નાફેડનો તુવેરની ખરીદીનો લક્ષ્યાંક ચુકાશે : માત્ર ૧૨,૦૦૦ ટનની ખરીદી

29 June, 2022 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકારે બફર સ્ટૉક માટે ચાલુ વર્ષે કુલ ૪૨,૫૦૦ ટન ખરીદીનો લક્ષ્યાંક રાખ્યો હતો

નાફેડનો તુવેરની ખરીદીનો લક્ષ્યાંક ચુકાશે : માત્ર ૧૨,૦૦૦ ટનની ખરીદી

સરકાર ચાલુ વર્ષે તુવેરની ખરીદીનો લક્ષ્યાંક ચૂકી જાય એવી ધારણા છે. નૅશનલ ઍગ્રિકલ્ચરલ કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (નાફેડ) પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ સ્કીમ હેઠળ સપ્ટેમ્બરમાં પૂરા થતા વર્ષ માટે એના તુવેર ખરીદીના લક્ષ્યને ચૂકી જાય એવી શક્યતા છે, એમ એજન્સી સાથેના એક અધિકારીએ જણાવ્યું હતું. આનું કારણ સ્થાનિક બજારોમાં પુરવઠાની અછત છે અને કેટલાક પ્રદેશોમાં ખરીફ વાવણીની મોસમ શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ટેકાના ભાવની ખરીદીમાં ખાસ કોઈ ખરીદી ન થઈ હોવાથી ગઈ ૨૮ માર્ચથી નાફેડે આ સ્કીમ હેઠળ બફર સ્ટૉક કરવા માટે ખરીદી શરૂ કરી હતી, જે પણ ચુકાઈ જશે.
નાફેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન સ્કીમ હેઠળ તુવેરની ખરીદી હવે માંડ ૮થી ૧૦ દિવસ ચાલશે અને એજન્સીએ અત્યાર સુધીમાં ૧૨,૬૫૯ ટનની જ ખરીદી કરી છે જે સરકારે નક્કી કરેલા લક્ષ્યાંકના ૩૦ ટકા જેટલી માંડ થાય છે.
નાફેડે આ યોજના હેઠળ ચાલુ વર્ષ માટે કુલ ૪૨,૫૦૦ ટનની ખરીદીનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેમાં હાલમાં ગ્રાહક બાબતના મંત્રાલય પાસે પડેલા ૮૯,૪૩૦ ટનના બફર સ્ટૉકને વધારવા માટે છે.
એજન્સીએ અત્યાર સુધીમાં મધ્ય પ્રદેશમાં ૧૦,૪૦૦ ટન, ગુજરાતમાં ૧૩૨૯ ટન અને મહારાષ્ટ્રમાં ૯૨૯ ટન તુવેરની ખરીદી કરી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવાં રાજ્યોમાં ખેડૂતો તેમની ઉપજને ખુલ્લા બજારમાં વેચવાનું પસંદ કરે છે પરિણામે ત્યાં ખરીદી થઈ નથી. દક્ષિણ પશ્ચિમ ચોમાસું દેશના મોટા ભાગના ભાગોને આવરી લેતું હોવાથી ખેડૂતો તેમની બાકીની પેદાશો નાફેડને વેચવા કરતાં ૨૦૨૨-’૨૩ની ખરીફ સીઝન માટે તુવેરનું વાવેતર કરવાનું પસંદ કરી શકે છે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે પ્રાઇસ સપોર્ટ સ્કીમ-ટેકાના ભાવની યોજના હેઠળ તુવેરની ખરીદી ૧૫ ડિસેમ્બરે શરૂ થઈ હતી અને ૯૦ દિવસ પછી, નાફેડ માત્ર ૩૭,૦૪૭ ટન ખરીદી શક્યું હતું, જે બજારના વધતા ભાવને કારણે કુલ મંજૂર જથ્થાના ૫.૨ ટકા છે. પરિણામે ૨૮ માર્ચથી આ યોજના હેઠળ ખરીદી શરૂ કરવામાં આવી હતી.

business news