હવે મુદ્રાની વધતીજતી એનપીએ ચિંતા કરાવે છે

16 September, 2021 02:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાણાં મંત્રાલયની જાહેર ક્ષેત્રની બૅન્કોના એમડી અને સીઈઓ સાથે કરશે આજે ચર્ચા

નિર્મલા સીતારમણ. ફાઇલ ફોટો

પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ મંજૂર કરાયેલી લોનમાંથી વધતી જતી નોન પર્ફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ)ને અનુલક્ષીને અને વર્તમાન નાણાકીય વર્ષમાં ધિરાણ માટેની માગ ઘટી હોવાથી નાણાં મંત્રાલયે તેના વિશે ચર્ચા કરવા જાહેર ક્ષેત્રની બૅન્કોના મૅનેજિંગ ડિરેક્ટર્સ અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ (સીઈઓ) સાથે બેઠક બોલાવી છે. 
નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન ભાગવત કરાડ ૧૬ સપ્ટેમ્બરે ઔરંગાબાદમાં જાહેર ક્ષેત્રની બૅન્કોના સીઈઓને મળશે અને મુદ્રા લોન અંગેના મુદ્દાઓ વિશે ચર્ચા કરશે. બૅન્કની શાખાઓ કેટલી હોવી જોઈએ અને બૅન્કોનું મર્જર થયા પછી બૅન્કની શાખાઓ કેટલા પ્રમાણમાં રાખવી એ મુદ્દે પણ ચર્ચાવિચારણા થશે, એમ નાણાં મંત્રાલયે બૅન્કના સીઈઓને મોકલેલી સૂચનામાં જણાવ્યું છે. 
મુદ્રા યોજના હેઠળ બિન-કૉર્પોરેટ, બિન-ખેતી, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને ૧૦ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.
છેલ્લાં કેટલાંક વર્ષમાં મુદ્રા લોનમાંથી એનપીએમાં સતત વધારો થયો છે. મહારાષ્ટ્ર સ્ટેટ લેવલ બૅન્કર્સ કમિટી (એસએલબીસી) દ્વારા તૈયાર કરાયેલા એક અહેવાલ અનુસાર ગત ૩૦ જૂનના રોજ મુદ્રા લોનની નોન પર્ફોર્મિંગ ઍસેટ્સ ૨૨ ટકા હતી. ૨૪,૮૫૦ કરોડ રૂપિયામાંથી ૫૫૨૧ કરોડ રૂપિયાની લોનને એનપીએ ગણાવાઈ છે. 

મુદ્રા યોજના હેઠળ અપાયેલી લોન

૨૦૨૧-૨૨ : ૭૩,૩૪૫.૩૨ કરોડ રૂપિયા (૨૭/૦૮/૨૧ના રોજ)
૨૦૨૦-૨૧ : ૩,૧૧,૭૫૪.૪૭ કરોડ રૂપિયા
૨૦૧૯-૨૦ : ૩,૨૯,૭૧૫.0૩ કરોડ રૂપિયા
૨૦૧૮-૧૯ : ૩,૧૧,૮૧૧.૩૮ કરોડ રૂપિયા
૨૦૧૭-૧૮ : ૨,૪૬,૪૩૭.૪0 કરોડ રૂપિયા
૨૦૧૬-૧૭: ૧,૭૫,૩૧૨.૧૩ કરોડ રૂપિયા
૨૦૧૫-૧૬ : ૧,૩૨,૯૫૪.૭૩ કરોડ રૂપિયા

business news