ્તાહમાં નિફ્ટી ૧.૧ ટકા અને સેન્સેક્સ ૧.૩ ટકા ઘટીને બંધ આવ્યા હતા. ગત સપ્તાહે નિફ્ટી બૅન્ક ૨.૭ ટકા ઘટ્યા બાદ આ સપ્તાહમાં તે વધુ તીવ્ર રીતે ૮.૩ ટકા ઘટ્યો હતો. અન્ય ઘટેલા ક્ષેત્રોમાં આ સપ્તાહમાં નિફ્ટી મેટલ્સ ૧.૮ અને નિફ્ટી રીઅલ એસ્ટેટ ૫.૨ ટકા ઘટ્યા હતા. વધેલા ઇન્ડેક્સમાં ફાર્મા ૫.૬ ટકા, આઇટી ૪.૯ ટકા અને એફએમસીજી ૩.૧ ટકા સાથે મોખરે હતા.

રિઝર્વ બૅન્કની હપ્તામાં રાહત, બૅન્કોના શૅર ઘટ્યા

રિઝર્વ બૅન્કે આજે કોરોના વાઇરસના કારણે ઊભી થયેલી સ્થિતિમાં લોન લેનારને રાહત આપતા, હપ્તા અને વ્યાજ ભરવામાં વધુ ત્રણ મહિનાની રાહત આપી હતી. આ ઉપરાંત મુદ્દત પછી આ છ મહિનાના ગાળામાં એકત્ર થયેલી બાકીની રકમ પણ હપ્તેથી જ વસૂલવા માટેની જાહેરાત કરી હતી. લોનના હપ્તામાં વિલંબના કારણે બૅન્કોની નફાશક્તિ ઘટશે અને તેની સાથે એનપીએની સમસ્યા પણ થશે એવી ચિંતામાં ખાનગી બૅન્કોની આગેવાની હેઠળ બૅન્કિંગમાં ભારે વેચવાલી આવી હતી. આજે નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ ૨.૫૭ ટકા ઘટ્યો હતો, નિફ્ટી પ્રાઈવેટ બૅન્ક ઇન્ડેક્સ ૨.૮૫ ટકા ઘટ્યો હતો.

એક્સી બૅન્ક આજે ૫.૬૫ ટકા, ફેડરલ બૅન્ક ૫.૦૮ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૪.૩૨ ટકા, આરબીએલ બૅન્ક ૪.૨ ટકા, બંધન બૅન્ક ૩.૫૩ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૨.૫૨ ટકા, એચડીએફસી બૅન્ક ૨.૪૩ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૧.૩ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૦.૭૨ ટકા, આઇડીએફસી ફર્સ્ટ ૦.૨૬ ટકા અને બૅન્ક ઑફ બરોડા ૦.૧૩ ટકા ઘટ્યા હતા. જો કે કોટક મહિન્દ્ર બૅન્કના શૅર ૦.૯૧ ટકા વધ્યા હતા.

બૅન્કિંગ જેવી જ ચિંતાના કારણે નૉન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓના શૅરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ આજ ૩.૦૬ ટકા ઘટ્યો હતો. મહિન્દ્ર અૅન્ડ મહિન્દ્ર ફાઇનૅન્શિયલ સર્વિસના શૅર ૬.૩૧ ટકા, એસબીઆઇ કાર્ડ ૬.૧૪ ટકા, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ૫.૭૮ ટકા, ચોલામંડલમ ૫.૧૨ ટકા, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ૪.૯૩ ટકા, એચડીએફસી ૪.૯૯ ટકા, બજાજ ફિનસર્વ ૪.૮૩ ટકા, બજાજ ફાઇનૅન્સ ૪.૬૭ ટકા અને એડલવાઈસ ૪.૨૬ ટકા ઘટ્યા હતા.

અન્ય શૅરોમાં વધઘટ

માર્ચ ક્વૉર્ટરમાં નફો ૯૧.૩ ટકા ઘટ્યો હોવાથી ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના શૅર ૦.૧૨ ટકા ઘટ્યા હતા. હોકિન્સનો નફો ૩૦.૬ ટકા અને વેચાણ ૨૧ ટકા ઘટ્યું હોવાથી શૅર ૬.૯૩ ટકા ઘટ્યા હતા. સિગારેટ બનાવતી વીએસટી ઇન્ડસ્ટ્રીઝનો નફો ૩૩.૧૫ ટકા વધ્યો હોવાથી શૅરના ભાવ ૧.૫૯ ટકા વધ્યા હતા.

રિલાયન્સ દ્વારા આજે જિયો પ્લૅટફૉર્મમાં વધુ હિસ્સો વેચી ૧૧,૩૬૭ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. આમ છતાં શૅર આજે ૦.૫૯ ટકા ઘટ્યો હતો. વ્હીસલ બ્લોઅર દ્વારા ઑક્ટોબરમાં અમેરિકામાં દાખલ કરવામાં આવેલો કેસ નકારી કાઢવામાં આવતા ઈન્ફોસિસના શૅર આજે ૩.૦૧ ટકા વધ્યા હતા. 

business news reserve bank of india