એમપીઆઇડી કાયદો એનએસઈએલને લાગુ નથી પડતોઃ મુંબઈ હાઈ કોર્ટનો ચુકાદો

23 August, 2019 09:20 AM IST  |  મુંબઈ

એમપીઆઇડી કાયદો એનએસઈએલને લાગુ નથી પડતોઃ મુંબઈ હાઈ કોર્ટનો ચુકાદો

મુંબઈ હાઈકોર્ટ

નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ)ના કેસમાં મુંબઈ હાઈ કોર્ટે ગઈ કાલે ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીઝનો વિજય થાય એવો ચુકાદો આપ્યો હતો. તેણે કહ્યું હતું કે એનએસઈએલને મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઑફ ઇન્ટરેસ્ટ્સ ઑફ ડિપોઝિટર્સ (એમપીઆઇડી) કાયદો લાગુ પડતો નથી, કારણ કે એનએસઈએલને આ કાયદાની વ્યાખ્યા પ્રમાણેની ફાઇનૅન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ કહી શકાય નહીં. આની પહેલાં ગયા એપ્રિલમાં સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો હતો કે એનએસઈએલનું ૬૩ મૂન્સ સાથે મર્જર કરી શકાય નહીં.
એનએસઈએલનો સંપૂર્ણ કેસ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ એમપીઆઇડી લાગુ કરીને ઊભો કરેલો છે. સ્થાપક કંપની ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીઝ (જૂનું નામ ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીઝ ઇન્ડિયા લિમિટેડ - એફટીઆઇલ)ની એમપીઆઇડી હેઠળ ટાંચમાં લેવાયેલી બધી જ સંપત્તિઓ મુંબઈ વડી અદાલતના ચુકાદાને પગલે મુક્ત થઈ ગઈ છે.
એનએસઈએલે રોકાણકારો પાસેથી ડિપોઝિટ લીધી અને એ પાછી કરી નહીં અને એથી તેને એમપીઆઇડી લાગુ પડે છે એવું વલણ આર્થિક ગુના શાખાએ અપનાવ્યું હતું. એને પગલે સરકારે સ્થાપક કંપની તથા પ્રમોટરની મિલકત જપ્ત કરવા માટેનાં જાહેરનામાં બહાર પાડ્યાં હતાં. વડી અદાલતનાં ન્યાયમૂર્તિ રણજિત મોરે અને ન્યાયમૂર્તિ ભારતી ડાંગ્રેની બેન્ચે આપેલા ચુકાદા મુજબ એનએસઈએલ ફાઇનૅન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ નહીં, પણ કૉમોડિટીના હાજર વેપાર માટેનું એક્સચેન્જ હતું. આમ, ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીઝની વિરુદ્ધ એમપીઆઇડી કાયદા હેઠળ કાર્યવાહી કરી શકાય નહીં. મહારાષ્ટ્ર સરકારના વકીલ રફીક દાદાએ ચુકાદો આવ્યા બાદ તરત જ અરજી કરી હતી કે એના પર સ્ટે આપવામાં આવે. અરજદાર ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીઝના ધારાશાસ્ત્રી મુકુલ રોહતગી અને નવરોઝ સીરવાઈએ એનો વિરોધ કરતાં કહ્યું હતું કે એનએસઈએલ ફાઇનૅન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ છે એવા મુદ્દાના આધારે લેવાયેલાં પગલાંને કારણે પહેલેથી જ પ્રમોટરને ઘણું નુકસાન થઈ ચૂક્યું છે અને હવે વધુ નુકસાન અયોગ્ય કહેવાય. આ દલીલને ન્યાયમૂર્તિએ સ્વીકારીને સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.
૬૩ મૂન્સ ટેક્નૉલૉજીઝનો પ્રતિભાવ
મુંબઈ વડી અદાલતે એનએસઈએલ કેસમાં આપેલા ચુકાદા સંબંધે ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીઝના ચૅરમૅન ઇમેરિટસ જિજ્ઞેશ શાહે કહ્યું છે કે ‘હાલમાં સત્ય જીતી રહ્યું છે અને તમામ પ્રકારનાં જુઠ્ઠાણાં પકડાઈ રહ્યાં છે એવા સમયે આ નિર્ણય ઈશ્વરીય સંકેત છે. આજથી પાંચ વર્ષ પહેલાં આ જ દિવસે આ જ અદાલતે મારી મુક્તિનો આદેશ આપ્યો હતો અને ગઈ કાલે (૨૨ ઑગસ્ટે) મેં સ્થાપેલી કંપનીને આર્થિક મુક્તિ મળી છે. આ દિવસ વધુ નોંધનીય બન્યો છે, કારણ કે એનએસઈએલ અને એફટીઆઇએલનું પરાણે મર્જર કરાવવા માટેનું રાજકીય કાવતરું ઘડનાર વ્યક્તિને પણ કર્યાનું ફળ મળ્યું છે. મેં અને ૬૩ મૂન્સે પહેલા જ દિવસથી ભારતીય ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને તમામ તપાસનીશ એજન્સીઓ અને અદાલતોનું પાલન કર્યું છે અને કરતા રહીશું. હું ફરી એક વાર કહેવા માગું છું કે સત્યનો વિજય થાય છે.’
કંપનીના નૉન એક્ઝિક્યુટિવ ચૅરમૅન વેંકટ ચારીએ કહ્યું હતું કે ‘આ કેસમાં એમપીઆઇડી કાયદો લાગુ પડતો નથી એવું અમે પહેલા જ દિવસથી કહેતા હતા. અદાલતે અમારા વલણને સાચું ઠેરવ્યું છે. આજે દેશના ન્યાયતંત્રમાંની અમારી શ્રદ્ધા ફરી અકબંધ રહી છે.’
૬૩ મૂન્સના મૅનેજિંગ ડિરેક્ટર એસ. રાજેન્દ્રને કહ્યું હતું કે ‘સ્થાપિત હિતોએ અમારાં બધાં બૅન્ક-ખાતાં શિથિલ કરાવીને હાલનો બિઝનેસ ઠપ કરાવવા માટે બધા પ્રયાસો કર્યા હતા. છેવટે, ન્યાયતંત્રે સત્યને સમર્થન આપ્યું છે.’

mumbai high court business news