અકાઉન્ટ-હોલ્ડરના અવસાન પછી નૉમિનીને ૧૫ દિવસમાં ક્લેમ મળી જશે

11 August, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિઝર્વ બૅન્કે નિયમો સરળ બનાવવાનો નિર્ણય લીધો

પ્રતીકાત્મક તસવીર

અકાઉન્ટ-હોલ્ડરના મૃત્યુ બાદ તેના નૉમિનીને સરળતાથી ફન્ડ અને લૉકરમાં મૂકેલી કીમતી વસ્તુઓ મળી શકે એ માટે ભારતીય રિઝર્વ બૅન્કે નિયમો સરળ બનાવવાનો નિર્ણય લીધો છે. જોકે ૧૫ દિવસ સુધીમાં ક્લેમ સેટલ ન થાય તો દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. હાલમાં નિયમોના ફેરફાર માટે રિઝર્વ બૅન્કે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. એને લગતાં સૂચનો કે ટિપ્પણીઓ મોકલવા માટે ૨૭ ઑગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

તમામ કમર્શિયલ અને કો-ઑપરેટિવ બૅન્કોમાં ડિપોઝિટ અકાઉન્ટ, લૉકર્સ અને સેફ કસ્ટડીમાં મુકાયેલી વસ્તુઓ માટે આ નિયમ લાગુ પડશે. અત્યારે દરેક બૅન્કમાં જુદા-જુદા નિયમો લાગુ પડે છે. રિઝર્વ બૅન્કના નવા નિયમો તમામ બૅન્ક માટે એકસરખા લાગુ કરવામાં આ‍વશે. પ્રસ્તાવિત નિયમ મુજબ જો વસિયતનામું ન હોય તથા કોર્ટ-ઑર્ડર કે કોઈ વિવાદ ન ચાલતો હોય તો વારસાઈનું પ્રમાણપત્ર કે પ્રમાણિત કરેલા વસિયતનામા જેવા કોઈ પણ કાયદાકીય દસ્તાવેજો રજૂ કરવા જરૂરી નથી. નૉમિનીએ ક્લેમ-ફૉર્મ ભરીને અકાઉન્ટ-હોલ્ડરના મૃત્યુનું પ્રમાણપત્ર અને પોતાનું ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે.

નિર્ધારિત કરેલા સમયગાળામાં ક્લેમ કરવામાં નહીં આવે તો બૅન્કે આ અંગે નૉમિની પાસેથી જવાબ માગવાનો રહેશે તેમ જ ડિપોઝિટ્સ પર વાર્ષિક ૪ ટકાથી વધુ વ્યાજ દંડપેટે વસૂલ કરવામાં આવશે. લૉકર્સ અને સેફ કસ્ટડી માટે વિલંબ થયાના દરેક દિવસ માટે ૫૦૦૦ રૂપિયા દંડ ભરવો પડશે.

નૉમિની ન હોય એવા ખાતા માટે પણ ૧૫ રૂપિયા લાખ સુધીની લિમિટ સેટ કરીને કાનૂની વારસદારને સરળતાથી ક્લેમ-સેટલમેન્ટનો વિકલ્પ આપવાનું રિઝર્વ બૅન્કે જણાવ્યું છે.

reserve bank of india business news