ફાઇનૅન્સમાં વિદેશી ફન્ડ્સના અવિરત વેચાણથી નિફ્ટી ૧૧૩૦૦ની અંદર બંધ

10 September, 2020 10:11 AM IST  |  Mumbai | Mumbai correspondent

ફાઇનૅન્સમાં વિદેશી ફન્ડ્સના અવિરત વેચાણથી નિફ્ટી ૧૧૩૦૦ની અંદર બંધ

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન શૅરબજારમાં મંગળવારે કડાકો જોવા મળ્યો હતો તેની અસરથી એશિયાઇ શૅર બજારો પણ નબળાં ખૂલતાં ભારતીય બજાર ગઈ કાલે પણ ઘટ્યાં હતાં. દિવસના નીચલા સ્તરથી જોકે તેમાં ઉછાળો આવ્યો હતો પણ બૅન્કિંગની વેચવાલીના કારણે બજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સ્મૉલ કૅપ અને મિડ કૅપ ઇન્ડેક્સ સતત ઘટી રહ્યા છે. બજારમાં વધેલા કરતાં ઘટેલા શૅરની સંખ્યા વધારે છે અને તેનાથી વેચવાલી હજુ પણ આગળ વધે તેવી શક્યતા છે. જોકે ગઈ કાલે ઘટતી બજારમાં રિલાયન્સના અઢી ટકાના ઉછાળાથી ટેકો મળ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ ૧૭૧.૪૩ પૉઇન્ટ કે ૦.૪૫ ટકા ઘટી ૩૮૧૯૩.૯૨ અને નિફ્ટી ૩૯.૩૫ પૉઇન્ટ કે ૦.૩૫ ટકા ઘટી ૧૧૨૭૮ની સપાટીએ બંધ રહ્યા હતા. દિવસના એક તબક્કે સેન્સેક્સ ૪૩૧ પૉઇન્ટ ઘટી ૩૭૯૩૫ અને નિફ્ટી ૧૩૨ પૉઇન્ટ ઘટી ૧૧૧૮૫ની સપાટીએ પહોંચ્યા હતા. ઑટો, ફાર્મા અને રિલાયન્સની તેજીના કારણે પછી તેમાં સુધારો જોવા મળ્યો હતો. ઇન્ડેક્સ કંપનીઓમાં એચડીએફસી બૅન્ક, ઇન્ફોસિસ, આઇટીસી, આઇસીઆઇસીઆઇ બૅન્કના કારણે ઘટાડો જોવા મળ્યો હતો. સામે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ભારતી એરટેલ અને એશિયન પેઈન્ટના કારણે બજારને ટેકો મળ્યો હતો.
વિદેશી સંસ્થાઓની વેચવાલીનું દબાણ
સતત ચાર મહિના સુધી ખરીદી બાદ હવે વિદેશી સંસ્થાઓ ભારતીય બજારમાં પ્રોફિટ બુકિંગ કરી રહી છે. સતત ચોથા દિવસે ગઈ કાલે વિદેશી સંસ્થાઓએ ભારતીય બજારમાં વેચવાલી કરી છે. ગઈ કાલે ૯૫૯ કરોડ રૂપિયાની વેચવાલી સાથે આ મહિને વિદેશી સંસ્થાઓએ ૨૪૨૬ કરોડ રૂપિયાની વેચવાલી કરી છે. બીજી તરફ લોકોના ઇક્વિટી રોકાણમાં નફો બાંધવાની વૃત્તિથી ઉપાડનો સામનો કરી રહેલી સ્થાનિક સંસ્થાઓ પણ વેચાણ કરી રહી છે. સ્થાનિક ફન્ડ્સની ગઈ કાલે ૨૬૪ કરોડ રૂપિયાની વેચવાલી હતી.
ગઈ કાલે નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ૧૧ ક્ષેત્રોમાંથી બૅન્કિંગ, ફાઇનૅન્સ અને રીઅલ એસ્ટેટમાં વ્યાપક ઘટાડો જોવા મળ્યો હતો. સામે ઑટો, મેટલ્સ અને ફાર્મા વધ્યા હતા. એક્સચેન્જ ઉપર ૨૭ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા અને ૫ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૬૮ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૧૭ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ ઉપર ૯૪ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૫૧ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૧૮ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૮૧માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૯૪ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૨૮ ટકા ઘટ્યા હતા. બુધવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન ૬૧,૫૫૯ કરોડ ઘટી ૧૫૩ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
બૅન્કિંગમાં સાર્વત્રિક વેચવાલીનો દોર યથાવત્
બૅન્કિંગ શૅરોમાં સતત છઠ્ઠા સત્રમાં વેચવાલીનો દોર જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં નિફ્ટી બૅન્ક ૬.૭ ટકા ઘટ્યો છે જ્યારે નિફ્ટી પીએસયુ બૅન્કિંગ ઇન્ડેક્સ ૮ ટકા જેટલો ઘટી ગયો છે. દેશનો આર્થિક વિકાસ નબળો પડી રહ્યો છે ત્યારે નબળી લોનનું પ્રમાણ પણ વધશે એવી શક્યતા છે ત્યારે મૂડીની અછત ભોગવી રહેલી બૅન્કોની નફાશક્તિ ઉપર અસર પડવાની ધારણા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં મોરેટોરિયમના સમયગાળામાં વ્યાજ ઉપર વ્યાજ ગણવું કે નહીં, મોરેટોરિયમનો સમય લંબાવવો કે નહીં તેની સુનાવણી ચાલી રહી હોવાથી પણ બૅન્કિંગ શૅરોમાં માનસ ખરડાયું છે. ગુરુવારે આ કેસની સુનાવણી કોર્ટમાં થવાની છે.
ગઈ કાલે નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ ૨.૧૦ ટકા ઘટ્યો હતો. સરકારી બૅન્કોનો નિફ્ટી પીએસયુ ઇન્ડેક્સ ૨.૮૭ ટકા અને ખાનગી બૅન્કોનો નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ૧.૭૯ ટકા ઘટ્યા હતા. સરકારી બૅન્કોમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૪.૦૯ ટકા, ઇન્ડિયન બૅન્ક ૨.૬૯ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૨.૬૭ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૨.૦૪ ટકા, કૅનરા બૅન્ક ૧.૮૫ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૧.૭૮ ટકા, બૅન્ક ઑફ બરોડા ૧.૪૪ ટકા, યુનિયન બૅન્ક ૧.૦૪ ટકા, યુકો બૅન્ક ૦.૭૭ ટકા ઘટીને બંધ આવ્યા હતા. ખાનગી બૅન્કોમાં ફેડરલ બૅન્ક ૦.૮૬ ટકા, એચડીએફસી બૅન્ક ૧.૪૮ ટકા, બંધન બૅન્ક ૧.૫૯ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક ૧.૮ ટકા, આરબીએલ બૅન્ક ૧.૮૯ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૨.૦૫ ટકા, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૨.૩૧ ટકા, એક્સીસ બૅન્ક ૨.૭૩ ટકા અને સિટી યુનિયન બૅન્ક ૪.૭૨ ટકા ઘટ્યા હતા.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઉછાળાથી બજારને ટેકો
દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરમાં ગઈ કાલે જોરદાર તેજી જોવા મળી હતી. પ્રથમ ક્વૉર્ટરમાં જિયો પ્લૅટફૉર્મમાં ૧,૫૨,૦૫૫ કરોડ રૂપિયાનું વિદેશી મૂડીરોકાણ લાવ્યા બાદ હવે રીટેલ વ્યાપારમાં હિસ્સો વેચી વિદેશી ભાગીદાર લાવવાની શરૂઆત કરી છે. ગઈ કાલે કંપનીએ પ્રાઇવેટ ઇક્વિટી ફન્ડ સિલ્વર લેકને રિલાયન્સ રીટેલમાં ૧.૭૫ ટકા હિસ્સો વેચી ૭૫૦૦ કરોડ રૂપિયા ઊભા કર્યા હતા. આ સોદાથી રિલાયન્સના રીટેલ બિઝનેસનું મૂલ્ય ૪.૨૧ લાખ રૂપિયા આંકવામાં આવતા શૅરમાં તેજી જોવા મળી હતી. ગઈ કાલે રિલાયન્સના શૅર ૨.૫૭ ટકા વધી ૨૧૬૧.૨૫ રૂપિયા બંધ રહ્યા હતા. રિલાયન્સની વૃદ્ધિના કારણે ઘટેલી બજારમાં સેન્સેક્સમાં ૧૫૮ પૉઇન્ટની વૃદ્ધિ જોવા મળી હતી.
સતત બીજા દિવસે ભારત ડાયનેમિક્સમાં ઘટાડો
કેન્દ્ર સરકારે આ જાહેર ક્ષેત્રની કંપનીમાં બજારભાવ કરતાં ઓછા ભાવે હિસ્સો વેચવાની જાહેરાત પછી મંગળવારે ૧૩.૮ ટકા ઘટેલા ભારત ડાયનેમિક્સના શૅર ગઈ કાલે બીજા દિવસે પણ વેચવાલીના દબાણમાં હતા. કેન્દ્ર સરકારે સોમવારના બંધ ભાવ ૩૮૫ સામે કેન્દ્ર સરકારે ૧૪ ટકા ઓછા ૩૩૦ રૂપિયાના ભાવે શૅર બજારમાં વેચવાની જાહેરાત કરતાં રોકાણકારોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. ગઈ કાલે શૅરનો ભાવ વધુ ૫.૨૪ ટકા ઘટી ૩૧૩.૮૦ બંધ રહ્યો છે.
વેક્સિનનું પરીક્ષણ અટકતાં એસ્ટ્રાઝેનેકામાં ઘટાડો
વૈશ્વિક ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા ઓક્સફર્ડ ખાતે કોરોના વાઇરસની રસીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ રસીથી બહુ આશા છે ત્યારે કોઈ એક દરદીને અલગ પ્રકારની તકલીફો જોવા મળતાં પરીક્ષણ અટકાવી દેવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ તેની ભારતીય કંપનીના શૅરમાં બજાર ખૂલતા કડાકો જોવા મળ્યો હતો. એક તબક્કે શૅર ૧૩.૪ ટકા ઘટી ૩૬૫૦ રૂપિયાની નીચી સપાટીએ પટકાયા હતા. જોકે નીચા મથાળે ફરી ખરીદી નીકળતા શૅર આગલા બંધથી ૩.૩૪ ટકા ઘટી ૪૦૭૪.૧૫ રૂપિયા બંધ રહ્યા હતા.
ગ્લોબસ સ્પીરિટમાં આગઝરતી તેજી
દેશમાં દારૂ અને ડિસ્ટિલરી ચલાવતી ગ્લોબસ સ્પીરિટના શૅરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ગઈ કાલે શૅર પાંચ ટકાની તેજીની સર્કટિ સાથે ૨૨૪.૮૦ની વધુ એક વિક્રમી સપાટી ઉપર બંધ રહ્યો હતો. છેલ્લા એક મહિનામાં શૅરના ભાવ ૬૭ ટકા જેટલા વધી ગયા છે અને ત્રણ મહિનામાં ભાવ બમણા થઈ ગયા છે. વેચાણ ઘટ્યું હોવા છતાં કંપનીનો નફો અને નફાના માર્જિન વધી રહ્યા હોવાથી શૅરમાં રોકાણકારોનું આકર્ષણ જોવા મળી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

business news sensex nifty