ફૉરેન પૉલિસીની ટોચની વૈશ્વિક વિચારકોની સૂચિમાં મુકેશ અંબાણી

17 January, 2019 08:51 AM IST  | 

ફૉરેન પૉલિસીની ટોચની વૈશ્વિક વિચારકોની સૂચિમાં મુકેશ અંબાણી

મુકેશ અંબાણી

દેશની સૌથી વધુ ધનવાન વ્યક્તિ-ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ‘ફૉરેન પૉલિસી’ નામના પ્રતિષ્ઠિત પ્રકાશને પ્રકાશિત કરેલી યાદી મુજબ ૨૦૧૯ના ટોચના વૈશ્વિક વિચારકોમાં સ્થાન મળ્યું છે. આ યાદીના અન્ય મહાનુભાવોમાં અલીબાબા કંપનીના સ્થાપક જેક મા, ઍમેઝૉનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર જેફ બેઝોસ અને ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડનાં વડાં ક્રિસ્ટિન લૅગાર્ડનો સમાવેશ છે.

આ પ્રકાશને પોતાની વેબસાઇટ પર 2019ની યાદીમાંનાં કેટલાંક નામની જાહેરાત કરી છે. બધાં નામ સાથેની યાદી બાવીસ જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે.

મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર છે. તેમની સંપત્તિનું મૂલ્ય 44.3 અબજ ડૉલર છે. તેઓ 2018માં જેક માને પાછળ રાખીને એશિયાની સૌથી વધુ ધનવાન વ્યક્તિ બન્યા હતા.

ઉક્ત પ્રકાશને કહ્યું છે કે અંબાણીએ જીઓ લૉન્ચ કર્યાના છ મહિનામાં 10 કરોડ ગ્રાહકો મેળવી લીધા હતા. આ રીતે તેમણે વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં સ્માર્ટફોન ઇન્ટરનેટ ક્રાન્તિ લાવી છે. હવે તેઓ કન્ટેન્ટ અને લાઇફ-સ્ટાઇલ પ્રોડક્ટ્સ વેચીને ભારતમાં ડિજિટલ ક્રાન્તિ લાવવા માગે છે.

આ પણ વાંચો : RBI ગવર્નર શક્તિકાંત દાસ આજે વેપાર-ઉદ્યોગનાં અસોસિએશન્સને મળશે

ફૉરેન પૉલિસીનું આ દસમું વર્ષ હોવાથી એણે વૈશ્વિક વિચારકોની યાદીને દસ શ્રેણીમાં પ્રકાશિત કરવાનું નક્કી કર્યું છે. મુકેશ અંબાણી ટેક્નૉલૉજી ક્ષેત્રના વિચારકની યાદીમાં ટોચ પર છે.

mukesh ambani