ન્યુઝ શોર્ટમાં : એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સે ૦.૬૦ ટકાનો વ્યાજદર વધાર્યો

21 June, 2022 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૂપિયામાં ડૉલર સામે ૯ પૈસાનો સુધારો જોવા મળ્યો અને વધુ સમાચાર

મિડ-ડે લોગો

એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સે ૦.૬૦ ટકાનો વ્યાજદર વધાર્યો

એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સે જણાવ્યું હતું કે તેણે તેના પ્રાઇમ લૅન્ડિંગ રેટમાં ૬૦ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો છે. આ વધારા સાથે, હોમ લોન પર ૨૦ જૂનથી લાગુ થતા નવા વ્યાજદરો હવે ૭.૫૦ ટકાથી શરૂ થશે. કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર વાય. વિશ્વનાથ ગૌડે જણાવ્યું હતું કે ‘વ્યાજદરમાં વધારો બજારની સ્થિતિને અનુરૂપ છે. જો ઐતિહાસિક રીતે સરખામણી કરવામાં આવે તો દરો હજી પણ ખૂબ જ સ્પર્ધાત્મક સ્તરે છે. એથી અમે હોમ લોનની માગમાં સારો ગ્રોથ જોઈ રહ્યા છીએ.’ 

 

રૂપિયામાં ડૉલર સામે ૯ પૈસાનો સુધારો જોવા મળ્યો

રૂપિયામાં ડૉલર સામે સરેરાશ મજૂબતાઈ જોવા મળી હતી. ક્રૂડ તેલમાં ઘટાડો અને ડૉલરની ખરીદી ઓછી થઈ હોવાથી રૂપિયો ફરી એક વાર ૭૮ની અંદર આવી ગયો છે. ભારતીય રૂપિયો ડૉલર સામે ૭૭.૯૮ની સપાટી પર ખૂલ્યો હતો, જે દિવસ દરમ્યાન એક તબક્કે ૭૭.૮૮ સુધી પહોંચ્યા બાદ દિવસના અંતે રૂપિયો ૭૮.૯૯ પર બંધ રહ્યો હતો, જે આગલા દિવસે ૭૮.૦૮ની સપાટી પર બંધ રહ્યો હતો. ભારતીય શૅરબજારમાં પણ ગયા સપ્તાહમાં મોટો ઘટાડો થયા બાદ સોમવારે અડધા ટકા જેવો સુધારો થયો હતો, જેને પગલે પણ સરેરાશ રૂપિયાને ટેકો મળ્યો હતો. ક્રૂડ તેલના ભાવ જો નીચા આવશે તો રૂપિયાને મોટો ફાયદો થાય એવી ધારણા છે. અમેરિકન ડૉલર ઇન્ડેક્સ સોમવારે ૧૦૪.૧૪ની સપાટી પર  હતો, જે શુક્રવારે ૧૦૪.૧૯ની સપાટી હતી.

 

સેબીએ રીટેલ ભાગીદારીની સુવિધા માટે હાઇબ્રીડ સિક્યૉરિટીઝ પર સલાહકાર સમિતિ રચી

સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (એસઈબીઆઇ - સેબી)એ હાઇબ્રીડ સિક્યૉરિટીઝ પર એક સલાહકાર સમિતિની રચના કરી છે, જે આવાં સાધનોના વિકાસને વેગ આપવા માટે ભલામણ કરશે, જેમાં ઇશ્યુની સરળતા અને સ્થાનિક અને વૈશ્વિક મૂડી આકર્ષવા પર ધ્યાન કેન્દ્રિત કરવાના પગલાનો સમાવેશ થાય છે. ૨૦ સભ્યોની સમિતિની અધ્યક્ષતા નૅશનલ બૅન્ક ફૉર ફાઇનૅન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઍન્ડ ડેવલપમેન્ટના ચૅરપર્સન કે. વી. કામથ કરશે. સેબીએ વધુમાં જણાવ્યું હતું કે સમિતિમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, ફાઇનૅન્સ તેમ જ કાયદાકીય નિષ્ણાતો અને સેબીના પ્રતિનિધિઓના ટોચના સ્તરના અધિકારીઓનો સમાવેશ છે.

business news