News in short: દેશમાં રૂની આવક ઑક્ટોબરમાં ગત વર્ષથી ચાર લાખ ગાંસડી વધી : સીએઆઇ

25 November, 2021 01:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૂની સપ્લાય ચાલુ વર્ષે ૪૨.૮૭ લાખ ગાંસડી ઓછી રહેવાનો અંદાજ

પ્રતીકાત્મક તસવીર

રૂની સપ્લાય ચાલુ વર્ષે ૪૨.૮૭ લાખ ગાંસડી ઓછી રહેવાનો અંદાજ

રૂની આવક ઑક્ટોબર મહિનામાં ૩૧.૧૨ લાખ ગાંસડી થઈ હોવાનો અને ગત વર્ષથી ચાર લાખ ગાંસડી વધુ આવક થઈ હોવાનું સીએઆઇના પ્રેસિડન્ટ અતુલ ગણાત્રાએ ઑક્ટોબર મહિનાની બૅલૅન્સશીટ જાહેર કરતાં જણાવ્યું હતું. રૂના ઉત્પાદનનો અંદાજ ૩૬૦.૧૩ લાખ ગાંસડી ગત મહિને જાહેર કર્યો હતો એ જાળવી રાખ્યો હતો.
 રૂની મન્થ્લી બૅલૅન્સશીટ અંગે અતુલ ગણાત્રાએ જણાવ્યું હતું કે ઑક્ટોબર મહિના દરમિયાન રૂની સપ્લાય ૧૦૭.૧૨ લાખ ગાંસડી હતી જેમાં ૩૧.૧૨ લાખ ગાંસડી રૂની આવક, એક લાખ ગાંસડી ઇમ્પોર્ટ અને ૭૫ લાખ ગાંસડી રૂનો ઓપનિંગ સ્ટૉક હતો. ઑક્ટોબર મહિના દરમિયાન રૂનો વપરાશ ૨૭.૯૧ લાખ ગાંસડી થયો હતો અને ઑક્ટોબર મહિનામાં એક્સપોર્ટ ચાર લાખ ગાંસડી થઈ હતી. ઑક્ટોબરના અંતે દેશમાં રૂનો સ્ટૉક ૭૫.૧૨ લાખ ગાંસડી હતો જેમાં સ્પિનિંગ મિલો પાસે ૪૬.૨૧ લાખ ગાંસડી હતો જે ૫૦ દિવસ ચાલે એટલો સ્ટૉક હતો. સીસીઆઇ અને મહારાષ્ટ્ર ફેડરેશનના ગોડાઉનમાં વેચાયેલો કે વણવેચાયેલો પણ ઉપડી ન શકયો હોય એવો નવ લાખ ગાંસડી સ્ટૉક હતો તેમ જ જીનર્સ, ટ્રેડર્સ, એક્સપોર્ટર્સ, મલ્ટિનૅશનલ કંપનીઓ અને કૉમોડિટી એક્સચેન્જ પાસે ઑક્ટોબરના અંતે ૨૦ લાખ ગાંસડીનો સ્ટૉક હતો. સીએઆઇ દ્વારા રજૂ થયેલી આખા વર્ષની બૅલૅન્સશીટની મહત્ત્વની બાબત એ છે કે દેશમાં રૂની સપ્લાય આખા વર્ષ દરમિયાન ગત વર્ષથી ૪૨.૮૭ લાખ ગાંસડી ઓછી રહેશે. ઉપરાંત ચાલુ સીઝનને અંતે રૂનો ક્લૉઝિંગ સ્ટૉક ગત વર્ષ કરતાં ૧૨.૮૭ લાખ ગાસંડી ઓછો રહેશે.

ઍર ઇન્ડિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ ડિસેમ્બર સુધીમાં પૂરું કરાશે

સરકાર આગામી ડિસેમ્બરના અંત સુધીમાં ઍર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા પૂરી કરવા માટે તમામ પ્રયાસ કરી રહી હોવાનું નાગરી ઉડ્ડયન ખાતાના સચિવ રાજીવ બંસલે જણાવ્યું છે. 
તાતા ગ્રુપની કંપની ટેલેસ પ્રા. લિમિટેડે ઍર ઇન્ડિયા હસ્તગત કરવા માટે કરેલી બીડ સ્વીકૃત થઈ ગઈ છે. સરકારે ગત ૨૫ ઑક્ટોબરે તાતા સન્સ સાથે શૅર પર્ચેઝ એગ્રીમેન્ટ કરીને ૧૮,૦૦૦ કરોડ રૂપિયામાં ઍર ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત કર્યું છે. આ કરાર મુજબ ૨૭૦૦ કરોડ રૂપિયા રોકડામાં આપવામાં આવશે અને ૧૫,૩૦૦ કરોડ રૂપિયાનું ઍર ઇન્ડિયાનું કરજ ખરીદનાર હસ્તક થઈ જશે. 

બૅન્કની શાખાઓ ક્યારેય નાબૂદ નહીં થાય : બૅન્કરોનો મત

વર્તમાન સમયમાં ડિજિટલ બૅન્કિંગ વધુ ને વધુ પ્રમાણમાં અપનાવવામાં આવી રહ્યું છે, પરંતુ હજી ઘણી મોટી સંખ્યામાં ગ્રાહકો શાખાઓમાં જઈને વ્યવહારો કરવાનું પસંદ કરતા હોવાથી શાખાઓ પણ અસ્તિત્વમાં રહેશે, એવો મત બૅન્કરોએ વ્યક્ત કર્યો છે. 
આથી બૅન્કોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેમણે ગ્રાહકોને ડિજિટલ બૅન્કિંગનાં વિવિધ પાસાં વિશે માહિતગાર કરવા જોઈએ. 
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના મૅનેજિંગ ડિરેક્ટર અશ્વિની કે. તિવારીએ એક વર્ચ્યુઅલ સમિટમાં કહ્યું હતું કે વ્યવહારો કરવા માટેના માધ્યમ તરીકે શાખાઓ ક્યારેય બંધ નહીં થાય. ભવિષ્યમાં શાખાઓ અને ડિજિટલ એ બન્ને માધ્યમોનો ઉપયોગ થતો રહેશે. 
સિટી યુનિયન બૅન્કના મૅનેજિંગ ડિરેક્ટર એન. કોમકોડીએ આ પ્રસંગે કહ્યું હતું કે જૂની પેઢીના લોકોને શાખાઓમાં જઈને વ્યવહારો કરવાનું વધારે અનુકૂળ આવે છે. આજે આશરે ૯૦ ટકા વ્યવહાર શાખાઓ સિવાયના વિકલ્પો, જેવા કે ઇન્ટરનેટ બૅન્કિંગ, મોબાઇલ બૅન્કિંગ કે એટીએમ મારફતે થવા લાગ્યા છે. 
જન સ્મૉલ ફાઇનૅન્સ બૅન્કના મૅનેજિંગ ડિરેક્ટર અજય કંવલે કહ્યું હતું કે વર્લ્ડ બૅન્કના સર્વેક્ષણ મુજબ મોટાભાગના ગ્રાહકોને જે બૅન્કની શાખાઓ જોવા મળે એના પર વધારે વિશ્વાસ બેસે છે. આમ શાખાઓ ક્યારેય સાવ નાબૂદ નહીં થાય. 

business news