કોરોના વચ્ચે મોંઘવારીમાં રાહત, માર્ચમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 1% થયો

16 April, 2020 07:12 AM IST  |  New Delhi | Agencies

કોરોના વચ્ચે મોંઘવારીમાં રાહત, માર્ચમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 1% થયો

ફાઈલ ફોટો

કોરોના વાઇરસની મહામારી દરમ્યાન ચીજવસ્તુઓના જથ્થાબંધ ભાવમાં ઘટાડો નોંધાયો છે. જથ્થાબંધ ભાવ એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સની રીતે માર્ચ મહિનામાં ફુગાવાનો દર ઘટીને ૧ ટકા નોંધાયો છે જ્યારે ગત ફેબ્રુઆરીમાં તે ૨.૨૬ ટકા હતો. કોરોના વાઇરસની મહામારીને લીધે દેશમાં ચાલુ રહેલા લૉકડાઉનને પગલે પણ મોંઘવારી ઘટી છે.

સરકારી વિભાગ દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા મુજબ ખાદ્ય ચીજવસ્તુઓમાં ફુગાવાનો દર માર્ચમાં ઘટીને ૪.૯૧ ટકા આવ્યો છે જે માર્ચમાં ૭.૭૯ ટકા હતો. કોરોના વાઇરસની મહામારીને પગલે ૨૫ માર્ચથી જાહેર કરાયેલા દેશવ્યાપી લૉકડાઉનની અસર ચાલુ મહિના દરમ્યાન અને આગામી મહિને પણ જોવા મળશે, કારણ કે સરકારે લૉકડાઉન હવે ૩ મે ૨૦૨૦ સુધી લંબાવી દીધું છે. શાકભાજીના ભાવમાં ફુગાવો માર્ચમાં ઘટીને ૧૧.૯૦ ટકા આવ્યો છે જે ફેબ્રુઆરીમાં ૨૯.૯૭ ટકા હતો, જોકે આ સમયગાળામાં કાંદા મોંઘા થયા છે.

ઇંધણ અને વીજળીના ભાવવધારામાં પણ ૧.૭૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે મૅન્યુફૅક્ચરિંગ પ્રોડક્ટ્સના ભાવ માર્ચમાં ૦.૩૪ ટકાના દરે વધ્યા છે.

business news inflation