મ્યાનમારના વેપારીઓ દ્વારા ભારતને તુવેર અને અડદના આયાત ક્વૉટા વધારવા માગણી

13 January, 2022 01:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મ્યાનમારમાં આ વર્ષે તુવેર અને અડદનું ઉત્પાદન વધુ થવાની અપેક્ષા છે.

પ્રતીકાત્મક તસવીર

મ્યાનમારમાં આ વર્ષે તુવેર અને અડદનું ઉત્પાદન વધુ થવાની અપેક્ષા છે. એથી મ્યાનમારના નિકાસકારોએ ભારત સરકારને વિનંતી કરી છે કે વાર્ષિક આયાત ક્વૉટામાં વધારો કરવામાં આવે.
ગયા વર્ષે ભારત કઠોળનો સૌથી મોટો ઉત્પાદક અને વપરાશકાર દેશ હતો. મ્યાનમારથી વાર્ષિક ૨.૫ લાખ ટન અડદ અને એક લાખ ટન તુવેરની આયાત કરવા માટે પાંચ વર્ષના કરાર થયા છે. મ્યાનમારના યાનગોન સ્થિત ઓવરસીઝ ઍગ્રો ટ્રેડ અસોસિએશને કહ્યું કે આ વર્ષે મ્યાનમારમાં તુવેરનું ઉત્પાદન બમણું વધીને ૨.૫ લાખ ટન અને અડદનું ઉત્પાદન આઠ ટકા વધીને ૬.૭૫ લાખ ટન થવાની અપેક્ષા છે. એથી અમે ભારત અને મ્યાનમાર સરકારને વિનંતી કરીએ છીએ કે તુવેર અને અડદના આયાત ક્વૉટાના કરારમાં ફેરફાર કરવામાં આવે.
અસોસિએશનના પ્રેસિડન્ટ વત્સલ લિલવાણીએ કહ્યું કે જો અડદનો ક્વૉટા વધારીને પાંચ લાખ ટન અને તુવેરનો વધારીને બે લાખ ટન નહીં થાય તો ખેડૂતો અન્ય પાકની ખેતી કરશે જેમાં કમાણી વધુ થાય. જો ભારતમાં કઠોળની માગ નોંધપાત્ર હોય અને તેમની પાસે માગ પૂરી કરવા પૂરતો સ્ટૉક ઉપલબ્ધ ન હોય તો મ્યાનમાર સૂચિત માગને પૂરી કરી શકશે.
ગ્રાહક બાબત વિભાગના અતિરિક્ત સચિવ નિધિ ખારેએ કહ્યું કે અડદ અને તુવેરના વિષયે મ્યાનમાર ભારતનો મહત્ત્વનો ભાગીદાર છે. આ બે દાળની કુલ આયાતમાં વર્ષ ૨૦૧૯માં મ્યાનમારનો ફાળો ૬૯ ટકા અને ૨૦૨૦-૨૧માં ૯૮ ટકા હતો. આયાત ઉપર એટલે નિર્ભર રહેવું પડે છે, કારણ કે સ્થાનિકમાં માગ સામે પુરવઠો ઓછો છે.
અસોસિએશનના સચિવ હિતેશ જૈને કહ્યું કે ભારત અડદની નીતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરે એની સીધી અસર મ્યાનમારના ખેડૂતો પર થતી હોય છે. આ વર્ષે અડદનું ઉત્પાદન ૫૦,૦૦૦ ટન વધુ થવાની અપેક્ષા છે, કારણ કે વાવણીમાં વધારો થયો છે.

business news