વર્ષ ૨૦૨૦-’૨૧નું પરોક્ષ કરવેરાનું નેટ કલેક્શન ૧૨.૩ ટકા વધીને ૧૦.૭૧ લાખ કરોડ રૂપિયા થયું

14 April, 2021 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીએસટીનું નેટ કલેક્શન ૫.૪૮ લાખ કરોડ રૂપિયા એટલે કે કુલ અંદાજના ૧૦૬ ટકા થયું

પ્રતીકાત્મક તસવીર

ગઈ ૩૧ માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં પરોક્ષ કરવેરાનું નેટ કલેક્શન તેની પહેલાંના વર્ષની તુલનાએ ૧૨.૩ ટકા વધીને ૧૦.૭૧ લાખ કરોડ રૂપિયા થયું હતું. સરકારે રાખેલા સુધારિત અંદાજ કરતાં આ કલેક્શન વધુ હોવાનું નાણાં મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું.

પરોક્ષ કરવેરામાં જીએસટી, કસ્ટમ્સ અને એક્સાઇઝ ડ્યુટીનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૯-’૨૦માં કલેક્શન ૯.૫૪ લાખ કરોડ રૂપિયા થયું હતું. સુધારિત અંદાજ ૯.૮૯ લાખ કરોડ રૂપિયાનો હતો.

વર્ષ ૨૦૨૦-’૨૧માં જીએસટીનું નેટ કલેક્શન ૫.૪૮ લાખ કરોડ રૂપિયા હતું, જ્યારે કસ્ટમ્સની આવક ૧.૩૨ લાખ કરોડ રૂપિયા થઈ હતી. સેન્ટ્રલ એક્સાઇઝ અને સર્વિસ ટૅક્સ (એરિયર્સ)નું નેટ કલેક્શન ૩.૯૧ લાખ કરોડ રહ્યું હતું, જે તેની પહેલાંના વર્ષે ૨.૪૫ લાખ કરોડ રૂપિયા હતું. આમ તેમાં ૫૯.૨ ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.

નાણાં મંત્રાલયે જણાવ્યા મુજબ જીએસટીનું નેટ કલેક્શન કુલ અંદાજના ૧૦૬ ટકા થયું છે, પરંતુ તેની પહેલાંના વર્ષની સરખામણીએ તેમાં ૮ ટકાનો ઘટાડો થયો છે.

business news