ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો બિઝનેસ સમાચાર

01 July, 2022 03:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય રૂપિયો ડૉલર સામે સરેરાશ સ્થિર અને વધુ સમાચાર

મિડ-ડે લોગો

નાની બચત યોજનાના વ્યાજદરો ફરી યથાવત્

સરકારે ગુરુવારે ઊંચો ફુગાવો અને વધતા વ્યાજદર વચ્ચે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા-જુલાઈથી સપ્ટેમ્બર મહિના માટે એનએસઈ અને પીપીએફ સહિતની નાની બચત યોજનાઓ પર વ્યાજદરો યથાવત્ રાખ્યા હતા. રિઝર્વ બૅન્કે વ્યાજદરમાં બે તબક્કે ૦.૯૦ ટકાનો વધારો કરતાં નાના રોકાણકારોને પોસ્ટ ઑફિસની બચત યોજનામાં વ્યાજદર વધવાની આશા હતી, પરંતુ એ પૂર્ણ થઈ નથી. સરકારે પીપીએફ અને એનએસઈના વ્યાજદર અનુક્રમે ૭.૧ ટકા અને ૬.૮ ટકા પર જાળવી રાખ્યા છે. 

 

સરકારની કુલ જવાબદારી માર્ચ ક્વૉર્ટરમાં ૩.૭ ટકા વધી

તાજેતરના પબ્લિક ડેટ મૅનેજમેન્ટ રિપોર્ટ અનુસાર માર્ચ ક્વૉર્ટરમાં સરકારની કુલ જવાબદારીઓ ૩.૭૪ ટકા વધીને ૧૩૩.૨૨ લાખ કરોડ રૂપિયા થઈ છે, જે અગાઉના ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૧૨૮.૪૧ લાખ કરોડ રૂપિયા હતી. નાણા મંત્રાલય દ્વારા ગુરુવારે જારી કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે માર્ચના અંતમાં કુલ બાકી જવાબદારીઓમાં જાહેર દેવું ૯૨.૨૮ ટકા હતું, જે ડિસેમ્બરના અંતે તે ૯૧.૬૦ ટકા હતું.

 

ભારતીય રૂપિયો ડૉલર સામે સરેરાશ સ્થિર

ભારતીય રૂપિયો ડૉલર સામે સરેરાશ ફ્લૅટ બંધ રહ્યો હતો. રિઝર્વ બૅન્ક દ્વારા ડૉલરની વેચવાલી કરીને હાજર બજારમાં દરમ્યાનગીરી કરવામાં આવી હોવાથી રૂપિયો ૭૯ને વટાવતાં બચી ગયો હતો. પીએસયુ બૅન્કના ડિલરોએ જણાવ્યું હતું કે બજારમાં ડૉલરની માગ સારી હતી, પરંતુ રિઝર્વ બૅન્ક દ્વારા સેલિંગ થવાને પગલે રૂપિયો વધુ ઘટતો અટક્યો હતો. રિઝર્વ બૅન્ક ૭૮.૯૮ના લેવલ પર સાવચેત બની હતી અને રૂપિયાને વધુ ઘટતો અટકાવ્યો હતો. શૅરબજારમાં સરેરાશ સ્થિરતા જોવા મળી હતી. દિવસ દરમ્યાન ભારતીય રૂપિયો ડૉલર સામે ૭૮.૮૮ પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન વધીને ૭૮.૯૯૭૫ સુધી પહોંચીને દિવસના અંતે ૭૮.૯૭૭૫ પર બંધ રહ્યો હતો, જે આગલા દિવસે ૭૮.૯૭૫૦ પર બંધ રહ્યો હતો. રૂપિયામાં આગામી દિવસોમાં સરેરાશ નરમાઈની સંભાવના વધારે દેખાઈ રહી છે.

business news