આર્થિક વૃદ્ધિ નથી, પણ મોંઘવારી વધી રહી છે:RBI વ્યાજના દર ઘટાડશે નહીં

14 August, 2020 12:35 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

આર્થિક વૃદ્ધિ નથી, પણ મોંઘવારી વધી રહી છે:RBI વ્યાજના દર ઘટાડશે નહીં

રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા

જુલાઈ મહિનામાં ગ્રાહક ભાવાંક (કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ)ના આધારે માપવામાં આવતી મોંઘવારી સતત ચોથા મહિને વધી છે. જૂન મહિનાના ૬.૨૩ ટકાના ગ્રાહક ભાવાંક સામે જુલાઈમાં મોંઘવારી ૬.૯૩ ટકા આવી છે. ગ્રાહક ભાવાંકમાં ખાદ્ય ચીજોનો સૌથી મોટો હિસ્સો છે અને જુલાઈમાં એનો ફુગાવો ૮.૭૧ ટકા જોવા મળ્યો હતો. દેશમાં મોંઘવારી માર્ચ પછી સતત વધી રહી છે.
રિઝર્વ બૅન્કને મૉનિટરી પૉલિસી કમિટી વ્યાજનો દર નક્કી કરવા માટે ગ્રાહક ભાવાંકને માપદંડ માને છે. આ કમિટી માટે ગ્રાહક ભાવાંક ૪ ટકા (ઉપર ૬ ટકા અને નીચેના સ્તરે ઓછામાં ઓછા બે ટકા) હોવો જરૂરી છે. ગયા સપ્તાહે રિઝર્વ બૅન્કે ધિરાણનીતિની સમીક્ષામાં ફુગાવો હજી પણ વધશે એવી આગાહી સાથે વ્યાજના દર સ્થિર રાખ્યા હતા. જુલાઈનો ફુગાવો ઊંચો રહેતાં હવે આ નિશ્ચિત થઈ ગયું છે કે હમણાં વ્યાજના દર ઘટશે નહીં.
અગાઉથી ૧૦ વર્ષમાં સૌથી ધીમી રીતે વધી રહેલા ભારતીય અર્થતંત્ર માટે કોરોના વાઇરસની મહામારીને કારણે દેશમાં લૉકડાઉનને લીધે વધારે પડકાર ઊભા થયા છે. રિઝર્વ બૅન્ક પોતે સ્વીકારે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧માં દેશનો જીડીપી દર નેગેટિવ રહેશે. એટલે કે લોકોની માથાદીઠ આવક વધવાને બદલે ઘટશે. આ કિસ્સામાં ફુગાવો વધે તો એ પ્રજા પર બમણો માર કહેવાય. અર્થશાસ્ત્રમાં આ સ્થિતિને સ્ટેગફ્લૅશન (એટલે કે વિકાસ નહી, પણ મોંઘવારી વધવી) કહેવાય.
દરમિયાન, ગ્રામ્ય ગ્રાહક ભાવંક ૬.૧ ટકા અને શહેરી વિસ્તારમાં ૭.૮૮ ટકા રહ્યો હતો. વિવિધ ચીજોમાં શાકભાજીનો ફુગાવો ૧૧.૨+૯ ટકા, ફ્રુટ્સ ૦.૧૩ ટકા અને કઠોળના ભાવ ૧૫.૯૨ ટકા વધ્યા હતા.

business news reserve bank of india