સ્થાનિક ફન્ડસની આઠમા દિવસે પણ વેચવાલીથી શૅરબજારમાં તેજીને બ્રેક

13 August, 2020 01:21 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

સ્થાનિક ફન્ડસની આઠમા દિવસે પણ વેચવાલીથી શૅરબજારમાં તેજીને બ્રેક

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક બજારમાં તેજી હોવા છતાં ખાનગી બૅન્કો, મેટલ્સ અને ફાર્મા કંપનીઓમાં જોવા મળેલા પ્રોફિટ બુકિંગના કારણે શૅરબજારમાં ગઈ કાલે થોડો ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે છ દિવસમાં ૩.૯૬ ટકાની તેજીને પણ બ્રેક લાગી હતી. ગઈ કાલે બજારમાં એક સમયે ભારે વેચવાલીનો માહોલ હતો પણ સરકારી બૅન્કોમાં જોવા મળેલી ખરીદીના લીધે શૅરબજાર ઘટ્યા મથાળેથી ઉપર બંધ આવ્યાં હતાં. ગઈ કાલે આઠમા દિવસે પણ સ્થાનિક ફન્ડસની વેચવાલી હોવાથી બજારમાં દબાણ જોવા મળ્યું હતું. સ્થાનિક ફન્ડસની ૯૪૦ કરોડ રૂપિયાની વેચવાલી હતી અને સ્થાનિક ફન્ડસની ખરીદી ૩૧૫ કરોડ રૂપિયાની હતી.
ગઈ કાલે સેન્સેક્સ ૩૭.૩૮ પૉઇન્ટ કે ૦.૧૦ ટકા ઘટી ૩૮૩૬૯.૬૩ અને નિફ્ટી ૧૪.૧૦ પૉઇન્ટ કે ૦.૧૨ ટકા ઘટી ૧૧૩૦૮.૪૦ની સપાટીએ બંધ આવ્યા હતા. જોકે બજારમાં ગઈ કાલે એક તબક્કે જોવા મળેલી તીવ્ર વેચવાલી અને નીચા ઇન્ડેક્સ કરતાં બજારમાં સારી રિકવરી પણ જોવા મળી હતી. સેન્સેક્સ દિવસની નીચી સપાટીએથી ૨૪૪ પૉઇન્ટ અને નિફ્ટી ૬૬ પૉઇન્ટ વધીને બંધ આવ્યા હતા. ઇન્ડેક્સ હેવીવેઇટ કંપનીઓમાં ગઈ કાલે કોટક મહિન્દ્ર, ટીસીએસ, રિલાયન્સ, એચડીએફસી બૅન્ક, એચડીએફસી અને લાર્સન ઍન્ડ ટુબ્રોના લીધે ઘટાડો જોવા મળ્યો હતો. સામે એચસીએલ ટેક, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા અને મારુતિએ બજારને ટેકો આપ્યો હતો.
ગઈ કાલે નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ૧૧ ક્ષેત્રોમાંથી માત્ર સરકારી બૅન્કો, ઑટો અને મીડિયા સહિત ચારમાં વૃદ્ધિ જોવા મળી હતી. સામે ખાનગી બૅન્કો, ફાર્મા, રીઅલ એસ્ટેટ અને મેટલ્સ સહિત સાતમાં ઘટાડો જોવા મળ્યો હતો. એક્સચેન્જ ઉપર ૫૯ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા અને ચાર નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૦૪ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૮૯ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ ઉપર ૧૫૫ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૬૩ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૪૦૨ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૯૪માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૦૨ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૨૬ ટકા ઘટ્યા હતા. બુધવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન ૫૬૬૬ કરોડ ઘટી ૧૫૨.૧૬ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
બૅન્કિંગમાં મિશ્ર હવામાન
બૅન્કિંગ શૅરોમાં સતત ખરીદીના લીધે બજારમાં તેજી જોવા મળી રહી હતી. એટલે જ નિફ્ટી બૅન્ક છ દિવસથી વધી રહ્યો હતો. ગઈ કાલે પણ તે વધ્યો હતો, પણ ખાનગી બૅન્કોના બદલે સરકારી બૅન્કોનો ટેકો મળ્યો હતો. છ દિવસથી સતત વધી રહેલા નિફ્ટી પ્રાઇવેટ બૅન્કમાં ગઈ કાલે થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું અને ઇન્ડેક્સ ૦.૩૭ ટકા ઘટ્યો હતો. ગઈ કાલે કોટક મહિન્દ્ર બૅન્ક ૨.૦૬ ટકા, સિટી યુનિયન બૅન્ક ૧.૧૭ ટકા, બંધન બૅન્ક ૧.૦૩ ટકા, ફેડરલ બૅન્ક ૦.૫૫ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૦.૫૧ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૦.૪૫ ટકા, એચડીએફસી બૅન્ક ૦.૩૪ ટકા ઘટ્યા હતા. સામે આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૨.૧૫ ટકા, આરબીએલ બૅન્ક ૦.૯૨ ટકા અને એક્સીસ બૅન્ક ૦.૪૫ ટકા વધ્યા હતા.
જોકે સરકારી બૅન્કોમાં ગઈ કાલે ધૂમ ખરીદી જોવા મળી હતી અને નિફ્ટી પીએસયુ બૅન્ક ૨.૭ ટકા ઉછળ્યો હતો. ગઈ કાલે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૪.૩૩ ટકા, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક ૩.૩૮ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૩.૦૪ ટકા, બૅન્ક ઑફ બરોડા ૨.૬૫ ટકા, યુકો બૅન્ક ૨.૨ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૨.૦૯ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૭૭ ટકા, કૅનરા બૅન્ક ૦.૫૯ ટકા અને સેન્ટ્રલ બૅન્ક ૦.૨૮ ટકા વધ્યા હતા પણ ઇન્ડિયન બૅન્ક ૦.૩૧ ટકા ઘટ્યો હતો.
ફાર્મામાં બીજા દિવસે પણ ઘટાડો
આગલા સત્રમાં ૧.૪૨ ટકાના ઘટાડા પછી ગઈ કાલે પણ નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૧.૫૫ ટકા ઘટ્યો હતો. સોમવારના ઉછાળા પછી સતત બીજા દિવસે ફાર્મા શૅરોમાં વેચવાલી જોવા મળી રહી છે. ગઈ કાલે બાયોકોન ૨.૪૯ ટકા, કેડીલા હેલ્થ ૨.૨૪ ટકા, ટોરેન્ટ ફાર્મા ૨.૧ ટકા, સિપ્લા ૨.૦૬ ટકા, સન ફાર્મા ૨.૦૪ ટકા, લુપીન ૧.૯ ટકા, ડૉ. રેડ્ડીઝ ૧.૫૬ ટકા, ઓરોબિંદો ફાર્મા ૧.૨૫ ટકા, ડીવીઝ લેબ ૦.૪૬ ટકા ઘટીને બંધ આવ્યા હતા. માત્ર આલ્કેમ લેબના શૅર ૦.૩૫ ટકા વધ્યા હતા.
આઠ દિવસની તેજી પછી મેટલ્સ શૅરોમાં પ્રોફિટ બુકિંગ
મેટલ્સ કંપનીઓના શૅર સતત આઠ દિવસથી ઊછળી રહ્યા હતા અને નિફ્ટી મેટલ્સ ઇન્ડેક્સ ૧૦ ટકા જેટલો વધ્યો હતો. આ તેજી પછી વૈશ્વિક બજારમાં મેટલ્સમાં જોવા મળેલા ઘટાડા બાદ ઇન્ડેક્સ ગઈ કાલે ૦.૬૭ ટકા ઘટ્યો હતો. ગઈ કાલે હિન્દુસ્તાન ઝીંક ૬.૭૩ ટકા, નૅશનલ એલ્યુમિનિયમ ૧.૫૫ ટકા, હિન્દાલ્કો ૧.૫૪ ટકા, હિન્દુસ્તાન કોપર ૧.૪૪ ટકા, કોલ ઇન્ડિયા ૧.૦૪ ટકા, મિશ્ર ધાતુ નિગમ ૧.૦૩ ટકા, જિન્દાલ સ્ટીલ ૦.૮૩ ટકા, સ્ટીલ ઓથોરિટી ૦.૩૯ ટકા, તાતા સ્ટીલ ૦.૩૨ ટકા ઘટ્યા હતા. સામે રત્નમણિ મેટલ્સ ૦.૧૪ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૪૮ ટકા, મોઈલ ૩.૦૫ ટકા અને વેલસ્પન કોર્પ ૩.૩૫ ટકા વધ્યા હતા.
પરિણામની અસરથી વધઘટ
જૂન ક્વૉર્ટરમાં નફો ૭૮.૬૧ ટકા અને આવક ૩.૫૬ ટકા વધી હોવાથી ચોલામંડલમ ફાઇનૅન્સ હોલ્ડિંગના શૅર ૧૦ ટકાની તેજીની સર્કિટ સાથે બંધ રહ્યા હતા. આવકમાં ૫૦ ટકા ઘટાડો અને ગત જૂનના નફા સામે આ જૂનમાં ખોટ હોવા છતાં ભારત ફોર્જના શૅર ૫.૨૮ ટકા વધ્યા હતા. જુલાઈમાં કંપનીના પોર્ટ ઉપર કાર્ગોમાં ગત વર્ષ કરતાં ૬ ટકા અને ગત મહિના કરતાં ૩૧ ટકા વૃદ્ધિના કારણે અદાણી પોર્ટસના શૅર ૧.૯૧ ટકા વધ્યા હતા. જોકે પ્રથમ ક્વૉર્ટરમાં કંપનીનો નફો ૨૬ ટકા અને વેચાણ ૧૮ ટકા ઘટીને આવ્યા હતા. ગત વર્ષ કરતાં જૂન ક્વૉર્ટરમાં ખોટ અને આવકમાં ૬૮ ટકા ઘટાડા પછી પણ સુન્દરમ ફાસ્ટનરના શૅર ૪.૧૪ ટકા વધ્યા હતા. નફો ૮૯.૩ ટકા અને આવક ૨૯.૬ ટકા ઘટી હોવા છતાં મેટ્રોપોલીસ હેલ્થકેરના શૅર ૦.૮૪ ટકા વધ્યા હતા. 

business news