NSEનું કો-લોકેશન કૌભાંડ:સઘન તપાસ કરવા CBIએ દિલ્હી વડી અદાલતને આપી ખાતરી

25 May, 2019 02:28 PM IST  | 

NSEનું કો-લોકેશન કૌભાંડ:સઘન તપાસ કરવા CBIએ દિલ્હી વડી અદાલતને આપી ખાતરી

સઘન તપાસ કરવા CBIએ દિલ્હી વડી અદાલતને આપી ખાતરી

 આશરે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાના કહેવાતા કો-લોકેશન કૌભાંડમાં સેબીની કાર્યવાહી સામે એનએસઈને રાહત મળી ગઈ છે, પરંતુ હવે આ કેસમાં સીબીઆઇએ સઘન તપાસ કરવાનો નિર્ણય લીધો છે.આ કેન્દ્રીય એજન્સીએ દિલ્હી વડી અદાલતમાં રજૂ કરેલા સ્ટેટસ રર્પિોટ મુજબ હવે તેની તપાસ ૨૦૧૭માં નોંધાવાયેલા એફઆઇઆર સુધી સીમિત નહીં રહે, પરંતુ તેમાં કઈ રીતે ષડ્યંત્ર રચાયું હતું અને કૌભાંડ કરાયું હતું તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.

નોંધનીય છે કે શાંતનુ ગુહા રેએ સીબીઆઇ પાસે ઊંડી તપાસ કરાવવા માટે જનહિતની અરજી કરી હતી અને તેની સુનાવણી વખતે દિલ્હી વડી અદાલતમાં સીબીઆઇએ ઉક્ત બાંયધરી આપી હતી. તેણે કહ્યું હતું કે સરકારનો કોઈ ઉચ્ચ હોદ્દેદાર કે કોઈ પણ ઉચ્ચ આસન પર બેઠેલી કોઈ પણ વ્યક્તિ આ કેસમાં સંડોવાયેલી હશે તો તેની પણ તપાસ કરવામાં આવશે. એનએસઈ/સેબી/સરકારી મંત્રાલય કે ખાનગી વ્યક્તિ કે સરકારી અમલદાર જો કો-લોકેશન કૌભાંડના ષડ્યંત્રમાં સંડોવાયેલો હશે તો તેની સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

સીબીઆઇની ઉક્ત ખાતરીને પગલે ગુહા રેએ અરજી પાછી ખેંચી હતી. તેમના વતી જાણીતા ધારાશાશ્ત્રી મહેશ જેઠમલાણીએ અદાલતમાં રજૂઆતો કરી હતી. જેઠમલાણીએ જણાવ્યા મુજબ સીબીઆઇએ ગુહા રેને નિવેદન નોંધાવવા માટે તથા કેસને સંબંધિત માહિતી આપવા માટે પોતાના કાર્યાલયમાં બોલાવ્યા છે. જનહિતની અરજીમાં એમ કહેવામાં આવ્યું હતું કે સીબીઆઇ માત્ર બે વ્યક્તિઓ સંબંધે તપાસ કરી રહી છે. તપાસને વધુ વિસ્તૃત બનાવવા માટે સીબીઆઇને અદાલત આદેશ આપે એવો અનુરોધ છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સીબીઆઇની તપાસની ગતિ ધીમી છે. અરજી સંબંધે અદાલતે ૨૨મી મેએ સ્ટેટસ રિપોર્ટ માગ્યો હતો.

business news