અનિલ અંબાણીની 1200 કરોડની લોન:NCLTની દેવાળિયા પ્રક્રિયા શરૂ કરવા મંજુરી

21 August, 2020 07:53 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

અનિલ અંબાણીની 1200 કરોડની લોન:NCLTની દેવાળિયા પ્રક્રિયા શરૂ કરવા મંજુરી

અનિલ અંબાણી (ફાઈલ તસવીર)

અનિલ અંબાણી દેવાળિયો થઇ જતા તેની સામે ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહીને કારણે ચર્ચામાં રહે છે. 21 ઓગસ્ટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે (NCLT)ની મુંબઈ બેન્ચે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG)ના ચેરમેન અનિલ અંબાણી સામે દેવાળિયા પ્રક્રિયા શરુ કરવા માટે મંજુરી આપી હતી. અનિલે રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ) અને રિલાયન્સ ટેલીકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (RTIL) માટે પર્સનલ ગેરેંટી ઉપર સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા (SBI) પાસેથી રૂ. 1200 કરોડની લોન લીધી હતી.

SBIએ ADAG ગ્રુપને 2016માં ક્રેડિટ ગેરેંટીની સગવડતા આપી હતી. આ હેઠળ અનિલ અંબાણીએ SBI પાસેથી રૂ. 565 કરોડ અને રૂ. 635 કરોડની લોન લીધી હતી. સપ્ટેમ્બર 2016માં અનિલે આ લોન માટે પર્સનલ ગેરેંટી આપી હતી. ત્યારબાદ 2017માં આરકોમ અને RTILના લોન એકાઉન્ટ ડિફોલ્ટ થઇ ગયા હતા.

જાન્યુઆરી 2018માં SBIએ અનિલ અંબાણીની પર્સનલ ગેરંટી રદ કરી હતી. NCLTએ નોંધ્યું છે કે આરકોમ અને રિલાયન્સ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ જાન્યુઆરી 2017 સુધી રિપેમેન્ટ કરવામાં નિષ્ફળ ગઈ છે. આ બંને એકાઉન્ટ્સને પછીથી 26 ઓગસ્ટ 2016થી નોન પરફોર્મિંગ એસેટ્સ (NPA) તરીકે જાહેર કરવામાં આવ્યા. આ પ્રક્રિયા લોન કરાર પૂર્ણ થયા પહેલા કરવામાં આવી હતી.

અનિલ અંબાણીની માલિકીની કંપનીઓના રિઝોલ્યુશન પ્લાન પર પણ આજે NCLTની મુંબઈ બેન્ચમાં સુનાવણી થઈ હતી, જેમાં જીતેન્દ્ર કોઠારીની નિમણૂક રિઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે કરવામાં આવી હતી. જોકે અનિલ અંબાણીએ નેશનલ કંપની એપેલેટ લો ટ્રિબ્યુનલ (NCLAT)ના દરવાજા ખખડાવવાની તૈયારી બતાવી છે.

આ વર્ષે જુલાઈમાં યસ બેન્કે ADAGના સાંતાક્રુઝમાં આવેલા હેડકવાર્ટર રિલાયન્સ સેન્ટરને કબજે કર્યું છે. ગ્રુપ ઉપર યસ બેન્કની કુલ રૂ. 12,000 કરોડ લોન બાકી છે અને તાજેતરમાં બાકી નીકળતા રૂ. 2892 કરોડની ચુકવણી ન કરી શકતા બેન્કે રિકન્સ્ટ્રકશન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ (SARFESI) હેઠળ કંપનીની એસેટ્સ પર કબજો કર્યો છે.

23 જુને અનિલ અંબાણીએ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આ નાણાકીય વર્ષમાં દેવામાંથી સંપૂર્ણ મુક્ત કરવામાં આવશે તેવો દાવો કર્યો હતો. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રૂ. 6,000 કરોડનું દેવું છે. 2018માં ગ્રુપે પોતાનો મુંબઈનો એનર્જી બિઝનેસ અદાણી ટ્રાન્સમિશનને રૂ. 18,800 કરોડમાં વેચ્યો હતો. આ વેચાણથી ગ્રુપના કુલ દેવામાંથી રૂ. 7,500 કરોડનું દેવું ઓછુ થયું હતું.

business news anil ambani