અમેરિકામાં મની સપ્લાય ગ્રોથ ૬૦ વરસના તળિયે : રૂપિયામાં સ્થિરતા

01 May, 2023 12:58 PM IST  |  Mumbai | Biren Vakil

ફેડની બેઠક પર બજારની મીટ : આર્જેન્ટિના પેસો પર અવમૂલ્યનનો ખતરો

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

અમેરિકામાં મની સપ્લાય ગ્રોથ માઇનસ ૪ થઈને ૬૦ વરસના તળિયે પહોંચી ગયો છે. વ્યાજદરો એક વરસમાં શૂન્યથી પાંચ ટકા સુધી પહોંચી ગયા એની પાછોતરી અસરો હવે દેખાઈ રહી છે. પૈસા મોંઘા પણ થયા અને લિક્વિડિટી પણ ડ્રાય થઈ ગઈ છે. બૅન્કોના ક્રેડિટ સ્પ્રેડ નેરો થઈ જતાં એમની નફાકારતા ઘટી છે. પ્રાદેશિક બૅન્કોને ફન્ડિંગની તકલીફ વધી છે. કમર્શિયલ પ્રૉપર્ટીમાં લોન ડિફૉલ્ટ દેખાવા લાગ્યા છે. અમેરિકાની દેવાની લિમિટ ૩૪.૧ ટ્રિલ્યન ડૉલર તો જાન્યુઆરીમાં જ ક્રૉસ થઈ ગઈ હતી. હાલમાં સ્પેશ્યલ અકાઉન્ટિંગ વડે ફન્ડિંગ ચાલે છે. લિમિટ વધારવા હાઉસ સ્પિકર કેવિન મેકાર્થી ભવિષ્યમાં ખર્ચમાં કાપ મૂકવાની આકરી શરતો મૂકી રહ્યા છે. બુધવારે ફેડની વ્યાજદરની મીટિંગ છે, ફેડને કમને પણ પા ટકા વ્યાજદર તો વધારવો પડશે, પણ ફેડ માટે પાછળ ખાઈ, આગળ ખીણ જેવી હાલત છે. હવેનો વ્યાજદર વધારો ઊંટની પીઠ પર છેલ્લા તણખલા જેવો થવાનો છે. ફેડને ચિંતા એ છે કે ફુગાવાને ડામવામાં ક્યાક વિકાસનો ભોગ ન લેવાઈ જાય. ખેર, બુધવારે ફેડ ચૅરમૅનને સાંભળવા બજારો આતુર છે.

દરમ્યાન એશિયામાં જપાની યેનની મંદી અને ચીનની કમજોર અને ઇનઇવન રિકવરી ચિંતાનો વિષય છે. બૅન્ક ઑફ જપાને નાણાનીતિ સૉફ્ટ રહેવાના સંકેત આપતાં યેન યુરોની સામે ૧૫ વરસની નીચી સપાટીએ પહોંચ્યો છે. જપાનમાં છ વરસ પછી એક હોટેલ કંપની બોન્ડમાં ડિફૉલ્ટ થઈ છે. ચીનમાં પણ પ્રૉપર્ટી સેક્ટર હજી ફન્ડિંગ સ્ટ્રેસ અનુભવે છે. પીએમઆઇ ડેટા કૉન્ટ્રૅક્શન બતાવે છે. ભારતમાં પણ એક જમાનાની મોટી ઇન્ફ્રા કંપની બોન્ડ પેમેન્ટમાં ડિફૉલ્ટ થઈ છે. એશિયામાં ઘણાં અર્થતંત્રોમાં પ્રૉપર્ટી બબલ ચિંતાનો વિષય બન્યા છે. અમેરિકામાં રિજિયોનલ બૅન્કોની ફન્ડિંગ ક્રાઇસિસ મોટી બૅન્કો સુધી ન પહોંચે તો સારું.

ઘરઆંગણે રૂપિયામાં અન્ડરટોન પૉઝિટિવ છે. રૂપિયો ૮૨.૪૦થી સુધરીને ૮૧.૭૦ થયો છે. શૅરબજારમાં શાનદાર રિકવરી છે. બૅન્કિંગ, ઑટો, એફએમસીજી, ઇન્ફ્રા જેવા સાઇક્લિકલ સેક્ટર ગ્રોથ મેમેન્ટ્મ સારું હોવાનું સૂચવે છે. સ્થાનિક બજારોમાં મૂડ અપબીટ છે. સ્ટેગફ્લેશન, ગ્લોબલ ક્રેડિટ સ્કિવ્ઝ જેવા મેક્રો રિસ્ક હાલ પૂરતું બજાર અવગણી રહ્યું છે. બજારો કદાચ બૅન્કોથી બે કદમ આગળ ચાલી રહ્યાં છે. સ્ટેગફ્લેશન અને મોંઘવારી કાબૂમાં આવવાની આશા વચ્ચે વર્ષના ઉત્તરાર્ધમાં વ્યાજદરો ઘટશે એવો બજારોને ભરોસો છે. રૂપિયા માટે હાલમાં સારા ચોમાસાનો આશાવાદ, મોંઘવારીમાં ઘટાડો અને ક્રૂડ, ગૅસ, તેલ-અનાજ જેવી કૉમોડિટીઝની મંદી રાહતના સમાચારો છે. રૂપિયો ૮૩.૩૦નું વચગાળાનું ટૉપ બનાવીને થોડા સમયથી ૮૧.૮૦-૮૨.૬૦ વચ્ચે મર્યાદિત રેન્જમાં છે. નજીકના સપોર્ટ ૮૧.૬૦, ૮૧.૨૦ અને રેઝિસ્ટન્સ ૮૨.૨૦, ૮૨.૪૮, ૮૨.૭૧ ગણાય. યુરો-પાઉન્ડની ઇન્ક્લુઝિવ તેજી અને ડૉલરની બ્રૉડ નરમાઈ જોતાં રૂપિયા માટે હાલ બ્રૉડ રેન્જ ૮૦.૮૦-૮૨.૮૫ જેવી વાઇડ છે. 

યુરો ઝોનમાં યુરો અને પાઉન્ડમાં ધીમી પણ સંગીન તેજી છે. અમેરિકામાં ફન્ડિંગ માર્કેટનો તનાવ, ડેબ્ટ લિમિટની ખેંચતાણનો લાભ યુરોને મળ્યો છે. યુરોની રેન્જ ૧.૦૮-૧.૧૨ છે. રૂપિયા સામે યુરોમાં શાનદાર તેજી થઈ છે. ૭૭થી વધીને યુરો ૯૦.૫૦ થયો છે. યુરોમાં ઇમ્પોર્ટ હોય તો મહત્તમ હેજ હિતાવહ છે. વધ-ઘટે ડૉલર-યુરો ૧.૧૩-૧.૧૪ અને રૂપિયા સામે ૯૨.૫૦-૯૩ થઈ શકે. પાઉન્ડમાં તેજી થાક ખાય છે. ડૉલર-પાઉન્ડની રેન્જ ૧.૨૩-૧.૨૭ દેખાય છે. રૂપી-પાઉન્ડની રેન્જ ૧૦૦-૧૦૩ છે. તેજી થાક ખાય છે. યેનમાં વરસના આરંભે શાનદાર તેજી હતી, પણ ગયા સપ્તાહે યેન ઘણો નબળો પડ્યો છે. યેન ડૉલર સામે ૧૩૧થી ઘટીને ૧૩૬ થયો છે. રૂપિયા સામે યેન ૦.૬૩થી ઘટીને ૦.૬૦ થયો છે.

ઇમર્જિંગ એશિયામાં એકંદરે કરન્સી રેન્જબાઉન્ડ રહી છે. લેટિન અમેરિકામાં આર્જેન્ટિનામાં ફુગાવો બેકાબૂ બન્યો છે. પેસોનું અવમૂલ્યન અનિવાર્ય બની ગયું છે. પેસો ઝિમ્બાબ્વે, વેનેઝુએલાની જેમ ફુગાવાના વિષચક્રમાં ફસાયો છે. હાલમાં પેસોનો સત્તાવાર દર એક ડૉલરના ૨૦૦ પેસો છે પણ બ્લુ ડૉલર તરીકે ઓળખાતો બ્લૅક માર્કેટ રેટ ૫૦૦ પેસો છે. આર્જેન્ટિનામાં તોતિંગ
કરન્સી ડિવૅલ્યુએશન તોળાય છે. બુધવારે ફેડ અને ગુરુવારે ઈસીબીની બેઠક હાલના સંજોગોમાં ઘણી જ મહત્ત્વની છે.

business news indian rupee