ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો બિઝનેસ સમાચાર

07 December, 2021 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍર ઇન્ડિયાએ ઍરપોર્ટ્સ ઑથોરિટીને ૨૩૫૦ કરોડ ચૂકવવાના બાકી; દેશમાં એટીએમની સંખ્યા ૨.૧૩ લાખ અને વધુ સમાચાર

મિડ-ડે લોગો (પ્રતીકાત્મક તસવીર)

ઍગ્રિ પ્રોડક્ટ્સની નિકાસ ચાલુ વર્ષે વિક્રમી ૪૩ અબજ ડૉલર થશે

દેશમાંથી ઍગ્રિ કૉમોડિટીની નિકાસ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વિક્રમી થવાનો અંદાજ કેન્દ્ર સરકારે વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં પ્રધાન અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨ દરમિયાન ઍગ્રિ પ્રોડક્ટની કુલ નિકાસ ૪૩ અબજ ડૉલરની વિક્રમી સપાટીએ પહોંચે એવી સંભાવના રહેલી છે. પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે દેશમાંથી નૉન-બાસમતી ચોખા અને લીલા મરચાંની ઉત્તર પ્રદેશ-પૂર્વાચંલથી ચીનમાં મોટા પાયે નિકાસ થાય છે. આ ઉપરાંત યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં સારી માત્રામાં નિકાસ થતી હોવાથી ભારતીય ઍગ્રિ કૉમોડિટીની નિકાસને વેગ મળશે. દેશમાંથી પૂર્વાંચલ વિસ્તારમાંથી ઍગ્રિ કૉમોડિટીની વધતી નિકાસ માત્ર ભારતને વિદેશી હૂંડિયામણ જ કમાવી આપે છે એવું નથી, પરંતુ ખેડૂતોની બમણી આવક સુધી પહોંચાડવામાં પણ મદદ મળે છે. આ ઉપરાંત રોજગારીની તકો ઊભી કરવામાં પણ મદદ મળે છે. દેશમાંથી વીતેલા નાણાકીય વર્ષમાં ઍગ્રિ કૉમોડિટીની કુલ નિકાસ ૪૧.૨૫ અબજ ડૉલરની થઈ હતી, જે આ વર્ષે વધીને ૪૩ અબજ ડૉલર સુધી પહોંચશે. દેશમાંથી ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી નવેમ્બર મહિનાની માત્ર ચોખાની નિકાસ ૧૧ ટકા વધીને ૫.૯૩ અબજ ડૉલરની થઈ છે, જ્યારે ડેરી-પોલ્ટ્રી સહિતની કેટલીક પ્રોડક્ટની નિકાસ ૧૨ ટકા વધીને ૨.૬૬ અબજ ડૉલરની થઈ છે, જ્યારે ફ્રૂટ અને શાકભાજીની નિકાસ ૧૨ ટકા વધીને ૧.૭૨ અબજ ડૉલરની થઈ છે. પ્રધાને વધુમાં કહ્યું કે દેશની તમામ પ્રોડક્ટની કુલ નિકાસ ૪૦૦ અબજ ડૉલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે, જેમાંથી એપ્રિલથી નવેમ્બર મહિનાના સમયગાળા દરમિયાન ૨૬૨ અબજ ડૉલરની નિકાસ તો થઈ ચૂકી છે. આમ દેશની નિકાસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં ઍગ્રિ સેક્ટરનો પણ મોટો ફાળો છે.

 

એનપીએસ હેઠળ ઇક્વિટી સ્કીમમાં ૧૨ ટકા કરતાં વધારે વળતર મળ્યું : પીએફઆરડીએ

એનપીએસ (નૅશનલ પેન્શન સિસ્ટમ)ના સબસ્ક્રાઇબર્સને ગત ૧૨ વર્ષોમાં સારું વળતર મળ્યું હોવાનું પેન્શન ફંડ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (પીએફઆરડીએ)ના અધ્યક્ષ સુપ્રતીમ બંદોપાધ્યાયે જણાવ્યું છે. 
સોમવારે તેમણે કહ્યું હતું કે ઇક્વિટી સ્કીમમાં ૧૨ ટકા કરતાં વધારે અને સરકારી સિક્યૉરિટીઝ સ્કીમમાં ૯.૯ ટકા જેટલું વળતર મળ્યું છે. 
બંદોપાધ્યાયે સીઆઇઆઇ યોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘એનપીએસ પાસે હાલ ૬.૮૫ ટ્રિલ્યન રૂપિયા જેટલું કુલ ભંડોળ છે. એનપીએસમાં ઘણી લવચિકતા છે. જરૂર માત્ર એટલી કે એમાં વહેલું રોકાણ શરૂ કરવું જોઈએ. ભારતમાં પેન્શનધારકો વધે એ માટે ઘણું કાર્ય કરવાની જરૂર છે. ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી ઑથોરિટી, પીએફઆરડીએ અને સીઆઇઆઇ જેવી સંસ્થાઓ ભેગી આવીને આ કાર્ય કરી શકે છે.’ 
નોંધનીય છે કે પીએફઆરડીએ પેન્શન માટે બે યોજના ચલાવે છે. એક, એનપીએસ અને બે, અટલ પેન્શન યોજના. એનપીએસમાં મુખ્યત્વે સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ સહભાગી થાય છે અને અટલ પેન્શન યોજના મુખ્યત્વે અસંગઠિત ક્ષેત્રના લોકો માટે છે.

 

ઍર ઇન્ડિયાએ ઍરપોર્ટ્સ ઑથોરિટીને ૨૩૫૦ કરોડ ચૂકવવાના બાકી

ઍર ઇન્ડિયા અને સ્પાઇસજેટ ઍરલાઇન્સે ઍરપોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાને અનુક્રમે ૨૩૫૦ કરોડ અને ૧૮૫ કરોડ રૂપિયા ચૂકવવાના નીકળે છે, એમ નાગરી ઉડ્ડયન ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન વી. કે. સિંહે સોમવારે જણાવ્યું હતું.  
સિંહે રાજ્યસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે કેટલીક ઍરલાઇન્સે પોતાની દેણી રકમ ચૂકવવામાં ડિફોલ્ટ કર્યો છે.  
ઑથોરિટી લેણી રકમની વસૂલી માટે પોતાની નીતિ અનુસાર નિયમિતપણે સવાલ કરતી રહે છે. આ રકમ પર દંડ વસૂલ કરવો કે કોઈ કાનૂની કાર્યવાહી કરવી એ બાબતે ઑથોરિટી પોતાની રીતે નિર્ણય લઈ શકે છે, એમ પ્રધાને જણાવ્યું હતું.  
ઍરપોર્ટ્સ ઑથોરિટી દેશમાં લગભગ ૧૨૫ ઍરપોર્ટ્સની માલિકી ધરાવે છે. ઍરલાઇન્સે એને લૅન્ડિંગ ચાર્જિસ, પાર્કિંગ ચાર્જિસ વગેરેની ચુકવણી કરવાની હોય છે.  
ગત સપ્ટેમ્બરના અંતે અલાયન્સ ઍર અને ગો ઍરે પણ ઑથોરિટીને અનુક્રમે ૧૦૯ કરોડ અને ૫૬ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હતા.

 

દેશમાં એટીએમની સંખ્યા ૨.૧૩ લાખ

દેશભરમાં સપ્ટેમ્બરના અંતે એટીએમની સંખ્યા ૨.૧૩ લાખ કરતાં વધુ હતી. એમાંથી ૪૭ ટકા એટીએમ ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં હતાં, એમ નાણાં મંત્રાલયે સોમવારે સંસદમાં જણાવ્યું હતું.
રિઝર્વ બૅન્ક પાસેના આંકડા મુજબ શેડ્યુલ્ડ કમર્શિયલ બૅન્કોએ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં ૨,૧૩,૧૪૫ એટીએમ ગોઠવ્યાં છે. આ ઉપરાંત વાઇટ લેબલ એટીએમના ઑપરેટરોએ ૨૭,૮૩૭ વાઇટ લેબલ એટીએમ (બૅન્કો સિવાયની સંસ્થાઓનાં એટીએમ) ગોઠવ્યાં છે, એમ નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન ભાગવત કરાડે લોકસભામાં લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું.
૨૦૨૨ના અંત સુધીમાં કેટલાં એટીએમ બેસાડવાનો લક્ષ્યાંક છે એના જવાબમાં પ્રધાને જણાવ્યું હતું કે વાઇટ લેબલ ઓઑપરેટરોએ દર વર્ષે ઓછામાં ઓછાં ૧૦૦૦ એટીએમ ગોઠવવાં જરૂરી હોવાનું રિઝર્વ બૅન્કે કહ્યું છે.

 

કેન્દ્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં વિલંબને લીધે ખર્ચમાં ૧૪,૯૬૦ કરોડનો વધારો

વર્તમાન નાણાકીય વર્ષમાં પૂરા કરવાના ૧૪૪ કેન્દ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં વિલંબ થયો છે અને એને કારણે આ પ્રોજેક્ટ્સનો ખર્ચ ૧૪,૯૬૦.૦૨ કરોડ રૂપિયા વધી ગયો છે, એમ સંસદને સોમવારે જણાવવામાં આવ્યું હતું. 
સ્ટૅટિસ્ટિક્સ ખાતાના પ્રધાન રાવ ઇન્દરજિત સિંહે રાજ્યસભામાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સનો અંદાજિત ખર્ચ ૧,૬૭,૪૯૩.૮૨ કરોડ હતો, જે વધીને ૧,૮૨,૪૫૩.૮૪ કરોડ રૂપિયા થઈ ગયો.

business news