News in short: રાયડાના ઊંચા ભાવને પગલે ચાલુ વર્ષે વિક્રમી ઉત્પાદન થવાનો અંદાજ

24 November, 2021 03:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટેકાના ભાવ કરતાં ૫૦ ટકા જેટલા ઊંચા ભાવ હોવાથી ખેડૂતો ગમે એ ભાવથી બિયારણ ખરીદવા તૈયાર

પ્રતીકાત્મક તસવીર

દેશમાં રાયડાનું ઉત્પાદન નવી સીઝનમાં વિક્રમી સપાટીએ પહોંચવાનો અંદાજ છે. રાયડા સાથે સંકળાયેલા નિષ્ણાતોના મતે દેશમાં ચાલુ વર્ષે વાવેતર અને ઉત્પાદન બંને ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચશે. હાલમાં રાયડાના ભાવ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ ૫૦૫૦ રૂપિયાની તુલનાએ બાવન ટકા જેટલા ઊંચા છે. રાયડાના ઊંચા ઉત્પાદનને પગલે દેશના ખાદ્ય તેલના આયાત બિલમાં પણ ઘટાડો થાય એવી સંભાવના છે.
ભરતપુરસ્થિત રાયડા રિસર્ચ કેન્દ્રના ડિરેક્ટર પી.કે. રાયએ જણાવ્યું હતું કે હાલમાં રાયડાના બિયારણની ખૂબ જ મોટા પાયે માગ છે અને ખેડૂતોએ સરકારે
નક્કી કરેલા બિયારણના ભાવની તુલનાએ ચાર ગણા ભાવ આપીને પણ બિયારણ લઈ રહ્યા છે. પરિણામે વાવેતરનો આંકડો હાલ દેશમાં સામાન્ય વાવેતરને પાર કરી ચૂક્યો છે.
દેશમાં રાયડાનું ઉત્પાદન ગત વર્ષે ૧૦૧ લાખ ટન જેવું થયું હતું અને સરકારે ચાલુ સીઝનમાં કુલ ૭૫.૮૦ લાખ હેક્ટરમાં વાવેતર અને ૧૨૨.૪૦ લાખ ટન ઉત્પાદન થવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ૧૮ નવેમ્બર સુધીના છેલ્લા આંકડાઓ મુજબ દેશમાં રાયડાનું કુલ ૬૫.૨ લાખ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે જે ગત વર્ષની તુલનાએ ૩૦.૫ ટકાનો વધારો બતાવે છે.
રાયએ વધુમાં કહ્યું કે દેશમાં ઉત્પાદન ઓછું થાય એવા હાલ કોઈ કારણો નથી. વાતાવરણ એકદમ સાનુકૂળ છે અને પાક બમ્પર થાય એવી ધારણા છે. દેશમાં સામાન્ય રીતે રાયડાનું ઉત્પાદન પ્રતિ હેક્ટર ૧૫૧૧ કિલો થાય છે, જેની તુલનાએ આ વર્ષે ઉતારો વધે એવી પણ ધારણા છે.
કેન્દ્ર સરકારે દેશમાં ખાદ્ય તેલના વિક્રમી આયાત બિલને ઘટાડવા માટે વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં રાયડાનું કુલ વાવેતર ૯૦ લાખ હેક્ટર સુધી લઈ જવાનું આયોજન ઘડ્યું છે, જેને પગલે હાલ રાયડાના વિક્રમી ઊંચા ભાવ હોવા છતાં અને તેલના ભાવ વિક્રમી સપાટીએ પહોંચ્યા હોવા છતાં સરકારે રાયડા તેલની આયાત ડ્યુટીમાં કોઈ જ  ફેરફાર કર્યો નથી અને જાળવી રાખી છે.

ભારત ક્રૂડનો ૫૦ લાખ બેરલનો રિઝર્વ સ્ટૉક રિલીઝ કરશે

કેન્દ્ર સરકારે અમેરિકાની વિનંતીને ધ્યાનમાં રાખીને વિશ્વમાં ક્રૂડ તેલના વધતા ભાવને ડામવા માટે બીજા દેશોની જેમ ભારત સરકારે પણ ૫૦ લાખ બેરલનો રિઝર્વ સ્ટૉક રિલીઝ કરવાની મંગળવારે જાહેરાત કરી હતી.
અમેરિકા, જપાન અને બીજા મુખ્ય ઇકૉનૉમી ધરાવતા દેશોએ પોતાના રિઝર્વ સ્ટૉકમાંથી ક્રૂડ તેલનો જથ્થો રિલીઝ કર્યો છે, જેને પગલે ભારત સરકારે પણ આમાં સહયોગ આપવાની ખાતરી આપીને ૫૦ લાખ બેરલ ક્રૂડ તેલનો સ્ટૉક રિલીઝ કરવાની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકાર હસ્તકની કંપનીઓ પાસે હાલમાં કુલ ૩૮૦ લાખ બેરલનો ક્રૂડ તેલનો રિઝર્વ સ્ટૉક પડ્યો છે, જેમાંથી ૫૦ લાખ બેરલ આગામી ૭થી ૧૦ દિવસમાં રિલીઝ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે મેંગ્લોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશનમાંથી પોતાનો રિઝર્વ સ્ટૉક રિલીઝ કરશે.

સેબીએ રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન સંબંધે નિયમો જાહેર કર્યા

સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા સેબીએ રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન સંબંધે નિયમો જાહેર કર્યા છે. તેણે કહ્યું છે કે લિસ્ટેડ કંપનીઓએ આ પ્રકારના વ્યવહારો ઑડિટ કમિટી અને શૅરધારકોની વિચારણાર્થે રજૂ કરવાની જરૂર રહેશે. સેબીએ પરિપત્રમાં કહ્યું છે કે લિસ્ટેડ કંપનીએ રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ (આરપીટી) પોતાના હિતમાં છે એ સાબિત કરવું પડશે. એ ઉપરાંત વૅલ્યુએશન રિપોર્ટ કે ત્રીજા પક્ષના અહેવાલ ઑડિટ કમિટી તથા શૅરધારકો સમક્ષ રજૂ કરવા પડશે અને એમની મંજૂરી લેવી પડશે. 

નોબ્રોકર ડૉટકૉમ યુનિકૉર્ન બની

દલાલ વગર પ્રૉપર્ટીની લે-વેચનો બિઝનેસ ધરાવતી નોબ્રોકર ડૉટકૉમ વેબસાઇટની કંપનીએ જનરલ ઍટલાન્ટિક અને ટાઇગર ગ્લોબલ સહિતના રોકાણકારો પાસેથી ૨૧૦ મિલ્યન ડૉલર (આશરે ૧૫૭૫ કરોડ રૂપિયા) એકઠા કર્યા છે. કંપનીનો ઉદ્દેશ દેશનાં ૫૦ મોટાં શહેરોમાં બિઝનેસનું વિસ્તરણ કરવાનો છે. 
બૅન્ગલોરસ્થિત નોબ્રોકર ડૉટકૉમની સ્થાપના વર્ષ ૨૦૧૩માં કરવામાં આવી હતી. પ્રૉપર્ટી ક્ષેત્રે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરનારી આ પ્રથમ એવી કંપની બની છે જેનું મૂલ્ય વધીને ૧ અબજ ડૉલરનો આંક વટાવી ગયું છે. બીજા શબ્દોમાં કહીએ તો કંપની યુનિકૉર્ન (જેનું મૂલ્ય ૧ અબજ ડૉલર કરતાં વધારે હોય)ની શ્રેણીમાં આવી ગઈ છે. 
કંપનીએ જણાવ્યા મુજબ હાલમાં એનું કામકાજ બૅન્ગલોર, ચેન્નઈ, દિલ્હી-નૅશનલ કૅપિટલ રીજન, હૈદરાબાદ, મુંબઈ અને પુણેમાં ચાલે છે. એના પૉર્ટલ પર ૭૫ લાખ કરતાં વધુ પ્રૉપર્ટી રજિસ્ટર કરાઈ છે અને ૧.૬ કરોડ કરતાં વધુ ગ્રાહકો એની સેવાનો લાભ લઈ ચૂક્યા છે. 
કંપનીની સ્થાપના આઇઆઇટી મુંબઈના અખિલ ગુપ્તા, આઇઆઇટી કાનપુર અને આઇઆઇએમ અમદાવાદના અમિતકુમાર અગરવાલ તથા આઇઆઇટી મુંબઈ અને આઇઆઇએમ અમદાવાદના સૌરભ ગર્ગે કરી હતી. 

business news