ક્રેડિટ રેટિંગમાં ઘટાડા પછી હવે મૂડીઝે ભારતનો આર્થિક વૃદ્ધિદર ઘટાડ્યો

15 November, 2019 11:39 AM IST  |  Mumbai

ક્રેડિટ રેટિંગમાં ઘટાડા પછી હવે મૂડીઝે ભારતનો આર્થિક વૃદ્ધિદર ઘટાડ્યો

મૂડીઝ

ગયા સપ્તાહે ભારતનું ક્રેડિટ રેટિંગ ઘટાડ્યા બાદ વિશ્વનીઅગ્રણી એજન્સી મૂડીઝે ભારતનો ૨૦૧૯-’૨૦નો આર્થિક વિકાસદર ઘટાડીને ૫.૬ ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી છે. મૂડીઝે જણાવ્યું હતું કે ભારતમાં આર્થિક પ્રવૃત્તિમાં જોવા મળી રહેલી મંદી ધારણા કરતાં વધારે લાંબો સમય ચાલી શકે એવું લાગી રહ્યું છે. 

મૂડીઝે જણાવ્યું હતું કે ૨૦૧૮માં ભારતનો આર્થિક વિકાસદર ૭.૪ ટકા હતો એની સામે ૨૦૧૯માં ઘટીને ૫.૬ ટકા રહે એવી શક્યતા છે. અગાઉ મૂડીઝે ભારતનો આર્થિક વિકાસદર ૨૦૧૯માં ૫.૮ ટકા રહે એવો અંદાજ મૂક્યો હતો. જોકે સંસ્થાએ જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં વૃદ્ધિ વધી શકે છે. ૨૦૨૦માં એ વધીને ૬.૬ ટકા અને ૨૦૨૧માં ૬.૭ ટકા રહે એવી શક્યતા વ્યક્ત કરી છે.
ભારતનો આર્થિક વિકાસદર મધ્ય ૨૦૧૮થી ધીમો પડી રહ્યો છે અને બેરોજગારી પણ વધી છે. આ અગાઉ ભારતમાં મૂડીરોકાણ ઘટી રહ્યું હતું, પરંતુ દેશની પ્રજાની ખરીદીને કારણે આર્થિક વિકાસ જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે વપરાશ પણ ઘટી રહ્યો છે, એમ મૂડીઝે જણાવ્યું હતું.

ગયા સપ્તાહે વિશ્વની અગ્રણી ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના આર્થિક ભાવિનો અંદાજ ઘટાડીને નકારાત્મક કરવાની જાહેરાત કરી હતી. એજન્સીની જાહેરાત ભારતનો આર્થિક વિકાસ નબળો પડી રહ્યો છે. એ લાંબો સમય નબળો રહેશે અને કેન્દ્ર સરકારનું દેવું વધશે એવી ગણતરીને આધારિત હતી.

મૂડીઝના અંદાજ અનુસાર કેન્દ્ર સરકારની નાણાખાધ વધીને ૩.૭ ટકા રહેવાની ધારણા છે જે બજેટના ૩.૩ ટકાના અંદાજ કરતાં વધારે છે. વિકાસ ઘટી રહ્યો છે અને કેન્દ્ર સરકારે કરમાં રાહત આપી હોવાથી ખાધ વધશે એવી ધારણા મૂડીઝે મૂકી છે. ભારતના વિદેશી ચલણનું ક્રેડિટ રેટિંગ હજી પણ BAA2 રાખવામાં આવ્યું છે જે મૂડીરોકાણની સલાહમાં સૌથી નબળામાં બીજું આવે છે.
મૂડીઝે જણાવ્યું હતું કે ભારતમાં આર્થિક વિકાસ ૮ ટકા કે એથી વધારે રહે એવી કોઈ શક્યતા અત્યારે જણાતી નથી. ભારતમાં આર્થિક વિકાસદર નૉન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ નબળી પડી રહી હોવાથી રીટેલ બિઝનેસ, ઑટો ક્ષેત્ર, મકાનોના વેચાણ અને અન્ય ભારે ઉદ્યોગો સુધી વિસ્તરી રહ્યું છે. ભારતનો આર્થિક વિકાસદર ૬ વર્ષના તળિયે પાંચ ટકા પહોંચી ગયો છે.

business news