કોરોના ઇફેક્ટ : સૌપ્રથમ વાર ગૅસ સિલિન્ડર પરની સબસિડી શૂન્ય થઈ

26 May, 2020 02:55 PM IST  |  New Delhi | Agencies

કોરોના ઇફેક્ટ : સૌપ્રથમ વાર ગૅસ સિલિન્ડર પરની સબસિડી શૂન્ય થઈ

ગૅસ સિલિન્ડર

દેશમાં કોરોના સંકટની વચ્ચે લોકો માટે એલપીજી સિલિન્ડરને લઈને સારા સમાચાર આવ્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઑઇલ અને ગૅસની કિંમતોમાં સતત ઘટાડો થવાને કારણે સરકારને એલપીજી બહુ સસ્તી કિંમતે મળી રહ્યું છે. આને કારણે સરકારને હવે સ્થાનિક બજારમાં ગ્રાહકો પર અપાતી સબસિડીમાં કોઈ ખર્ચ કરવો નથી પડતો. આનો સીધો મતલબ એ થયો કે હવે એલપીજી સિલિન્ડર પર સબસિડી શૂન્ય પર પહોંચી ગઈ છે.

હવે જ્યારે સબસિડી ઝીરો થઈ છે, તેમ છતાં સરકારે પાછલા કેટલાક મહિનાઓથી સ્થાનિક ગ્રાહકો માટે ગૅસ સબસિડીવાળા સિલિન્ડરની કિંમત વધારી છે. આવામાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગૅસ સસ્તો મળતાં અને સ્થાનિકમાં ભાવ ન ઘટાડવાને પરિણામે સબસિડી લગભગ શૂન્યના બરાબર થઈ ગઈ છે. ઊલટાનું હવે સરકારને પ્રતિ સિલિન્ડરે ૧૨૦ રૂપિયાની કમાણી થઈ રહી છે.  કેન્દ્ર સરકારે જાન્યુઆરી, ૨૦૧૫થી ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમની શરૂઆત કરી હતી. જેના હેઠળ ઉપભોક્તાને એલપીજી સિલિન્ડરોની પૂરી કિંમત ચૂકવવાની અને સરકાર તેમની સબસિડી સીધા તેના ખાતાંઓમાં જમા કરતી હતી.

આ પહેલાં ઑઇલ કંપનીઓ ગ્રાહકોને પડતરથી ઓછી કિંમતે એલપીજી સિલિન્ડર વેચતી હતી, જેથી સરકાર દ્વારા તેમને નુકસાન ભરપાઈ કરી આપવામાં આવતું હતું, પણ સરકારે ઑક્ટોબર, ૨૦૧૭ અને જુલાઈ, ૨૦૧૯ દરમ્યાન ગૅસ સબસિડીવાળાં સિલિન્ડરોની કિંમત સ્થિર કરી દીધી હતી.

business news