દેશમાં ચણાની એમએસપી ખરીદી ૧૫ લાખ ટનને પાર પહોંચી ગઈ

12 May, 2022 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશમાં સૌથી વધુ એમએસપીથી ખરીદી મહારાષ્ટ્રમાંથી પાંચ લાખ ટનની ઉપર પહોંચી

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ચણાની એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ) ટેકાના ભાવથી ખરીદી ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૧૫ લાખ ટનને પાર પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતાં ખુલ્લા બજારમાં નીચા ભાવ ચાલતા હોવાથી ખેડૂતોની પહેલી પસંદગી સરકારી એજન્સીઓ રહી છે. ચાલુ વર્ષે ચણાની સૌથી વધુ ખરીદી સરકારી એજન્સીઓ મહારાષ્ટ્રમાંથી કરી છે, જ્યારે બીજા નંબરે ગુજરાતનો સમાવેશ થાય છે.

સરકારી એજન્સી નાફેડનાં સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે દેશમાં નવમી મે સુધીની સરકારી ખરીદી કુલ ૧૫.૧૦ લાખ ટને પહોંચી છે, જેમાં સૌથી વધુ ખરીદી મહારાષ્ટ્રમાંથી થઈ છે. મહારાષ્ટ્રમાંથી નાફેડ દ્વારા કુલ ૪.૬૦ લાખ ટન અને એફસીઆઇ દ્વારા ૪૮,૨૮૫ ટનની ખરીદી કરવામાં આવી છે. આમ કુલ મળીને ૫.૦૫ લાખ ટનની ખરીદી થઈ છે.

ગુજરાતમાંથી નાફેડ વતી રાજ્યની સહકારી સંસ્થા ગુજકોમાસોલ દ્વારા ખરીદી થાય છે અને ગુજકોમાસોલે કુલ ૪.૭૧ લાખ ટનની ખરીદી કરી છે. ગુજરાતમાં કેન્દ્ર સરકારે કુલ ૫.૩૬ લાખ ટનની મંજૂરી આપી છે, જે અગાઉ ૪.૬૫ લાખ ટનની મંજૂરી આપી હતી. આમ ગુજરાતમાં ચણાની ખરીદી હજી પણ ચાલુ રહેશે. જોકે રાજ્ય સરકારે ૨૯ મે સુધી ચણાની ખરીદી ચાલુ રાખવાની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી, પરંતુ લક્ષ્યાંક એ પહેલાં પૂર્ણ થાય તો ખરીદી વહેલી પૂર્ણ થઈ શકે છે.

નાફેડે મધ્ય પ્રદેશમાંથી કુલ ૩.૨૫ લાખ ટન, રાજસ્થાનમાંથી ૭૫,૦૦૦ ટન, કર્ણાટકમાંથી ૭૨,૨૫૩ ટનની ખરીદી કરી છે, જ્યારે આંધ્ર પ્રદેશમાંથી ૫૪,૫૬૬ ટન અને ઉત્તર પ્રદેશમાંથી સૌથી ઓછી ૩૭૯૭ ટનની ખરીદી કરી છે.  

કેન્દ્ર સરકારે ચણાના ટેકાના ભાવ આ વર્ષે ૫૨૩૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યા છે, જેની તુલનાએ ખુલ્લા બજારમાં ચણાના ભાવ ૪૫૦૦થી ૪૮૦૦ રૂપિયા વચ્ચે પ્રતિ ટન ચાલી રહ્યા છે, જેને પગલે સરેરાશ ચણાની બજારમાં સરકારી ખરીદીનો આ વર્ષે દબદબો રહ્યો છે. આગામી દિવસોમાં સરકારની ખરીદી જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી ખેડૂતો માલ આપતા રહે એવી ધારણા છે.

business news