03 August, 2024 07:07 AM IST | Mumbai | Anil Patel
બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ
અમેરિકા ખાતે આર્થિક ડેટા નબળા આવ્યા છે. PMIની રીતે મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ધારણા કરતાં વધુ ઢીલો પડ્યો છે. સરવાળે ઇકૉનૉમી મંદીમાં સરી પડવાનો હાઉ જાગ્યો છે. કૉર્પોરેટ પરિણામોને લઈને માનસ આમેય ખરડાયેલું હતું એ હવે વધુ બગડવાની આશંકા જાગી છે, જેમાં ગુરુવારની મોડી રાતે ડાઉ ઇન્ડેક્સ એક ટકો તો નૅસ્ડૅક સવાબે ટકા ઘટીને બંધ થયાં છે. અમેરિકામાં રિસેશનનો હાઉ જાગતાં શુક્રવારે દુનિયાભરનાં શૅરબજારો પૅનિકના માહોલમાં જોવાયા છે. જપાન ખાતે વ્યાજદરમાં વધારાનું ચક્ર શરૂ થયું છે એની અસર ભેળવાતાં નિક્કી ઇન્ડેક્સ ગઈ કાલે ૨૨૧૭ પૉઇન્ટ કે સવાછ ટકા ખાબક્યો છે જે બે વર્ષનો સૌથી મોટો કડાકો છે. અન્યમાં તાઇવાન સાડાચાર ટકાથી વધુ, સાઉથ કોરિયા પોણાચાર ટકા, હૉન્ગકૉન્ગ બે ટકાથી વધુ, સિંગાપોર સવા ટકા નજીક, ચાઇના એક ટકો બગડ્યું હતું. યુરોપ રનિંગમાં એકથી દોઢ ટકા કપાયું છે. લંડન ફુત્સી અડધો ટકો નીચે હતો. જૅપનીઝ બજાર આગલા દિવસે અઢી ટકા જેવું ડાઉન હતું. એને ગણતરીમાં લઈએ તો ૨૦૧૧ પછી બે દિવસમાં આટલો મોટો ઘટાડો પ્રથમ વાર ત્યાં નોંધાયો છે. હમાસ કમાન્ડરની હત્યાના તનાવમાં બ્રેન્ટ ક્રૂડ ૮૦ ડૉલરે ટકેલું હતું. કૉમેક્સ ગોલ્ડ સવા ટકા અને સિલ્વર પોણાબે ટકા ઝમકમાં હતા. કરાચી શૅરબજાર પણ અવળી ચાલમાં રનિંગમાં પોણો ટકો કે ૬૦૧ પૉઇન્ટ પ્લસ દેખાયું છે. ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૭૦૮ પૉઇન્ટ નીચે, ૮૧,૧૫૯ ખૂલી આખો દિવસ રેડઝોનમાં રહી ૮૮૫ પૉઇન્ટના ઘટાડે ૮૦,૯૮૨ તથા નિફ્ટી ૨૯૩ પૉઇન્ટ ખરડાઈ ૨૪,૭૧૮ અંદર બંધ થયો છે. સેન્સેક્સ નીચામાં ૮૦,૮૬૯ અને નિફ્ટી ૨૪,૬૮૭ દેખાયો હતો. બજારનું માર્કેટકૅપ ૪.૪૬ લાખ કરોડ ઘટી ૪૫૭.૧૭ લાખ કરોડ રહ્યું છે.
ઝોમાટો મારફાડ તેજીમાં, પેટીએમ અને નાયકામાં પણ મજબૂતી ઝોમાટોનો ત્રિમાસિક નફો
મલ્ટિ ફોલ્ડ ઉછાળામાં ૨૭૩ કરોડ થતાં બ્રોકરેજ હાઉસિસ તરફથી ૨૮૫ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયના કૉલ ઘૂટતાં શૅર ૧૩ ગણા વૉલ્યુમે ૨૭૯ નજીક ઑલટાઇમ હાઈ બનાવી બાર ટકાની તેજીમાં ૨૬૨ બંધ થયો છે. એની હૂંફમાં અન્ય ન્યુએજ કેફિન્ટેક શૅરો પણ લાઇમલાઇટમાં હતા. પેટીએમ ૪ ગણા કામકાજે ૫૪૨ વટાવી ૬ ટકા ઊંચકાઈ ૫૨૭, નાયકા ૨૦૪ની ઐતિહાસિક ટૉપ દેખાડી ૩.૯ ટકાની મજબૂતીમાં ૨૦૦ નજીક, પૉલિસી બાઝાર ૩.૭ ટકા વધી ૧૪૯૬ બંધ હતો. અદાણી વિલ્મર ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૩૮૩ થઈ ત્યાં રહ્યો છે. ફિલિપ્સ કાર્બન અર્થાત્ PCBL ૩૮૦ના શિખરે જઈ ૮.૮ ટકાના જમ્પમાં ૩૭૭ થયો છે. જીએસસીએલ સારા પરિણામ પાછળ ૬૬૨ની ટૉપ હાંસલ કરી ૧૧.૬ ટકાના ઉછાળે ૬૨૮ રહ્યો છે. ન્યુલૅન્ડ લૅબનો નફો ૫૮ ટકા વધી ૯૮ કરોડ આવતાં ભાવ ૧૨,૨૪૦ની વિક્રમી સપાટી નોંધાવી ૧૭.૮ ટકા કે ૧૬૭૦ રૂપિયાની છલાંગ મારી ૧૧,૦૪૩ બંધ થયો છે. શૅર વર્ષ પહેલાં ૩૧૦૦ હતો. એસ.જે.એસ. એન્ટરપ્રાઇઝ પણ રિઝલ્ટની તેજીમાં ૧૦૧૮ ટોચે જઈ ૧૫.૩ ટકાના જમ્પમાં ૯૮૪ રહ્યો છે. રૂબી મિલ્સ પણ ૨૧ ગણા જંગી કામકાજમાં ૨૭૮ ઉપર બેસ્ટ લેવલ મેળવી ૧૦.૭ ટકા ઊંચકાઈ ૨૬૩ થયો છે. ગોએલ ફૂડ એક્સ બોનસ બાદ ઉપલી સર્કિટની હૅટ-ટ્રિકમાં ૧૦ ટકા વધી ૫૪ના શિખરે ગયો છે. એમટીએનએલ સતત પાંચમી મંદીની સર્કિટમાં પાંચ ટકા ગગડી ૭૫ બંધ હતો. રિલાયન્સની લોટસ ચૉકલેટ ૫ ટકાની તેજીની સર્કિટે ૧૨૫૮ની નવી ટોચે ગયો છે. આ સળંગ ૧૨મી ઉપલી સર્કિટ છે. કમિન્સ ઇન્ડિયાના બિઝનેસ ગ્રોથને લઈને નેગેટિવ આઉટલૂક જારી થતાં શૅર નીચામાં ૩૪૭૨ થઈ આઠ ટકા કે ૩૦૬
રૂપિયા ખરડાઈ ૩૫૦૭ બંધ આવ્યો છે.
ઑટો, મેટલ અને આઇટી સેક્ટર હેવી પ્રૉફિટ બુકિંગમાં
શુક્રવારે ઑટો શૅરોમાં ઑલટાઇમ ભારે વેચવાલી ઊપડી હતી. ઑટો ઇન્ડેક્સ નીચામાં ૫૭,૮૬૯ થઈ ત્રણ ટકા કે ૧૭૭૨ પૉઇન્ટ ડૂલ થઈ ૫૭,૯૪૨ બંધ રહ્યો છે. અત્રે ૧૭માંથી ૧૫ શૅર ડાઉન હતા. તાતા મોટર્સના સારા પરિણામને ખરાબ દિવસ નડ્યો હતો. શૅર અઢીગણા કામકાજે ૧૦૯૦ થઈ ૪.૨ ટકા ગગડી ૧૦૯૭ બંધ થયો છે. એનો ડીવીઆર ૪.૭ ટકા કપાયો છે. મારુતિ સુઝુકી ૪.૬ ટકા કે ૬૧૮ રૂપિયાના ધોવાણમાં ૧૨૭૩૧ બંધ આપી સેન્સેક્સમાં ટૉપ લૂઝર બન્યો છે. જ્યારે આઇશર પાંચ ટકા કે ૨૪૨ રૂપિયાની ખરાબીમાં નિફ્ટી ખાતે વર્સ્ટ પર્ફોર્મર રહ્યો છે. કમિન્સ ઇન્ડિયા આઠ ટકાના ધબડકામાં એ-ગ્રુપ ખાતે ટૉપ લૂઝર બન્યો હતો. એસ્કોર્ટ ૫.૮ ટકા, મહિન્દ્ર ૨.૮ ટકા, હીરો મોટોકૉર્પ દોઢ ટકા, બજાજ ઑટો સવા ટકો, અપોલો ટાયર્સ અઢી ટકા, અતુલ ઑટો સવા ટકા, એમઆરએફ ૨૦૬૮ રૂપિયા કે દોઢ ટકા બગડ્યા છે. અશોક લેવૅન્ડ સામા પ્રવાહે ૨૫૦ના લેવલે જૈસે થે હતો. ઑટો કમ્પોનન્ટ્સ ક્ષેત્રે ૧૨૪માંથી ૭૨ શૅરમાઇનસ હતા, પણ એસજેએસ એન્ટરપ્રાઇઝ, રાસધનિક, ઑટો મોબાઇલ કૉર્પોરેશન ઓફ ગોવા, ટ્રાઇટન વાલ્વ, સંધાર ટેક્નૉલૉજીઝ, બૅન્કેઈ વ્હીલ્સ જેવી જાતો સવાપાંચથી સવાપંદર ટકાની તેજીમાં હતી. તાતા મોટર્સ, મારુતિ અને મહિન્દ્રની ખરાબી ગઈ કાલે સેન્સેક્સને ૨૧૦ પૉઇન્ટ નડી છે.
ઑટોની સાથે-સાથે મેટલ શૅરોય લથડ્યા છે. મેટલ ઇન્ડેક્સ તમામ શૅરની ખુવારીમાં ત્રણ ટકા પીગળ્યો છે. JSW સ્ટીલ ચારેક ટકા નજીક, હિન્દાલ્કો ૩.૮ ટકા, નાલ્કો ૩.૮ ટકા, વેદાન્તા ૩.૨ ટકા, કૉલ ઇન્ડિયા ૨.૯ ટકા, તાતા સ્ટીલ ત્રણ ટકા, NMDC ૨.૮ ટકા, જિંદાલ સ્ટીલ અને સેઇલ અઢી ટકા, હિન્દુસ્તાન કૉપર ત્રણેક ટકા ડૂલ થઈ છે. હિન્દુસ્તાન ઝિન્ક ૦.૭ ટકા સુધર્યો હતો. આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૪૪ શૅરની નબળાઈમાં ૮૫૧ પૉઇન્ટ કે બે ટકા સાફ થયો છે. ઇન્ફી પોણા બે ટકા અને ટીસીએસ અઢી ટકા બગડી બજારને ૧૯૮ પૉઇન્ટ નડ્યા હતા. ટેક મહિન્દ્ર, HCL ટેક્નૉલૉજી, લાટિમ બેથી ત્રણ ટકા અને વિપ્રો પોણા ચાર ટકા ધોવાયો છે. બિરલા સૉફ્ટ પોણાછ ટકા તો ઓરેકલ પાંચેક ટકા કે ૫૩૫ રૂપિયા ડૂલ થયો હતો. પ્રોટીન ઇગવ. ટેક્નૉલૉજીઝ સાડાછ ટકા ઊંચકાઈને ૧૯૬૭ના નવા શિખરે બંધ થયો છે.
હેલ્થકૅર-ફાર્મા સિવાય તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં બંધ
ગઈ કાલે હેલ્થકૅર ૧૭૨ પૉઇન્ટ કે અડધો ટકો નજીક સુધરી ૪૦,૮૦૭ની સર્વોચ્ચ સપાટીએ બંધ હતો. અત્રે ૯૮માંથી ૫૪ જાતો પ્લસ હતી. હેવી વેઇટસ સનફાર્મા એક ટકો વધી ૧૭૩૨ના બેસ્ટ લેવલે બંધ હતો. ડિવીઝ લૅબ દોઢ ટકો, ડૉ. રેડ્ડીઝ લૅબ એક ટકો, જીએસકે ફાર્મા અઢી ટકા, અરબિંદો પોણો ટકો, અજંતા ફાર્મા સવા ટકો અપ હતી. ન્યુલૅન્ડ લૅબનો નફો ૬૨ કરોડથી વધી ૯૮ કરોડ થયો છે. નફામાં ૩૬ કરોડના વધારાના પગલે શૅર ૧૭.૮ ટકા કે ૧૬૭૦ની તેજીમાં ૧૦૪૩ના શિખરે બંધ હતા. માર્કેટકૅપ સીધું ૨૧૪૨ કરોડ રૂપિયા વધી ગયું છે. નિફ્ટી ફાર્મા પણ ૨૦માંથી ૧૩ શૅરના સથવારે અડધો ટકો વધી નવી ટોચે ગયો છે.
નિફ્ટીમાં ડિવીઝ લૅબ દોઢ ટકાના વધારામાં મોખરે હતી તો HDFC બૅન્ક સવા ટકાના સુધારામાં ૧૬૫૯ બંધ આપી સેન્સેક્સને ૧૨૬ પૉઇન્ટ ફળી છે. લાર્સન ત્રણેક ટકા કે ૧૧૦ના કડાકામાં બજારને સર્વાધિક ૧૧૨ પૉઇન્ટ નડ્યો હતો. રિલાયન્સ એક ટકો બગડી ૩૦૦૦ની અંદર, ૨૯૯૮ રહ્યો છે. ICICI બૅન્ક સવા ટકો નરમ હતી. પરિણામની પૂર્વ સંધ્યાએ સ્ટેટ બૅન્ક પોણા બે ટકા બગડી છે. બૅન્ક નિફ્ટીની ૦.૪ ટકાની કમજોરી સામે પીએસયુ બૅન્ક નિફ્ટી પોણાબે ટકા કપાયો છે. પંજાબ સિંધ બૅન્કના નજીવા સુધારાને બાદ કરતાં બાકીના ૧૧ શૅર ડાઉન હતા. તમામ ૧૦ શૅરના દોઢથી પોણા પાંચ ટકાના ધોવાણમાં રિયલ્ટી ઇન્ડેક્સ સાડાત્રણ ટકા તૂટ્યો છે.
એસ્પ્રિટ સ્ટોન ૮૭ના શૅરદીઠ ગ્રે માર્કેટમાં ૩૩ના પ્રીમિયમ સામે ૯૩ ખૂલી ૯૮ નજીક બંધ થતાં અત્રે ૧૨.૪ ટકાનું નબળું રિટર્ન લિસ્ટિંગમાં મળ્યું છે. તો એસ. એ. ટેક સૉફ્ટવેર ૫૯ની ઇશ્યુ પ્રાઇસ અને ૮૦ના પ્રીમિયમ સામે ૧૧૨ ખૂલી ઉપલી સર્કિટમાં ૧૧૮ નજીક બંધ થતાં અત્રે ૯૯.૫ ટકાનો તગડો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે.
ઓલા ઇલેક્ટ્રિકને પ્રથમ દિવસે ૩૭ ટકા રિસ્પૉન્સ, પ્રીમિયમ ઘટીને ૧૨ સતત ખોટ કરતી ઓલા
ઇલેક્ટ્રિકનો ૧૦ના શૅરદીઠ ૭૬ની અપર બૅન્ક સાથે ૬૧૪૫ કરોડ પ્લસનો ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે કુલ ૩૭ ટકા ભરાયો છે. ૧૦ ટકાનો રીટેલ પોર્શન ૧.૭ ગણો છલકાયો છે. ગ્રે માર્કેટમાં ૧૪થી શરૂ થયેલું પ્રીમિયમ જે એક તબક્કે ઉપરમાં ૧૭ નજીક ગયું હતું એ હવે ઘટીને ૧૨ થઈ ગયું છે. લુધિયાણાની સિગાલ ઇન્ડિયાનો પાંચના શૅરદીઠ ૪૦૧ની અપર બેન્ડવાળો આશરે ૧૨૫૩ કરોડનો ઇશ્યુ સોમવારે બંધ થશે. ભરણું અત્યાર સુધીમાં કુલ સવા ગણુ ભરાયું છે. પ્રીમિયમ ૭૩ આસપાસ છે. આગામી સપ્તાહે મંગળવારે મેઇન બોર્ડમાં બે ભરણાં છે. ફર્સ્ટક્રાય ફેમ બ્રેઇનબિઝ સોલ્યુશન બેના શૅરદીઠ ૪૬૫ની અપર બેન્ડમાં ૨૫૨૮ કરોડની ઑફર ફોર સેલ સહિત કુલ ૪૧૯૪ કરોડનો આઇપીઓ કરવાની છે. કંપની સતત ખોટ કરતી હોવાથી ક્યુઆઇબી પોર્શન ૭૫ ટકા છે. રીટેલ માટે ૧૦ ટકાની જોગવાઈ રખાઈ છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૮૦થી શરૂ થયા બાદ હાલમાં રેટ ૧૦૫ જેવા છે. બીજી કંપની યુનિ કૉમર્સ ઇસોલ્યુશન્સ પણ એકના શૅરદીઠ ૧૦૮ની અપર બેન્ડમાં ૨૭૬ કરોડ પ્લસનો પ્યૉર ઑફર ફોર સેલ ઇશ્યુ મંગળવારે કરશે, કંપની સતત નફામાં છે, પણ પ્રમોટર સ્નૅપડીલ સતત ખોટ કરતી હોવાથી ભરણાંમાં QIB પોર્શન ૭૫ ટકા રાખવો પડ્યો છે. ગ્રે માર્કેટમાં ૩૦નું પ્રીમિયમ ચાલે છે. ગઈ કાલે પ્રથમ દિવસે SME કંપની એફકૉમ હોલ્ડિંગ્સનો શૅરદીઠ ૧૦૮ની અપર બેન્ડવાળો ૭૩૮૩ કરોડનો ઇશ્યુ કુલ ૪ ગણો અને પિકચર પોસ્ટ સ્ટુડિયોઝનો શૅરદીઠ ૨૪ના ભાવનો ૧૮૭૨ લાખનો ઇશ્યુ ૬ ગણો ભરાયો છે. એફકૉમમાં ૧૧૫નું તો પિક્ચર પોસ્ટમાં ૧૭ રૂપિયાનું પ્રીમિયમ ગ્રેમાર્કેટમાં બોલાય છે.