રૂના ઊંચા ભાવને પગલે નિકાસ પર પ્રતિબંધ મૂકવા મિલોની માગણી

11 January, 2022 04:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તિરુપુર એક્સપોર્ટર્સ અસોસિએશને સરકારને પત્ર લખીને રજૂઆત કરી

પ્રતીકાત્મક તસવીર

રૂ અને કૉટન યાર્નના અસાધારણ ભાવવધારાને ધ્યાનમાં રાખીને તિરુપુર એક્સપોર્ટર્સ અસોસિએશને (TEA) રૂની નિકાસ પર પ્રતિબંધ મૂકવ માટે માગણી કરી છે. તેમણે એક પત્રમાં જણાવ્યું હતું કે ભારત સરકારે રૂની નિકાસ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ ઉદ્યોગ દ્વારા અગાઉ રૂની ૧૧ ટકા આયાત ડ્યુટી દૂર કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં વિશ્વ બજારની તુલનાએ ભારતીય રૂના ભાવ ઊંચા છે.
અસોસિએશનના પ્રમુખ રાજા એમ. શનમુગમે જણાવ્યું હતું કે ‘ભારતમાંથી રૂ અને કૉટન યાર્નની નિકાસમાં થયેલો વધારો અમારા સ્પર્ધકોને ફાયદો પહોંચાડી રહ્યો છે. ગૂંથણકામનાં વસ્ત્રોની નિકાસમાં ભારતનો હિસ્સો માત્ર ૪ ટકા છે, જ્યારે ચીનનો ૩૯ ટકા, વિયેતનામનો ૧૩ ટકા અને બંગલાદેશનો હિસ્સો ૧૪ ટકા છે. સરકારે રૂની નિકાસ પર પ્રતિબંધ મૂકવો જોઈએ જેથી સ્થાનિક ઉદ્યોગો આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરી શકે અને ભારતને મૂલ્યવર્ધનનો લાભ મળી શકે. જો જરૂરી હોય તો ટેકાના ભાવ વધારીને કે વધુ ખરીદી કરીને ખેડૂતોના હિતનું રક્ષણ કરી શકે છે.’
આ મુદ્દો સરકાર સમક્ષ પણ ઉઠાવવામાં આવ્યો છે. કાપડ ઉદ્યોગના પ્રતિનિધિઓએ કાપડ પ્રધાન પીયૂષ ગોયલને એક મેમોરેન્ડમ સુપરત કરીને સરકારના હસ્તક્ષેપની વિનંતી કરી છે. ત્યાર બાદ, ટેક્સટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંહે વર્ચ્યુઅલ મીટિંગ કરી અને ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી. શનમુગમ કહે છે કે ઉદ્યોગની સમસ્યાઓ સરકારી અધિકારીઓને સમજાવવામાં આવી છે અને સિંહે પ્રશ્નનો ઝડપથી ઉકેલ લાવવાની ખાતરી પણ આપી છે.

business news