નાફેડે કાંદાની કુલ ૧.૪૦ લાખ ટનની ખરીદી કરી: ભાવમાં મજબૂતાઈ

29 July, 2021 01:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બફર સ્ટૉકનો બે લાખ ટનનો લક્ષ્યાંક પખવાડિયામાં પૂરો થવાનો અંદાજ

પ્રતીકાત્મક તસવીર

સરકારી એજન્સી નૅશનલ ઍગ્રીકલ્ચરલ કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (નાફેડ) બફર સ્ટૉક માટે કાંદાની ખરીદી કરી રહ્યું છે અને અત્યાર સુધીમાં કુલ ૧.૪૦ લાખ ટનની ખરીદી પૂર્ણ કરી હોવાનું નાફેડના એક અધિકારીએ જણાવ્યું હતું.

નાફેડ દ્વારા હાલ કુલ બે લાખ ટનના બફર સ્ટૉકના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે ગુજરાત અને નાશિકમાંથી ખરીદી શરૂ કરી હતી. નાફેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે આગામી પંદરેક દિવસમાં નાફેડ પોતાના લક્ષ્યાંક સુધી પહોંચી જાય એવી સંભાવના છે.

મહારાષ્ટ્રમાંથી નાફેડ મહારાષ્ટ્ર પુર્થશક્તિ ફાર્મપર પ્રોડ્યુસર કંપની અને મહા એફપીસીના માધ્યમથી ખરીદી કરી રહ્યું છે. નાફેડ ડાયરેક્ટ પણ ૧૦,૦૦૦ ટનની ખરીદી કરશે. આમ કુલ મળીને ૧.૫૦ લાખ ટનની ખરીદી ના‌શિકમાંથી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

નાફેડે ગત વર્ષે કુલ એક લાખ ટનની ખરીદી કરી હતી, જેમાંથી ૭૫,૦૦૦ ટન ખરીદી મહારાષ્ટ્રમાંથી થઈ હતી. આ વર્ષે આ લક્ષ્યાંક બમણો રાખવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રાઇસ સ્ટેબિલિટી ફંડમાંથી કાંદાની ખરીદી કરવામાં આવી રહી છે. ઑફ સીઝનમાં કાંદાના ભાવ સ્થિર રહે એ હેતુથી નાફેડ ખરીદી કરી રહ્યું છે અને જ્યારે ભાવ ઊંચકાશે ત્યારે નાફેડ દ્વારા કાંદાનું વેચાણ શરૂ કરવામાં આવશે.

નાશિકની લાસણગાંવ મંડીના સેક્રેટરી નરેન્દ્ર વાધવાનેએ જણાવ્યું હતું કે નાફેડ દ્વારા હાલ મંડીમાંથી દૈનિક ૭૦૦થી ૮૦૦ ટનની ખરીદી કરવામાં આવી રહી છે. ખેડૂતો સ્ટૉકમાં પડેલા માલમાંથી હવે થોડો-થોડો સ્ટૉક બજારમાં લાવી રહ્યા છે, કારણ કે તેને પણ બગાડ થવાનો ભય છે.

દેશમાં આગોતરા ખરીફ સીઝનની કાંદાની આવકો સપ્ટેમ્બર મહિનાથી શરૂ થશે અને ઑક્ટોબરથી આવકોમાં વધારો થશે. ચાલુ વર્ષે સરેરાશ ભાવ બહુ ન વધે એવી સંભાવના છે.

કાંદાના ભાવમાં હાલ ધીમી ગતિએ સુધારો થઈ રહ્યો છે. નાશિકમાં કાંદાના ભાવ ક્વિન્ટલના ૧૦૦૦થી ૨૦૦૦ રૂપિયા સુધીના બોલાય છે. ગુજરાતમાં મહુવા મંડીમાં કાંદાના ભાવ બુધવારે વધીને ઊંચામાં ૨૪૦૦ રૂપિયા પણ બોલાયા હતા. જોકે સરેરાશ સારી ક્વૉલિટીના ભાવ ૨૦૦૦ રૂપિયાની ઉપર ચાલી રહ્યા છે.

business news