2000ની નોટ બદલવા માટે નહીં ભરવું પડે કોઈ ફોર્મ, જાણો કઈ રીતે બદલી શકાશે નોટ

21 May, 2023 04:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તમે આઈડી પ્રૂફ વગર 2000 રૂપિયાની નોટ અન્ય મૂલ્યની નોટો સાથે બદલી શકો છો. આ માટે તમારે કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી

પ્રતીકાત્મક તસવીર

જો તમે 23 મેના રોજ 2000 રૂપિયા (2000 Rupees Note)ની નોટ બદલવા માટે બૅન્ક જઈ રહ્યા છો, તો તમારા માટે મહત્વના સમાચાર આવ્યા છે. સમાચાર એ છે કે તમે આઈડી પ્રૂફ વગર 2000 રૂપિયાની નોટ અન્ય મૂલ્યની નોટો સાથે બદલી શકો છો. આ માટે તમારે કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી. દેશની સૌથી મોટી સરકારી બૅન્ક સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના પત્રમાં આ અંગે જાણકારી આપી છે.

આઈડી કાર્ડ જરૂરી નહીં

સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાએ તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે કોઈપણ વ્યક્તિએ ઓળખનો પુરાવો આપવો પડશે નહીં કે કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં. 2000 રૂપિયાની 20,000 રૂપિયા સુધીની નોટ એક જ વારમાં સરળતાથી બદલી શકાશે.

23 મે અને 30 સપ્ટેમ્બર, 2023ની વચ્ચે કોઈપણ વ્યક્તિ જેની પાસે 2000 રૂપિયાની નોટ છે તે તેને અન્ય મૂલ્યોની નોટો માટે બદલી શકે છે. તેવી જ રીતે, બૅન્ક ખાતામાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા માટે કોઈ વધારાનું ફોર્મ ભરવાનું રહેશે નહીં. જોકે, થાપણોને લઈને બૅન્કના જે પણ નિયમો છે, તેનું પાલન કરવું પડશે.

અહીં 2000 રૂપિયાની નોટ પણ બદલી શકાશે

ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો પણ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેન્ટરની મુલાકાત લઈને 2000 રૂપિયાની નોટો એક્સચેન્જ કરાવી શકે છે, પરંતુ કેન્દ્ર પર માત્ર 2000 રૂપિયાની 4000 રૂપિયા સુધીની નોટો જ બદલી શકાશે. બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ બૅન્કની જેમ કામ કરે છે. તેઓ ગ્રામજનોને બૅન્ક ખાતા ખોલવામાં મદદ કરે છે. તે વ્યવહાર પણ કરે છે.

RBI ઑફિસમાં પણ નોટ બદલી શકાશે

આરબીઆઈની દેશભરમાં 31 સ્થળોએ પ્રાદેશિક કચેરીઓ છે, પરંતુ રૂા. 2000ની નોટ અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુરમાં આપવામાં આવશે. તો નવી દિલ્હી, દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં પણ નોટ બદલી શકાય છે. ભારતીય રિઝર્વ બૅન્કે બૅન્કોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટો જાહેર કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. એટલે કે હવે બૅન્કો ગ્રાહકોને નવી 2000ની નોટ નહીં આપે.

આ પણ વાંચો: રેમિટન્સ સ્કીમમાં બિઝનેસ અર્થેની મુલાકાતના ખર્ચનો સમાવેશ નહીં થાય

ભારતીય રિઝર્વ બૅન્ક `ક્લીન નોટ પોલિસી` હેઠળ 2000 રૂપિયાની નોટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પોલિસી હેઠળ આરબીઆઈ ધીમે-ધીમે બજારમાંથી 2000ની નોટો પાછી ખેંચી લેશે.

business news reserve bank of india state bank of india national news