ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો બિઝનેસ સમાચાર

23 June, 2022 04:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય રૂપિયો ૩૧ પૈસા ઘટીને ઑલટાઇમ લો ૭૮.૪૦ સપાટીએ બંધ રહ્યો; કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ જીડીપીના ૧.૨ ટકાએ પહોંચી અને વધુ સમાચાર

મિડ-ડે લોગો

ભારતીય ૧૦ વર્ષનાં બૉન્ડનું યીલ્ડ ત્રણ સપ્તાહના તળિયે

ક્રૂડમાં ઘટાડા વચ્ચે બૉન્ડ યીલ્ડ ૭.૩૮ ટકાએ પહોંચ્યું

વૈશ્વિક ક્રૂડ તેલના ભાવમાં તીવ્ર ઘટાડાથી રોકાણકારોએ રાહત મેળવી હોવાથી ભારતીય બૉન્ડની ઊપજ ઓછી થઈ છે. જો ટકાવી રાખવામાં આવે તો આયાતી ફુગાવો ઘટશે અને આક્રમક નાણાકીય નીતિ કડક કરવાની જરૂરિયાત ઘટશે. ભારતની બેન્ચમાર્ક ૧૦ વર્ષનાં બોન્ડ યીલ્ડ ૧૦  બેસિસ પૉઇન્ટ ઘટીને ૭.૩૮ ટકા થયું હતું, જે ૩૦ મે બાદનું સૌથી નીચું સ્તર છે. દિવસ દરમ્યાન એક તબક્કે ૭.૪૦ ટકા પણ જોવા મળ્યું હતું. બજાર ખૂબ અસ્તવ્યસ્ત છે અને એ તેલ અને અમેરિકન ટ્રેઝરીમાં વિદેશી વિકાસ પર પ્રતિક્રિયા આપી રહ્યું છે. એ વેપારીઓ માટે કસોટીનો સમય છે એમ ખાનગી બૅન્કના વરિષ્ઠ ડીલરે જણાવ્યું હતું. ક્રૂડ તેલના ભાવ પણ ૬ ડૉલરથી વધુ ઘટી ગયા છે.

 

નૉન-બૅન્ક પીપીઆઇને વૉલેટ, કાર્ડ ઇશ્યુ કરવા પર પ્રતિબંધ

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ તમામ પીપીઆઇ ઇશ્યુ કરનારને પત્ર મોકલ્યો

રિઝર્વ બૅન્કે નૉન-બૅન્ક પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (પીપીઆઇ) જારી કરનારાઓને તેમના વૉલેટ અને કાર્ડ ક્રેડિટલાઇન અથવા અગાઉથી નક્કી કરેલી દેવાની લિમિટથી વધુ લોડ ન કરવા જણાવ્યું છે. પીપીઆઇ એ એવાં સાધન છે જે એમાં સંગ્રહિત મૂલ્ય સામે સામાન અને સેવાઓ, નાણાકીય સેવા અને રેમિટન્સની સુવિધાઓની ખરીદીની સુવિધા આપે છે. કેન્દ્રીય બૅન્ક દ્વારા જારી કરાયલા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પરના મુખ્ય નિર્દેશ મુજબ પીપીઆઇને રોકડ દ્વારા લોડ-રીલોડ કરવાની, બૅન્ક ખાતામાં ડેબિટ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ, પીપીઆઇ અને નિયમન દ્વારા જારી કરાયેલાં અન્ય ચુકવણી સાધનોની પરવાનગી છે. ભારતમાં માત્ર રૂપિયામાં જ આ માન્ય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આરબીઆઇએ તમામ અધિકૃત નૉન- બૅન્ક પીપીઆઇ જારી કરનારાઓને પ્રતિબંધ વિશે સંદેશવ્યવહાર મોકલ્યો છે.

 

ટીથર દ્વારા પાઉન્ડ સ્ટર્લિંગ પર આધારિત સ્ટેબલકૉઇન લૉન્ચ કરાશે

ક્રિપ્ટોકરન્સી ક્ષેત્રની મોટી કંપની ટીથરે બુધવારે જણાવ્યા મુજબ એ હવે બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ પર આધારિત સ્ટેબલકૉઇનનું આવતા મહિને લૉન્ચિંગ કરશે. એક બાજુ બ્રિટનમાં ક્રિપ્ટોકરન્સી પર નિયમન લાદવાની વાતો થઈ રહી છે ત્યારે ટીથરની આ પહેલ નોંધનીય બને છે. અહીં જણાવવું રહ્યું કે પરંપરાગત ફિયાટ કરન્સીના મૂલ્યની સાથે સાંકળીને સ્ટેબલકૉઇનનું મૂલ્ય નિશ્ચિત કરવામાં આવે છે. કૉમોડિટી અથવા સોનાના મૂલ્ય સાથે સાંકળીને પણ સ્ટેબલકૉઇન રચી શકાય છે. હાલમાં ટેરાયુએસડી નામના સ્ટબલકૉઇનનું મૂલ્ય ઓચિંતું તૂટી ગયાની ઘટના જાણીતી છે.  દરમ્યાન, સ્ટૉક્સ માર્કેટની રાહે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પણ ઘટાડો થયો છે. રોકાણકારોને ફરીથી અમેરિકામાં મંદી આવવાની શક્યતાને લઈને ભીતિ જોવા મળી રહી છે. અમેરિકન ટ્રેઝરીઝ તથા સલામત ગણાતી ઍસેટ્સના ભાવમાં વૃદ્ધિ થવાને પગલે રોકાણકારો સાવચેત થઈ ગયા છે. અગાઉ, ક્રિપ્ટોવાયરે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૪.૦૨ ટકા (૧૧૨૫ પૉઇન્ટ) ઘટીને ૨૬,૭૯૯ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૨૭,૯૨૪ ખૂલીને ૨૮,૬૮૦ સુધીની ઉપલી અને ૨૬,૧૭૪ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.  

 

ભારતીય રૂપિયો ૩૧ પૈસા ઘટીને ઑલટાઇમ લો ૭૮.૪૦ સપાટીએ બંધ રહ્યો 

ભારતીય રૂપિયો ડૉલર સામે બુધવારે ફરી એક વાર ઑલટાઇમ લો સપાટીએ પહોંચ્યો હતો. ભારતીય શૅરબજારમાં વિદેશી નાણાંનો પ્રવાહ ઘટતાં બજારો તૂટ્યાં હોવાથી રૂપિયો પણ ડૉલર સામે ૩૧ પૈસા જેવો ગગડી ગયો હતો. આગામી દિવસોમાં રૂપિયો વધુ ગગડે એવી પણ સંભાવના નકારી શકાય એમ નથી. ભારતીય રૂપિયો ડૉલર સામે ૭૮.૩૯૫૦ની સપાટી પર બંધ રહ્યો હતો, જે દિવસ દરમ્યાન ૭૮.૧૩ પર ખૂલીને એક તબક્કે ૭૮.૪૦ સુધી પહોંચ્યો હતો. આગલા દિવસે ભારતીય રૂપિયો ૭૮.૦૮૫ પર બંધ રહ્યો હતો.

 

કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ જીડીપીના ૧.૨ ટકાએ પહોંચી

રિઝર્વ બૅન્કે બુધવારે જણાવ્યું હતું કે વેપારખાધ વધવાને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧માં ૦.૯ ટકાની સરપ્લસ સામે ૨૦૨૧-’૨૨માં ચાલુ ખાતાની ખાધ જીડીપીના ૧.૨ ટકાની સપાટીએ પહોંચી હતી. જાન્યુઆરી-માર્ચ ૨૦૨૨ ક્વૉર્ટર માટે, ચાલુ ખાતાની ખાધ ઘટીને ૧૩.૪ અબજ ડૉલર અથવા જીડીપીના ૧.૫ ટકા થઈ ગયું હતું, જે ડિસેમ્બર ૨૦૨૧ ક્વૉર્ટરમાં ૨૨.૨ અબજ ડૉલર અથવા જીડીપીના ૨.૬ ટકા હતી.

 

આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફનું ૯૬૮ કરોડનું બોનસ

આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યૉરન્સે નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨માં લાયકાત ધરાવતા  પૉલિસીધારકોને વાર્ષિક ૯૬૮.૮ કરોડ રૂપિયાનું બોનસ જાહેર કર્યું છે. બોનસની ચુકવણીનું આ સતત ૧૬મું વર્ષ છે અને અત્યાર સુધી કંપનીએ સૌથી વધુ બોનસની ચુકવણી ચાલુ વર્ષે કરી છે, જે ગયા વર્ષના બોનસ કરતાં ૧૨ ટકા વધારે છે. લગભગ ૧૦ લાખ પૉલિસીધારકોને બોનસનો લાભ મળશે.

business news