ફ્લૅટના અલૉટમેન્ટ લેટર સંબંધે મહારેરાએ બહાર પાડેલું નોટિફિકેશન

18 June, 2022 04:41 PM IST  |  Mumbai | Paresh Kapasi

મહારેરાએ ખરીદદાર-વેચાણકર્તા વચ્ચે વાદવિવાદ સર્જાય નહીં અને કરારમાં પારદર્શકતા આવે એ હેતુથી અલૉટમેન્ટ લેટરનો સ્ટાન્ડર્ડ પર્ફૉર્મા તૈયાર કર્યો છે

પ્રતીકાત્મક તસવીર

ગયા લેખમાં આપણે મહારેરાની વેબસાઇટ પર શરૂ કરવામાં આવેલા નવા વિભાગની વાત કરી હતી. પ્રમોટરે પોતાના પ્રોજેક્ટને રેરામાં રજિસ્ટર કરવા માટે આપવી પડતી માહિતી માટે આ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. ડબલ રજિસ્ટ્રેશન થાય નહીં અને ડબલ રજિસ્ટ્રેશનને કારણે થતા કાનૂની ખટલા નિવારી શકાય એ દૃષ્ટિએ આ નવો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. 
આજે આપણે મહારેરાએ ઇશ્યુ કરેલા નવીનતમ નોટિફિકેશનની વાત કરવાના છીએ. નવું નોટિફિકેશન અલૉટમેન્ટ લેટરને લગતું છે. પ્રમોટરે નવા પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે અલૉટમેન્ટ લેટરનું સ્વરૂપ અપલોડ કરવાનું હોય છે. 
મહારેરાએ ખરીદદાર-વેચાણકર્તા વચ્ચે વાદવિવાદ સર્જાય નહીં અને કરારમાં પારદર્શકતા આવે એ હેતુથી અલૉટમેન્ટ લેટરનો સ્ટાન્ડર્ડ પર્ફૉર્મા તૈયાર કર્યો છે. આ લેટર ખરીદદારને ફ્લૅટ બુક કરાવતી વખતે પ્રમોટર/બિલ્ડરે આપવાનો હોય છે. એમાં ફ્લૅટની વિગતો, પેમેન્ટનો પ્રકાર તથા વધારાના ચાર્જિસ વગેરે લખાયેલા હોય છે.
એક સમય એવો હતો જ્યારે પ્રમોટર અસ્પષ્ટ કે સંદિગ્ધ ભાષામાં લખેલો અલૉટમેન્ટ લેટર ઇશ્યુ કરતા. પહેલાં લેટરમાં ફ્લૅટ માટે નક્કી થયેલી કિંમત લખવામાં આવતી ન હતી. એ ઉપરાંત પણ અનેક રીતે એમાં અસ્પષ્ટતા રહેતી. મહારેરાએ હવે અલૉટમેન્ટ લેટરનો ડ્રાફ્ટ ઇશ્યુ કર્યો છે અને કહ્યું છે કે દરેક પ્રમોટરે પોતાના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે મહારેરાની વેબસાઇટ પર એ અપલોડ કરવો પડશે. મહારેરાએ નોટિફિકેશનમાં કહ્યું છે કે અલૉટમેન્ટ લેટર ઉપરાંત ઍગ્રીમેન્ટ ફૉર સેલ અને કન્વેયન્સ ડીડનો પર્ફૉર્મા પણ અપલોડ કરવાનો રહેશે. 
ઑથોરિટીએ એમ પણ કહ્યું છે કે પ્રમોટર અને ફ્લૅટ ખરીદનાર વચ્ચે જે અલૉટમેન્ટ લેટર પર સહી થશે એ લેટર ઑથોરિટીએ જારી કરેલા મૉડલ અલૉટમેન્ટ લેટરના સ્વરૂપમાં જ હોવો જરૂરી છે. 
અલૉટમેન્ટ લેટરના પર્ફૉર્મામાં એ પણ લખવાનું રહેશે કે બુકિંગ ઓછામાં ઓછા કેટલા દિવસમાં રદ કરી શકાય છે. એ ઉપરાંત જો ફ્લૅટધારક બુકિંગ રદ કરે તો એમણે ભરેલી રકમમાંથી કેટલા ટકા રકમ કપાઈને પાછી આપવામાં આવશે. 
પ્રમોટર બુકિંગ રદ કરવા માટેના ઓછામાં ઓછા દિવસની સંખ્યા વધારી શકે છે તથા બુકિંગ અમાઉન્ટમાંથી કાપી નાખવાની રકમની ટકાવારી ઘટાડી શકે છે. 
અત્યાર સુધી ખરીદદારો અને ડેવલપરો વચ્ચે અનેક વાર વાદવિવાદ થતાં અદાલતની મદદ લેવી પડતી હતી. બુકિંગ રદ કરાવતી વખતે ડેવલપરો ઘણી મોટી રકમ કાપી લેતા હતા. તેઓ વેચાણના ઍગ્રીમેન્ટની નકલ પણ આપતા ન હતા તથા પાર્કિંગના અલૉટમેન્ટની વિગતો સ્પષ્ટપણે લખવામાં આવતી ન હતી. હવે મહારેરાએ બહાર પાડેલા નવા નોટિફિકેશનને લીધે આ બધું બંધ થઈ જશે. 
નવા અલૉટમેન્ટ લેટરમાં ડેવલપરે બુક કરાયેલી પ્રૉપર્ટીનો કબજો સોંપવાની તારીખ, પાર્કિંગનું અલૉટમેન્ટ તથા ફ્લૅટની કુલ કિંમતની ૧૦ ટકા રકમ લઈને કરાયેલા ઍગ્રીમેન્ટની વિગતો લખવી જરૂરી બને છે. મહારેરાએ આપેલા સ્વરૂપમાં અલૉટમેન્ટ લેટર ઇશ્યુ નહીં કરાય તો પ્રમોટર સામે કાર્યવાહી થઈ શકે છે. એમાં પ્રોજેક્ટના કુલ ખર્ચના પાંચ ટકા જેટલો દંડ સામેલ છે. ડેવલપર મૉડલ અલૉટમેન્ટ લેટરના સ્વરૂપનો સ્વીકાર નહીં કરે તો પણ આટલો જ દંડ થશે.

business news