જર્મની સહિત યુરોપિયન દેશોમાં કોરોનાના નવા કેસ અને મૃત્યુદર ઝડપથી વધતાં સોનામાં ઘટાડો અટક્યો

25 November, 2021 01:13 PM IST  |  Mumbai | Mayur Mehta

મુંબઈમાં સોના-ચાંદી સતત બીજે દિવસે ઘટ્યાં, સોનું ૨૪૨ રૂપિયા અને ચાંદી ૮૪૦ રૂપિયા તૂટી

ફાઇલ ફોટો

જર્મની, ફ્રાન્સ, રશિયા, બ્રિટન સહિત તમામ યુરોપિયન દેશોમાં કોરોનાના નવા કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે એની સાથે મૃત્યુદર પણ ઝડપથી વધી રહ્યો હોવાથી તેમ જ જર્મનીમાં કડક નિયંત્રણો અને આંશિક લૉકડાઉન લાદવાની જાહેરાત થઈ હોવાથી સોનાનું સેફ હેવન સ્ટેટસ મજબૂત બનતાં વધુ ઘટાડો અટક્યો હતો અને સોનું રેન્જબાઉન્ડ રહ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૪૨ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૮૪૦ રૂપિયા ઘટ્યાં હતાં. 
વિદેશી પ્રવાહ
અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ ધારણા કરતાં વહેલા વધશે એ ધારણાએ સોનું વર્લ્ડ માર્કેટમાં મંગળવારે દોઢ ટકો ઘટીને ૧૭૮૭.૨૨ ડૉલર સુધી ઘટ્યું હતું, પણ યુરોપિયન દેશોમાં કોરોનાના સતત વધી રહેલા કેસથી સોનાનું સેફ હેવન સ્ટેટસ સુધરતાં સોનું વધુ ઘટતું અટકીને રેન્જબાઉન્ડ રહ્યું હતું. સોનું રેન્જબાઉન્ડ રહેતાં પ્લૅટિનમ અને પેલેડિયમ સુધર્યાં હતાં, પણ ચાંદી ઘટી હતી. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ નવેમ્બરમાં વધીને ૫૯.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૧૦ મહિનાની નીચી સપાટીએ ૫૮.૪ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૯ પૉઇન્ટની હતી. અમેરિકાના સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ નવેમ્બરમાં ઘટીને ૫૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૮.૭ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૯ પૉઇન્ટની હતી. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં વધારો છતાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઘટતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ નવેમ્બરમાં ઘટીને ૫૬.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૭.૬ પૉઇન્ટ હતો. જપાનનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ નવેમ્બરમાં વધીને ૫૪.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૩.૨ પૉઇન્ટ હતો, મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં સતત દસમા મહિને વધારો જોવા મળ્યો હતો. જપાનના  સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ નવેમ્બરમાં વધીને ૨૬ મહિનાની ઊંચાઈએ ૫૨.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૦.૭ પૉઇન્ટ હતો, સર્વિસ સેક્ટરના ગ્રોથમાં સતત બીજે મહિને વધારો જોવા મળ્યો હતો. જપાનના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ગ્રોથમાં વધારો થતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ નવેમ્બરમાં વધીને ૩૭ મહિનાની ઊંચાઈએ ૫૨.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૦.૭ પૉઇન્ટ હતો. ફ્રાન્સનો બિઝનેસ કૉન્ફિડન્સ ઇન્ડેક્સ નવેમ્બરમાં વધીને ૧૦૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૧૦૭ પૉઇન્ટ હતો. ન્યુ ઝીલૅન્ડની સેન્ટ્રલ બૅન્કે સતત બીજી વખત ૨૫ બેઝિસ પૉઇન્ટનો ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરી બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૦.૭૫ ટકા કર્યા હતા અને ઇન્ફલેશનનું પ્રોજેક્શન આગામી ત્રણ ક્વૉર્ટર માટે પાંચ ટકા કરતાં વધારે મૂક્યું હતું. ન્યુ ઝીલૅન્ડનું ઇન્ફલેશન છેલ્લા ક્વૉર્ટરમાં ૫.૭ ટકા રહ્યું હતું. અમેરિકા અને જપાનના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં વધારો થતાં અમેરિકી ડૉલર વધુ સ્ટ્રોન્ગ બન્યો હતો જેને કારણે સોનામાં સતત બીજે દિવસે નરમાઈ જોવા મળી હતી. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
અમેરિકન પ્રેસિડન્ટ બાઇડને ફેડ ચૅરમૅન પોવેલને રિપીટ કરતાં ઇન્ટરેસ્ટ રેટ ધારણા કરતાં વહેલા વધવાની ધારણાએ મંગળવારે સોનું દોઢ ટકા ઘટીને ૧૮૦૦ ડૉલરની સપાટી તોડી ગયું હતું, પણ સોનામાં ઘટાડો બહુ આગળ વધી શક્યો નહોતો, કારણ કે યુરોપિયન દેશોમાં કોરોનાનો કહેર ઝડપથી વધી રહ્યો છે, મંગળવારે યુરોપિયન દેશોમાં કોરોનાના નવા કેસ ૩,૩૮,૨૩૪ નીકળ્યા હતા જેમાં જર્મનીમાં ૫૪,૨૬૮ કેસ, ફ્રાન્સમાં ૩૦,૪૫૪, બ્રિટનમાં ૪૩,૪૮૪, રશિયામાં ૩૩,૯૯૬ કેસ, પોલૅન્ડમાં ૧૯,૯૩૬ કેસ, નેધરલૅન્ડમાં ૨૨,૯૫૬ કેસ, કેઝિયામાં ૧૪,૪૯૨ કેસ, બેલ્જિયમમાં ૧૪,૩૩૮ કેસ અને યુક્રેનમાં ૧૨,૭૨૯ કેસ નીકળ્યા હતા. યુરોપિયન દેશોમાં એક જ દિવસમાં ૪૪૦૬ મૃત્યુ થયાં હતાં. અમેરિકામાં પણ મંગળવારે ૮૬,૦૧૬ નવા કેસ નીકળ્યા હતા. આમ, કોરોનાના કૂદકે ને ભૂસકે વધી રહેલા કેસથી સોનું ગમે ત્યારે બાઉન્સબૅક થઈ શકે એવી શક્યતા હોવાથી સોનામાં ઘટાડો અટક્યો હતો. આ ઉપરાંત ચાઇનીઝ પ્રીમિયરે બિઝનેસના ગ્રોથને સપોર્ટ કરવા છ પ્રકારનાં પગલાં લેવાની જાહેરાત કરી હતી જેમાં ટૅક્સ માળખામાં પરિવર્તન કરીને અનેક પ્રકારની બિઝનેસ ફી ઘટાડવાની જાહેરાત કરી હતી તેમ જ પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ બિઝનેસ સેક્ટરને સપોર્ટ કરવા શક્ય તમામ પગલાં લેવાની જાહેરાત કરી હતી. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ મંગળવારે સતત ચોથા દિવસે માર્કેટમાં ૧૦૦ અબજ યુઆન ઠાલવ્યા હતા. આમ, કોરોનાના
સતત વધી રહેલા કેસ અને ચીનમાં બિઝનેસને સપોર્ટ કરતાં શ્રેણીબદ્ધ પગલાંને લીધે સોનાનું શૉર્ટ ટર્મ પ્રોજેક્શન હજી રેન્જ બાઉન્ડથી બુલિશ છે, મીડિયમથી લૉન્ગ ટર્મ સોનામાં ઘટાડો થઈ શકે છે.

business news