બૅન્કિંગ અને ફાઇનૅન્સમાં નીચા મથાળે ખરીદીથી શૅરબજારમાં ઉછાળો જોવાયો

17 October, 2020 02:55 PM IST  |  Mumbai | Mumbai correspondent

બૅન્કિંગ અને ફાઇનૅન્સમાં નીચા મથાળે ખરીદીથી શૅરબજારમાં ઉછાળો જોવાયો

પ્રતીકાત્મક તસવીર

આગલા દિવસે ભારે વેચવાલી અને સ્મૉલ કૅપ અને મિડ કૅપમાં પાંચ દિવસના વેચાણ બાદ ગઈ કાલે મેટલ્સ, બૅન્કિંગ અને ફાઇનૅન્સ શૅરોની આગેવાની હેઠળ શૅરબજાર વધીને બંધ આવ્યું હતું. જોકે વૃદ્ધિ પછી પણ શૅરબજારમાં સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો હતો. એશિયાઇ અને યુરોપિયન શૅરોની મજબૂતીથી બજારને ટેકો મળ્યો હતો.
દિવસના પ્રથમ ભાગમાં તીવ્ર વધઘટ બાદ બૅન્કિંગ, ફાઇનૅન્સ  અને મેટલ્સમાં ખરીદીના સહારે સત્રના અંતે સેન્સેક્સ ૨૫૪.૫૭ પૉઇન્ટ કે ૦.૬૪ ટકા વધી ૩૯૯૮૨ અને નિફ્ટી ૮૨.૧૦ ટકા કે ૦.૭૦ ટકા વધી ૧૧૭૬૨ની સપાટીએ અંધ આવ્યા હતા. ઇન્ડેક્સ હેવીવેઇટમાં એચડીએફસી બૅન્ક, ઇન્ફોસિસ, કોટક મહિન્દ્ર બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, એક્સીસ બૅન્ક અને ટીસીએસ ઊછળ્યા હતા. સામે રિલાયન્સ, એચસીએલ ટેક અને એશિયન પેઈન્ટ ઘટ્યા હતા.
જોકે ગઈ કાલે બજારમાં નીચા મથાળે થોડી ખરીદી નીકળી હોય એવું લાગી રહ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી ગુરુવારે ૨.૫ ટકા જેટલા તૂટ્યા હતા. જ્યારે નાની કંપનીઓમાં હેવીવેઈટથી અલગ પાંચ દિવસથી વેચવાલી હતી. બજારમાં ઘટેલા કરતાં વધેલા શૅરોની સંખ્યા સતત વધી રહી હતી, પણ ગઈ કાલે તેમાં ફેરફાર જોવા મળ્યો હતો અને એટલે જ સ્મૉલ કૅપ અને મિડ કૅપ ઇન્ડેક્સ પણ ઊછળ્યા હતા.
ગઈ કાલે નૅશનલ સ્ટૉક એક્સચેન્જના બધા ૧૧ ક્ષેત્રોમાંથી બૅન્કિંગ, ફાઇનૅન્સ, મેટલ્સ અને રીઅલ એસ્ટેટની આગેવાની હેઠળ નવમાં વૃદ્ધિ જોવા મળી હતી, સામે આઇટી અને મીડિયામાં ઘટાડો જોવા મળ્યો હતો. એક્સચેન્જ  ઉપર ૨૬ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા અને ૧૫ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૯૬ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૮૫ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ ઉપર ૮૯ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૫૪ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૮૭ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૨૬માં મંદીની સર્કટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૯૭ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૧.૦૫ ટકા વધ્યા હતા. શુક્રવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન ૧,૦૬,૦૮૫ કરોડ વધી ૧૫૮.૩૭ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
શૅરબજારમાં સાપ્તાહિક ઘટાડો
ગઈ કાલે પૂરા થયેલા સપ્તાહના પાંચ ટ્રેડિંગ સત્રમાંથી ચારમાં સેન્સેક્સ અને નિફ્ટી વધીને બંધ આવ્યા હોવા છતાં ગુરુવારના તીવ્ર ઘટાડાના કારણે બજાર સાપ્તાહિક રીતે પણ ઘટીને બંધ આવી છે. આ સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટી બન્ને ૧.૩ ટકા ઘટીને બંધ આવ્યા છે. આ ઉપરાંત ક્ષેત્રવાર માત્ર મેટલ્સ સિવાય બધા જ ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળ્યો છે.
ક્ષેત્રવાર નિફ્ટી મીડિયા ૬.૯ ટકા, નિફ્ટી પીએસયુ બૅન્ક ૪.૭ ટકા, નિફ્ટી ઑટો ૨.૫ ટકા, નિફ્ટી ફાર્મા ૧.૯ ટકા, નિફ્ટી આઇટી ૧.૪ ટકા, નિફ્ટી બૅન્ક ૧.૩ ટકા, નિફ્ટી એફએમસીજી ૦.૮ ટકા અને નિફ્ટી રીઅલ એસ્ટેટ ૦.૨ ટકા ઘટ્યા છે. નિફ્ટી મેટલ્સ સપ્તાહમાં ૨.૦૩ ટકા વધ્યો છે. સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૬ ટકા અને મિડ કૅપ ૧.૮ ટકા ઘટ્યા છે.
સ્ટીલની આગેવાની હેઠળ મેટલ્સમાં તેજી
ભારતમાં સ્થાનિક રીતે સ્ટીલની માગ વાઇરસ અને લૉકડાઉન બાદ સ્થિર થઈ રહી છે, કંપનીઓનું ઉત્પાદન પણ કાર્યક્ષમ રીતે વધી રહ્યું છે એટલે ગઈ કાલે મેટલ્સ શૅરોમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી મેટલ્સ ગઈ કાલે ૩.૯૭ ટકા વધ્યો હતો. જેએસડબ્લ્યુ સ્ટીલ ૩.૯૭ ટકા, વેલસ્પન કોર્પ ૬.૩૯ ટકા, જિન્દાલ સ્ટીલ ૫.૭૪ ટકા, તાતા સ્ટીલ ૫.૩૨ ટકા, સ્ટીલ ઑથોરિટી ૩.૮૧ ટકા, નાલ્કો ૩.૭ ટકા, હિન્દાલ્કો ૩.૬૬ ટકા, નૅશનલ મિનરલ્સ ૨.૭૨ ટકા, હિન્દુસ્તાન ઝીંક ૨.૪૧ ટકા, કોલ ઇન્ડિયા ૧.૭૨ ટકા, હિન્દુસ્તાન કોપર ૧.૪૨ ટકા, રત્નમણી ૦.૯૫ ટકા વધ્યા હતા. મોઈલ ૦.૧૧ ટકા અને મિશ્રધાતુ નિગમ ૧.૩૬ ટકા ઘટ્યા હતા.
ખાનગી બૅન્કોના સહારે બૅન્કિંગમાં તેજી
ગુરુવારના કડાકા બાદ ગઈ કાલે ખાનગી બૅન્કોના સહારે બૅન્કિંગમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ બે ટકા વધ્યો હતો. ખાનગી બૅન્કોનો નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ૨.૦૫ ટકા વધ્યો હતો. બંધન બૅન્ક ૨.૯૩ ટકા, એચડીએફસી બૅન્ક ૨.૯૨ ટકા, આરબીએલ બૅન્ક ૨.૭૨ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક ૨.૦૫ ટકા, સિટી યુનિયન બૅન્ક ૧.૯૮ ટકા, એક્સીસ બૅન્ક ૧.૮૫ ટકા, આડીએફસી ફર્સ્ટ બૅન્ક ૧.૮૩ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૧.૫૯ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૧૧ ટકા અને ફેડરલ બૅન્ક ૦.૬૮ ટકા વધ્યા હતા.
સરકારી બૅન્કોમાં મિશ્ર વલણ હતું, છતાં નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૦.૩૪ ટકા વધ્યો હતો. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૨.૭૬ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૪૮ ટકા, ઇન્ડિયન બૅન્ક ૧.૪૧ ટકા, જમ્મુ અૅન્ડ કાશ્મીર બૅન્ક ૦.૩૪ ટકા અને બૅન્ક ઑફ બરોડા ૦.૧૨ ટકા વધ્યા હતા. કેનેરા બૅન્ક ૦.૧૭ ટકા, યુનિયન બૅન્ક ૦.૪૩ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૦.૬૩ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૦.૯ ટકા અને સેન્ટ્રલ બૅન્ક ૪.૮૫ ટકા ઘટ્યા હતા.
કેન્દ્ર સરકારે એસીની આયાત ઉપર પ્રતિબંધ લગાવતા સ્થાનિક કંપનીઓને ફાયદો
કેન્દ્ર સરકારે રેફ્રિજરન્ટ સાથેના અૅરકંડિશનરની આયાત ઉપર પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ પ્રતિબંધથી ભારતમાં એસી બનાવતી કંપનીઓને ફાયદો થશે અને તેની માગ વધશે એવી ધારણાએ સ્થાનિક કંપનીઓના શૅરમાં ઉછાળો જોવા મળ્યો હતો. ગઈ કાલે વોલ્ટાસ ૪.૨૦ ટકા, બ્લુ સ્ટાર ૪.૨૨ ટકા અને જ્હોન્સન હિટાચી ૪.૨૮ ટકા વધ્યા હતા.
અન્ય શૅરોમાં વધઘટ
એચસીએલ ટેકનૉલૉજીએ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં નફો ૧૮.૫ ટકા અને આવક ૬.૧ ટકા વધી હોવા સાથેનું પરિણામ જાહેર કર્યું હતું પણ આઇટી શૅરોમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગની વૃત્તિ અને બજારની અપેક્ષા કરતાં નબળા પરિણામથી શૅરનો ભાવ ગઈ કાલે ૩.૭૬ ટકા ઘટ્યો હતો. બીજા ક્વૉર્ટરમાં નફો ૮૮ ટકા અને આવક ૦.૬૧ ટકા વધી હોવા છતાં માઇન્ડ-ટ્રીના શૅર પણ ૬.૭૫ ટકા ઘટ્યા હતા. સાયન્ટનો નફો ૩.૦૭ ટકા અને આવક ૧.૧૬ ટકા વધી હોવાથી કંપનીના શૅર ૬.૨૨ ટકા વધ્યા હતા. ફેડરલ બૅન્કનો ક્વૉર્ટરમાં નફો ૨૬.૧ ટકા ઘટ્યો હતો અને આવક ૮.૭ ટકા વધી હોવાથી શૅરનો ભાવ ૦.૯૭ ટકા વધ્યો હતો. ગત વર્ષે બીજા ક્વૉર્ટરમાં ખોટ કરનાર હાથવે કેબલે આ વર્ષે નફો જાહેર કર્યો હોવા છતાં શૅરનો ભાવ ૪.૧૨ ટકા ઘટ્યો હતો. શક્તિ પમ્પે પણ ગત વર્ષે ખોટ સામે આ વર્ષે નફો જાહેર કર્યો હતો અને શૅરનો ભાવ ૨.૧૫ ટકા વધ્યો હતો. બીજા ક્વૉર્ટરમાં આવક ૨૩.૦૭ ટકા અને નફો ૨૫ ટકા ઘટ્યો હોવા છતાં ફિલિપ્સ કાર્બનના શૅર ૨.૯૮ ટકા વધ્યા હતા. ઑક્ટોબર મહિનાથી અસરમાં આવે એ રીતે જ યુપીએલના ઓડિટર તરીકે કેપીએમજીએ રાજીનામું આપ્યું હતું અને તેના કારણે કંપનીના શૅર ગઈ કાલે ૭.૭૭ ટકા તૂટ્યા હતા. કેન્દ્ર સરકાર આઇડીબીઆઇ બૅન્કમાં પોતાનો હિસ્સો વેચી રહી છે એવા અહેવાલ વચ્ચે બૅન્કના શૅર ગઈ કાલે ૧૫.૬૩ ટકા વધી ૩૮.૮૫ બંધ આવ્યા હતા.

business news