વધુ ને વધુ ભારતીયો અર્થતંત્ર સુધરી રહ્યું હોવાની આશા ધરાવે છે

20 November, 2020 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વધુ ને વધુ ભારતીયો અર્થતંત્ર સુધરી રહ્યું હોવાની આશા ધરાવે છે

પ્રતીકાત્મક તસવીર

કોરોનાની મહામારી, લૉકડાઉન અને એના પછીના ઉદાસ આર્થિક ચિતારમાંથી ભારતીય અર્થતંત્ર બહાર આવી રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે. દિવાળીના તહેવારો દરમિયાન વાહનો, સોનું, ઘરેણાં અને અન્ય વેચાણના આંકડાઓ બાદ એક સર્વેમાં બહાર આવ્યું છે કે ૭૭ ટકા ભારતીયો એવું માને છે કે અર્થતંત્ર અને વ્યવસાયમાં ઝડપી સુધારો જોવા મળી રહ્યો છે. 

ઑનલાઇન બિઝનેસ અને વેપારીઓને ધિરાણ આપતી કંપની ઇન્ડિયાલેન્ડ્સના સર્વે અનુસાર ૭૭ ટકા ભારતીયો અર્થતંત્રમાં સુધારો થવાની અને વ્યવસાયો ફરી બેઠા થવાની આશા ધરાવે છે તથા ૨૭ ટકા ભારતીયોનું માનવું છે કે આગામી ત્રણ મહિનામાં અર્થતંત્રની ગાડી ફરી પાટે ચઢી જશે. આ સર્વે તહેવારની સીઝન દરમિયાન દેશનો હાલનો મૂડ જાણવા માટે હાથ ધરવામાં આવ્યો હતો.

આ સર્વે પગારદાર અને સેલ્ફ એમ્પ્લૉઇડ ૧૭૦૦ જેટલી વ્યક્તિઓને આધારિત છે. સર્વેમાં સામેલ થયેલા ૨૨ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમને આગામી ત્રણથી છ મહિનામાં અર્થતંત્રમાં સુધારો થવાની અપેક્ષા છે, જ્યારે ૨૮ ટકા લોકો માનતા હતા કે અર્થતંત્રમાં સુધારો થવામાં છ મહિનાથી એક વર્ષ લાગી શકે છે, જે લોકો હજી પણ રોગચાળાથી ભયભીત હોવાનો સંકેત આપે છે.

સર્વેમાં ૭૧ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ આગામી ત્રણથી છ મહિનાની અંદર પર્સનલ લોન લેવાની યોજના ધરાવે છે. તેમણે પર્સનલ લોન માટે મુખ્યત્વે ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર, બિઝનેસ સ્ટાર્ટઅપ્સ, ઘરગથ્થું ઉપકરણો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ઘરનું રિનોવેશન કરાવવા નાણાકીય જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. 

business news indian economy