HDFCના નવા CEO શશીધર જગદીશન, આદિત્ય પુરીને રિપ્લેસ કરશે

04 August, 2020 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

HDFCના નવા CEO શશીધર જગદીશન, આદિત્ય પુરીને રિપ્લેસ કરશે

શશિધર જગદીશન

HDFC બૅંક (HDFC BANK)ના નવા CEO તરીકે શશીધર જગદીશન (Sashidhar Jagdishan)ની નિમણૂંક થશે છે જે આજના બિઝનેસ વિશ્વનાં સૌથી મોટા સમાચાર છે. શશીધર જગદીશને આ સાથે પૂર્વ CEO આદિત્ય પુરી (Aditya Puri)નુ સ્થાન લેશે. બિઝનેસ સ્ટાન્ડર્ડમાં આવેલા એક રિપોર્ટ અનુસાર લાંબા સમયથી HDFCનું સૂકાન સંભાળનારા આદિત્ય પુરીની જગ્યાએ હવે શશીધર જગદીશન આવશે.

જગદીશન, 55 વર્ષના છે તથા HDFC બૅંકમાં ચેન્જ એજન્ટ તથા ગ્રૂપ હેડ તરીકે કાર્યરત હતા અને આદિત્ય પુરી જ્યારે ઑક્ટોબરમાં નિવૃત્ત થશે ત્યારે તેમના સ્થાને શશીધર જગદીશન આવશે. આ પદ માટે ત્રણ ઉમેદવારો શોર્ટલિસ્ટ થયા હતા. રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા દ્વારા આ પસંદગી પર મંજૂરીની મહોર લાગવાની હતી અને તેમણે પણ શશીધરને યોગ્ય ઉમેદવાર ઠેરવ્યા. ગઇ કાલે રાત્રે જ જગદીશનનાં નામને મંજુરી અપાઇ છે તથા જલ્દી જ HDFC દ્વારા ઑફિશ્યલ જાહેરાત કરાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

જગદીશન 1996માં બૅંક સાથે જોડાયા અને ફાઇનાન્સ, હ્યુમન રિસોર્સ તથા અન્ય વિભાગોના વડા રહ્યા છે. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તથા ઇકોનોમિક્સ ઑફ મની ફાઇનાન્સ અને બૅંકિંગમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે.

અન્ય બે ઉમેદવારમાં HDFCના હોલેસલ બૅંકિગ ડિવીઝનનાં કૈઝાદ ભરુચા અને સિટીબૅંકના સુનિલ ગર્ગના નામ હતા. આદિત્ય પુરી સપ્ટેમ્બર 1994થી HDFCનું સુકાન સંભાળી રહ્યા હતા અને દેશમાં કોઇપણ પ્રાઇવેટ બેંકના વડા તરીકે આટલો લાંબો સમય સેવા આપનારા તે એક માત્ર વડા છે.

reserve bank of india business news