રિઝર્વ બૅન્કે યસ બૅન્કની લિક્વિડિટીની સહાય ત્રણ મહિના વધારી દીધી

24 June, 2020 02:31 PM IST  |  Mumbai | Mumbai Correspondent

રિઝર્વ બૅન્કે યસ બૅન્કની લિક્વિડિટીની સહાય ત્રણ મહિના વધારી દીધી

યસ બૅન્ક

માર્ચ મહિનામાં નબળી પડેલી યસ બૅન્કની સમસ્યાઓનો હજુ અંત નથી આવ્યો. બૅન્ક નબળી પડી રહી હતી ત્યારે ઝડપથી એમાંથી ડિપોઝિટનો ઉપાડ થઈ રહ્યો હતો. એવી આશા હતી કે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ જેવી બૅન્કો તેને બેઠી કરવા માટે કેન્દ્ર સરકારે બનાવેલી સ્કીમ અનુસાર રોકાણ કરશે તો બૅન્કમાંથી ડિપોઝિટનો ઉપાડ અટકી જશે, પણ એવું લાગી રહ્યું છે કે વાસ્તવિકતા એવી નથી. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ડિપોઝિટનો ઉપાડ અને યસ બૅન્કમાં જમા થઈ રહેલી રકમમાં નાણાભીડ માટે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની લિક્વિડિટીની મદદ કરી હતી અને આ મદદ વધુ ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે.

માર્ચ અને એપ્રિલમાં બૅન્કમાંથી ડિપોઝિટ ઉપડી રહી હતી એટલે મોરેટોરિયમ સમયે આપવામાં આવેલી આ મદદનો યસ બૅન્કે ઉપયોગ કર્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં બૅન્કની થાપણો ૨.૦૯ લાખ કરોડ રૂપિયા હતી જે ઘટીને ડિસેમ્બરમાં ૧.૬૫ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. માર્ચમાં તે વધુ ઘટી ૧.૦૫ લાખ કરોડ રૂપિયા થઈ હતી અને તા. ૨ મેના છેલ્લા આંકડા અનુસાર બૅન્ક પાસે હવે ૧.૦૨ લાખ કરોડ રૂપિયાની થાપણો હતી. એટલે કે લગભગ પાંચ મહિનાના ગાળામાં બૅન્કમાંથી ૧.૦૭ લાખ કરોડ રૂપિયાની થાપણનો ઉપાડ થઈ ગયો છે.

એવી ધારણા કરવામાં આવી રહી છે કે એક તરફ બૅન્કની નબળી લોનનું પ્રમાણ વધી રહ્યું છે અને તેની વસૂલાત અટકી પડી છે, બીજી તરફ ડિપોઝિટનો ઉપાડ પણ ચાલુ છે એટલે યસ બૅન્કની નાણાકીય હાલત તંગ છે અને તેના કારણે આ ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની લિક્વિડિટીની મદદની મુદ્દત લંબાવવામાં આવી છે.

દરમ્યાન ગત સપ્તાહે જ યસ બૅન્ક દ્વારા ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની રકમ નવા શૅર ઇશ્યુ કરી ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે બૅન્કની વધારાની મૂડી માટેના ટિયર ટુ બૉન્ડનું ક્રેડિટ રેટિંગ ઇકરાએ ઘટાડી નાખ્યું છે. રિઝર્વ બૅન્કે આ બૉન્ડના હોલ્ડરને વ્યાજ ચૂકવવાનો ઇનકાર કરી દીધો હોવાથી બૉન્ડનું ક્રેડિટ રેટિંગ ઘટાડવામાં આવ્યું છે.

માર્ચ મહિનામાં રિઝર્વ બૅન્કે મૂકેલા મોરેટોરિયમ બાદ પણ બૅન્કમાં જમા થયેલી રકમ (ફિક્સ ડિપોઝિટ કે બચત ખાતાની રકમ)નો ઉપાડ સતત ચાલુ રહ્યો છે. ૫૦,૦૦૦ રૂપિયાથી વધુના ઉપાડ ઉપરનો પ્રતિબંધ બૅન્કની પુનઃરચના બાદ હટાવી દેવામાં આવ્યો હતો, ત્યારે એવી દલીલ હતી કે આ નબળી બૅન્કમાં હવે લોકોને વિશ્વાસ રહેશે નહીં, પણ સરકાર અને રિઝર્વ બૅન્કે જણાવ્યું હતું કે મૅનેજમેન્ટ બદલી નાખવામાં આવ્યું છે, નવી મૂડી ઉમેરવામાં આવી છે એટલે લોકો વધુ રકમ જમાં કરાવશે.

reserve bank of india business news