News in Short: વાંચો બિઝનેસમાં શું ચાલી રહ્યું છે

13 May, 2021 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવકવેરા ખાતાએ વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ૧૭,૦૬૧ કરોડ રૂપિયાનું રિફન્ડ ચૂકવ્યાનું જાહેર કર્યું છે.

પ્રતીકાત્મક તસવીર

૧૭,૦૬૧ કરોડ રૂપિયાનું આઇટી રિફન્ડ ચૂકવાયું
આવકવેરા ખાતાએ વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ૧૭,૦૬૧ કરોડ રૂપિયાનું રિફન્ડ ચૂકવ્યાનું જાહેર કર્યું છે. તેમાંથી વ્યક્તિગત આવકવેરાના રિફન્ડનું પ્રમાણ ૫૫૭૫ કરોડ રૂપિયા અને કૉર્પોરેટ રિફન્ડનું પ્રમાણ ૧૧,૪૮૬ કરોડ રૂપિયા હતું. તેના લાભાર્થીઓની સંખ્યા અનુક્રમે ૧૨.૭૧ લાખ અને ૨૯,૫૯૨ હતી. ગત ૩૧ માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ખાતાએ એકંદરે ૨.૩૮ કરોડ કરદાતાઓને ૨.૬૨ લાખ કરોડ રૂપિયાનું રિફન્ડ ચૂકવ્યું હતું. 

ટેક મહિન્દ્ર ફાઉન્ડેશન પણ મિશન  ઑક્સિજનમાં 
ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ક્ષેત્રની કંપની ટેક મહિન્દ્રએ સ્થાપેલું ટેક મહિન્દ્ર ફાઉન્ડેશન કોવિડ-19 માટેનાં રાહતનાં પગલાં તરીકે સખાવતી અને સરકારી હૉસ્પિટલો માટે ૫૦ ઑક્સિજન પ્લાન્ટની સ્થાપના કરશે. ટેક મહિન્દ્રના ચીફ સ્ટ્રેટેજી ઑફિસર જગદીશ મિત્રે જણાવ્યા મુજબ શહેરોમાં હૉસ્પિટલો, નર્સિંગ હોમ્સ તથા આરોગ્ય સેવાની સુવિધાઓ માટે ઑક્સિજનની મદદ કરવામાં આવશે. ટેક મહિન્દ્ર ફાઉન્ડેશને ડેમોક્રસી પીપલ ફાઉન્ડેશનના ‘મિશન ઑક્સિજન’ અભિયાન હેઠળ આ બીડું ઉપાડ્યું છે.

વીકના ચાર જ દિવસ કામ કરશે ઓયોના કર્મચારીઓ
હોટેલ ક્ષેત્રની કંપની ઓયોએ ચાર દિવસના કામકાજી સપ્તાહની જાહેરાત કરી છે. કંપનીના સ્થાપક અને ગ્રુપ સીઈઓ રિતેશ અગરવાલે બુધવારે ટ્વિટર પર કરેલી જાહેરાત મુજબ કર્મચારીઓ હવે સપ્તાહના ચાર દિવસ જ કામ કરશે. એ ઉપરાંત કોઈ પણ કારણ જણાવ્યા વગર રજા પર જવાની છૂટ આપવામાં આવી છે. કર્મચારી મન ફાવે ત્યારે રજા લઈ શકે છે. તેમણે ફક્ત પોતાના મૅનેજરને તેની જાણ કરવાની રહેશે. ક્યાંય કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી. કોવિડના સમયમાં લોકોના શારીરિક અને માનસિક આરોગ્યની કસોટી થઈ રહી છે. આવામાં દરેક વ્યક્તિ પોતાના પરિવારજનો સાથે વધુ સમય વિતાવે એ મહત્ત્વની વાત છે. અમુક સ્ટાર્ટ અપ અને મોટી કંપનીઓએ કરેલી પહેલનું અનુસરણ કરીને અમે ઓયોમાં ઉક્ત પહેલ કરી છે, એમ અગરવાલે જણાવ્યું હતું. 

ભારતનો વૃદ્ધિદર ૭.૫ ટકા રહી શકે છે : યુએન
સંયુક્ત રાષ્ટ્રસંઘે વર્તમાન કૅલેન્ડર વર્ષમાં ભારતનો વૃદ્ધિદર ૭.૫ ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી છે. ગત જાન્યુઆરીમાં તેણે આપેલા અંદાજ કરતાં આ દર ૦.૨ ટકા વધારે છે. જોકે આ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ કહ્યું છે કે સમગ્ર વર્ષ માટેની ધારણા ગમે ત્યારે બદલાઈ પણ શકે છે. આવતા નાણાકીય વર્ષમાં ભારતની કુલ રાષ્ટ્રીય પેદાશનો વૃદ્ધિદર ૧૦.૧ ટકા રહેવાનો અંદાજ પણ યુએનના અહેવાલમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. 

business news