નિફ્ટી ૧૧૬૦૦ને પાર કરી ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએ

17 September, 2020 09:19 AM IST  |  Mumbai | Mumbai correspondent

નિફ્ટી ૧૧૬૦૦ને પાર કરી ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએ

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક શૅરબજારમાં તેજી અને ફેડરલ રિઝર્વની બેઠક પહેલાં સાવચેતીના માહોલ વચ્ચે ગઈ કાલે બીજા દિવસે ફાર્મા, ઑટો, આઇટી અને કેટલીક બૅન્કોના શૅરમાં ખરીદી વચ્ચે ભારતીય શૅરબજાર પણ વધ્યાં હતાં. બે દિવસથી સતત ઉછળી રહેલા સ્મૉલ કૅપ અને મિડ કૅપ શૅરોમાં ગઈ કાલે ટ્રેડિંગ સ્થિર હતું અને થોડું પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું હતું. સત્રના અંતે નિફ્ટી અને સેન્સેક્સ તા.૨૮ ઑગસ્ટ પછીની સૌથી ઊંચી સપાટીએ બંધ આવ્યા હતા. ગત વખતે નિફ્ટી ૧૧૬૪૭ પછી પરત ફર્યો હતો. અત્યારે પણ નિફ્ટી ૧૧૭૦૦ની સપાટી પાર કરે તો જ તેજી આગળ વધી શકે એવું નિષ્ણાતો માની રહ્યા છે. સામે ઘટાડે નિફ્ટીને ૧૧૫૫૦ મહત્ત્વનો ટેકો મળી રહે એવી શક્યતા છે.
દિવસના અંતે સેન્સેક્સ ૨૫૮.૫૦ પૉઇન્ટ કે ૦.૬૬ ટકા વધી ૩૯૩૦૨.૮૫ અને નિફ્ટી ૮૨.૭૫ પૉઇન્ટ કે ૦.૭૨ ટકા વધી ૧૧૬૦૪.૫૫ બંધ આવ્યા હતા. ઇન્ડેક્સની વૃદ્ધિમાં ગઈ કાલે એચડીએફસી બૅન્ક, ઇન્ફોસિસ, મહિન્દ્ર અૅન્ડ મહિન્દ્ર, આઇસીઆઇસીઆઇ બૅન્ક, રિલાયન્સ અને એચડીએફસીનો સિંહફાળો હતો. સામે આઇટીસી, એક્સીસ બૅન્ક, ભારતી એરટેલ અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ઘટ્યા હતા. બુધવારે વિદેશી સંસ્થાઓએ ૨૬૫ કરોડ રૂપિયાના શૅર ખરીદ્યા હતા અને સામે સ્થાનિક ફન્ડસની ૨૧૨ કરોડ રૂપિયાની વેચવાલી હતી. ગઈ કાલે નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ૧૧ ક્ષેત્રોમાંથી ઑટો, આઇટી, ફાર્મા અને રીઅલ એસ્ટેટમાં તેજી જોવા મળી હતી. સામે મીડિયા અને સરકારી બૅન્કોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ફાર્મા શૅરોમાં ફરી તેજીનો માહોલ
મંગળવારે જાહેર થયેલા ભારતના વિદેશી વ્યાપારના આંકડા અનુસાર ભારતમાં દવા અને દવાની અન્ય ચીજોની નિકાસમાં ઑગસ્ટ મહિનામાં વૃદ્ધિ જોવા મળી હતી. ભારત વિશ્વમાં અગ્રણી ફાર્મા નિકાસકાર છે એટલે ગઈ કાલે ફાર્મા કંપનીઓમાં ગઈ કાલે ખરીદી નીકળી હતી. ગઈ કાલે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૨.૦૮ ટકા વધ્યો હતો. ડૉ. રેડ્ડીઝ ૪.૪૪ ટકા, કેડિલા હેલ્થ ૩.૭૩ ટકા, સન ફાર્મા ૨.૪૨ ટકા, લુપીન ૨.૧૧ ટકા, ડીવીઝ લેબ ૧.૮૯ ટકા, ઓરોબિંદો ફાર્મા ૧.૪૬ ટકા, સિપ્લા ૧.૪૫ ટકા વધ્યા હતા. સામે ટોરન્ટ ફાર્મા ૦.૩૩ ટકા, બાયોકોન ૦.૬૬ ટકા અને આલેક્મ લેબ ૦.૯ ટકા ઘટ્યા હતા. ભારત સરકાર મંજૂરી આપે તો કોરોનાની રશિયન વેક્સિન માટે ડૉ. રેડ્ડીઝે કરાર કર્યા હતા અને તેના કારણે ગઈ કાલે શૅરમાં તેજી જોવા મળી હતી.
તહેવારોમાં માગ વધશે એવી આશાએ ઑટોમાં ખરીદી જોવા મળી
શુક્રવારથી શ્રાદ્ધના દિવસો પૂરા થઈ રહ્યા છે અને પછી નવરાત્રી, દશેરા, દિવાળી અને ક્રિસમસના તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે. આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં વધારે સારો વરસાદ થયો છે અને ગ્રામ્ય અર્થતંત્ર ઉપર કોરોનાની અસર કૃષિ ક્ષેત્રની વૃદ્ધિના કારણે ઓછી છે એટલે માગ વધશે અને વાહનોનું વેચાણ વધશે એવી ધારણા છે. આ ધારણાના કારણે ગઈ કાલે ઑટો અને ઑટો પાર્ટ્સ બનાવતી કંપનીઓના શૅરમાં ખરીદી જોવા મળી હતી. ગઈ કાલે નિફ્ટી ઑટો ૧.૫૩ ટકા વધ્યો હતો.
બૅન્કિંગમાં મિશ્ર વલણ, ખાનગી બૅન્કો વધી, સરકારી બૅન્કોમાં પ્રોફિટ બુકિંગ
મંગળવારે બેન્કિંગ શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી, પણ ગઈ કાલે ફરી સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો. નિફ્ટી બૅન્ક ૦.૪૯ ટકા વધ્યો હતો જેમાં નિફ્ટી પીએસયુ બૅન્ક ૦.૫૨ ટકા ઘટ્યો હતો પણ પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ૦.૪૩ ટકા વધ્યો હતો.
સરકારી બૅન્કોમાં જમ્મુ એન્ડ કાશ્મીર બૅન્ક ૨.૫૪ ટકા, યુકો બૅન્ક ૧.૮૧ ટકા, ઇન્ડિયન બૅન્ક ૧.૨૭ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૦૭ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૦૭ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૦.૯૧ ટકા, યુનિયન બૅન્ક ૦.૮૯ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૦.૭૮ ટકા, બૅન્ક ઑફ બરોડા ૦.૫૪ ટકા અને કૅનરા બૅન્ક ૦.૧૫ ટકા ઘટ્યા હતા.ખાનગી બૅન્કોમાં એચડીએફસી બૅન્ક ૨.૦૬ ટકા, આરબીએલ બૅન્ક ૦.૮૭ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૦.૭૩ ટકા, બંધન બૅન્ક ૦.૩૫ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક ૦.૨૧ ટકા વધ્યા હતા.

business news sensex nifty