ન્યુઝ શોર્ટમાં : રિઝર્વ બૅન્કે પેમેન્ટ સિસ્ટમને લગતા ચાર્જ વિશે ફીડબૅક માગ્યાં

19 August, 2022 02:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૦ ટકા ભારતીય કર્મચારીઓની નોકરી બદલવાની પૂરેપૂરી ઇચ્છા અને વધુ સમાચાર.

પ્રતીકાત્મક તસવીર

રિઝર્વ બૅન્કે પેમેન્ટ સિસ્ટમને લગતા ચાર્જ વિશે ફીડબૅક માગ્યાં

રિઝર્વ બૅન્કે બુધવારે પેમેન્ટ સિસ્ટમ્સમાં ફી અને ચાર્જિસ વિશે લોકો પાસેથી મંતવ્યો માગ્યાં હતાં, જેનો ઉદ્દેશ આ પ્રકારના વ્યવહારોને સસ્તા બનાવવાની સાથે-સાથે સંકળાયેલી સંસ્થાઓ માટે આર્થિક રીતે લાભદાયી પણ છે. ચુકવણી પ્રણાલીઓમાં તાત્કાલિક ચુકવણી સેવા (આઇએમપીએસ), નૅશનલ ઇલેક્ટ્રૉનિક ફંડ ટ્રાન્સફર (નેફ્ટ) સિસ્ટમ, રિયલ ટાઇમ ગ્રોસ સૅટલમેન્ટ (આરટીડીએસ) સિસ્ટમ અને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)નો સમાવેશ થાય છે. ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ અને પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (પીપીઆઇ) અન્ય ચુકવણી સાધનોનો પણ સમાવેશ થાય છે.

 

બિનનિવાસી કૉર્પોરેટ્સને રેમિટન્સ અને ટૂર પૅકેજ પર ટીસીએસમાંથી મુક્તિ

ઇન્કમ ટૅક્સ વિભાગે બિનનિવાસી કૉર્પોરેટ સંસ્થાઓ અને ભારતમાં કાયમી સ્થાપના કે વ્યવસાયનું નિશ્ચિત સ્થળ ન ધરાવતી કંપનીઓને વિદેશી રેમિટન્સ અને ટૂર પૅકેજ પર પાંચ ટકા ટૅક્સ કલેક્શન સોર્સ (ટીસીએસ)માંથી મુક્તિ આપી છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસે આઇટી નિયમોમાં ફેરફારની સૂચના આપી છે અને જરૂરી ફેરફાર કર્યા છે. ઑક્ટોબર ૨૦૨૨૦થી ભારતમાં ૭ લાખ રૂપિયા કે એથી વધુનાં રેમિટન્સ પર પાંચ ટકાનો ટીસીએસનો દર લાગુ પડતો હતો.

 

૩૦ ટકા ભારતીય કર્મચારીઓની નોકરી બદલવાની પૂરેપૂરી ઇચ્છા

પ્રાઇસ વૉટરહાઉસ કૂપર્સ (પીડબ્લ્યુસી) ઇન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે કે ૩૦ ટકાથી વધુ ભારતીય કર્મચારીઓ નોકરી બદલવા માગે છે જ્યારે ૭૧ ટકાને લાગે છે કે કારકિર્દીમાં પ્રગતિ માટે તેમની અવગણના કરવામાં આવી રહી છે. એમ્પ્લૉયરો અને કર્મચારીઓ બંનેની માનસિકતામાં નોંધપાત્ર ફેરફાર સાથે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં કાર્યસ્થળો નોંધપાત્ર રીતે બદલાયાં છે. પીડબ્લ્યુસીના ઇન્ડિયા વર્કફોર્સ હૉપ્સ ઍન્ડ ફિયર્સ સર્વે ૨૦૨૨માં આ તારતમ્યો કઢાયાં છે.

 

business news