મેક્રોટેક ડેવલપર્સના ફાઉન્ડર મંગલ લોઢા દેશના સૌથી અમીર બિલ્ડર બન્યા

10 December, 2019 11:02 AM IST  |  Mumbai

મેક્રોટેક ડેવલપર્સના ફાઉન્ડર મંગલ લોઢા દેશના સૌથી અમીર બિલ્ડર બન્યા

મંગલ પ્રભાત લોઢા

મેક્રોટેક ડેવલપર્સના ફાઉન્ડર મંગલ પ્રભાત લોઢા દેશના સૌથી અમીર રિયલ એસ્ટેટ ડેવલપર છે. લોઢા પરિવારની નેટવર્થ ૩૧,૯૩૦ કરોડ રૂપિયા છે. દેશના ૧૦૦ સૌથી અમીર ડેવલપર્સના ગ્રોહે હુરુન ઇન્ડિયા રિયલ એસ્ટેટ રિચ લિસ્ટ ૨૦૧૯માં લોઢા પરિવાર પ્રથમ નંબર પર છે. અગાઉનાં બે વર્ષમાં પણ પરિવાર ટૉપ પર હતો. ડીએલએફના વાઇસ ચૅરમૅન રાજીવ સિંહ ૨૫,૦૮૦ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે બીજા નંબર પર છે. તેમના રૅન્કિંગમાં એક ક્રમનો સુધારો થયો છે. ત્રીજા નંબર પર બૅન્ગલોરના એમ્બેસી ગ્રુપના ચૅરમૅન અને એમડી જિતેન્દ્ર વિરવાની છે. તેમની નેટવર્થ ૨૪,૭૫૦ કરોડ રૂપિયા છે.

રિયલ એસ્ટેટ સેક્ટરમાં દેશના ૧૦૦ મોટા કારોબારીઓની કુલ નેટવર્થ ૨.૭૭ લાખ કરોડ રૂપિયા છે. રિયલ એસ્ટેટ રિચ લિસ્ટમાં આ વર્ષે ત્રણ શહેરો મુંબઈ, દિલ્હી અને બૅન્ગલોરના ડેવલપરનો ૭૫ ટકા હિસ્સો છે. ૫૯ ટકા કારોબારી પ્રથમ પેઢીના છે. આ વર્ષે ૬ રિયલ એસ્ટેટ કંપનીઓનું વેચાણ ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધુ અને ૨૦ કંપનીઓનું ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રહ્યું. લોઢા પરિવારના મેક્રોટેક ડેવલપર્સના ૩૧ માર્ચ સુધી ૪૦ પ્રોજેક્ટ ચાલી રહ્યા હતા.

મંગલ પ્રભાત લોઢા બીજેપીના મુંબઈ યુનિટના અધ્યક્ષ પણ છે. લોઢા પરિવારની નેટવર્થ છેલ્લા એક વર્ષમાં ૧૮ ટકા વધી. તેમની નેટવર્થ બાકીના ૯૯ લોકોની કુલ નેટવર્થના ૧૨ ટકા બરાબર છે. બીજા રૅન્કિંગવાળા રાજીવ સિંહની નેટવર્થ છેલ્લા એક વર્ષમાં ૪૨ ટકા વધી.

business news