IT, ઑટો અને મેટલ શૅરના નેજા હેઠળ બજારમાં ટેક્નિકલ સુધારો

06 August, 2025 06:58 AM IST  |  Mumbai | Anil Patel

TCS ૩૦૦૦ની અંદર નવા મલ્ટિયર તળિયે જઈ સુધારામાં બંધ : ખોટ ઘટવાના હરખમાં UPL સાત ટકા મજબૂત, TVS મોટર નવી ટોચે જઈને વધી

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

TCS ૩૦૦૦ની અંદર નવા મલ્ટિયર તળિયે જઈ સુધારામાં બંધ : ખોટ ઘટવાના હરખમાં UPL સાત ટકા મજબૂત, TVS મોટર નવી ટોચે જઈને વધી : રિપોનોનું ડિસ્કાઉન્ટમાં તથા ઉમિયા મોબાઇલનું ડલ લિસ્ટિંગ : ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ નવા વર્સ્ટ લેવલે જઈ પ્લસમાં બંધ આવી : માથે NSDLના લિસ્ટિંગ વચ્ચે CDSLમાં સવાછ ટકાનો જમ્પ : જુલાઈના વેચાણના જોરમાં હીરો મોટોકૉર્પની ડબલ સેન્ચુરી : પાકિસ્તાની શૅરબજાર ૧૪૨૩૨૩ના નવા બેસ્ટ લેવલે : સેન્સેક્સ વર્ષમાં એક લાખનો અગર તો ૭૦,૦૦૦નો થશે એવી મૉર્ગન સ્ટૅનલીની આગાહી

નવા સપ્તાહનો આરંભ એશિયન બજારોએ બહુધા સુધારા સાથે કર્યો છે. થાઇલૅન્ડ ૦.૯ ટકા, સાઉથ કોરિયા એક ટકો, સિંગાપોર એક ટકો, ચાઇના ૦.૭ ટકા, હૉન્ગકૉન્ગ અડધો ટકો પ્લસ થયું છે.જૅપનીઝ નિક્કી સવા ટકા તથા ઇન્ડોનેશિયા એક ટકો નરમ હતા. યુરોપ પૉઝિટિવ ઓપનિંગ બાદ રનિંગમાં એક-સવા ટકા પર ચાલતું હતું. લંડન ફુત્સી સાધારણ પ્લસ હતો. ટ્રમ્પના પ્રેમની નવી હેલીની અસરમાં પાકિસ્તાની શૅરબજાર ૧૪૨૩૨૩ની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી રનિંગમાં ૯૨૭ પૉઇન્ટ વધીને ૧૪૧૯૬૨ જોવા મળ્યું છે. બિટકૉઇન મામૂલી સુધારામાં ૧૧૪૬૭૪ ડૉલર દેખાયો છે. બ્રેન્ટ ક્રૂડ ૭૦ ડૉલર નજીક હતું.

ટ્રમ્પના ટૅરિફનો અમલ ૭ ઑગસ્ટથી થવાનો છે. ત્યાં સુધીમાં કશી રાહત આવશે એમ માનનારો વર્ગ નાનો નથી. આ લોકોનો આશાવાદ ફળે એવી આપણે આશા રાખીએ. રિઝર્વ બૅન્કની નાણાનીતિની સમીક્ષા માટે ત્રણ દિવસની બેઠક ગઈ કાલથી શરૂ થઈ ગઈ છે. પરિણામ ૬ ઑગસ્ટે છે જેમાં વ્યાજદર યથાવત્ રહેવાની અપેક્ષા છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૬૬ પૉઇન્ટ પ્લસ, ૮૦૭૬૬ નજીક ખૂલી છેવટે ૪૧૯ પૉઇન્ટ સુધરી ૮૧૦૧૯ તથા નિફ્ટી ૧૫૭ પૉઇન્ટ વધીને ૨૪૭૨૩ બંધ થયો છે. બજાર નીચામાં ૮૦૫૦૦ અને ઉપરમાં ૮૧૦૯૩ થયું હતું. સેન્સેક્સ નિફ્ટીના અડધા ટકા સુધારા સામે મેટલ ઇન્ડેક્સ અઢી ટકાના જમ્પમાં ૩૧૦૬૯ થયો છે. એના ૧૩માંથી ૧૨ શૅર વધ્યા હતા. ઑટો ઇન્ડેક્સ દોઢ ટકો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સવા ટકો, રિયલ્ટી ૧.૯ ટકા, ટેલિકૉમ ૧.૧ ટકા, નિફ્ટી મીડિયા દોઢ ટકા વધ્યો છે. તાજેતરની નરમાઈ બાદ વૅલ્યુ બાઇંગ થિયરી કામે લાગતાં નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧૮માંથી ૧૫ શૅરના બાઉન્સબૅકમાં અઢી ટકા વધ્યો હતો. બન્ને બજારનાં લગભગ બધાં સેક્ટોરલ પૉઝિટિવ ઝોનમાં રહ્યાં છે. મજબૂત માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૮૩૩ શૅરની સામે ૧૧૬૮ જાતો નરમ હતી. બજારનું માર્કેટ કૅપ ૪.૨૭ લાખ કરોડ વધીને ૪૪૮.૭૯ લાખ કરોડ થયું છે.

પ્રાઇમરી માર્કેટમાં કૅશ યૉર ડ્રાઇવનો શૅરદીઠ ૧૩૦ના ભાવનો ૬૦૭૯ લાખનો SME IPO ગઈ કાલે કુલ ૮૨ ગણા તથા રેનોલ પૉલિકેમનો શૅરદીઠ ૧૦૫ના ભાવનો ૨૫૭૭ લાખનો SME ઇશ્યુ કુલ સાત ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. જ્યારે ચેન્નઈની ફ્લાય એસબીએસનો શૅરદીઠ ૨૨૫ના ભાવનો ૧૦૨૫૩ લાખનો NSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૩૨ ગણો છલકાઈ ચૂક્યો છે. હાલ એમાં ૧૯૫નું પ્રીમિયમ ચાલે છે. કૅશ યૉર ડ્રાઇવમાં ૩૨ અને રેનોલમાં ૩ના રેટ છે.

લોન ફ્રૉડ કેસમાં અનિલ અંબાણી આણિ મંડળી સામે ED, CBI સહિતની એજન્સીઓનાં કડક પગલાં અને ધરપકડના પગલે રિલાયન્સ ઇન્ફ્રા તથા રિલાયન્સ પાવર વધુ એક નીચલી સર્કિટમાં ૫-૫ ટકા તૂટી છે. મૅનેજિંગ ડિરેક્ટરના અણધાર્યા રાજીનામા પાછળ શુક્રવારે પટકાયેલી પીએનબી હાઉસિંગ ફાઇનૅન્સ ગઈ કાલે નીચામાં ૭૭૨ થઈ ૩.૬ ટકા બગડી ૭૭૮ રહી છે. TCS ૨૯૯૨ની નવી મલ્ટિયર બૉટમ બનાવ્યા બાદ બાઉન્સબૅકમાં ૩૦૮૦ વટાવી ૨.૪ ટકા સુધરી ૩૦૭૫ રહી છે. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅર વધવા છતાં તદ્દન ફ્લૅટ બંધ હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના સથવારે સવા ટકો વધ્યો છે.

નફો ૧૨૦ ટકા વધીને આવતાં સર્દા એનર્જીમાં તેજી જોવા મળી

સર્દા એનર્જી ઍન્ડ મિનરલ્સે જૂન ક્વૉર્ટરમાં ૧૨૦ ટકાના વધારા સાથે ૪૩૭ કરોડ નેટ પ્રૉફિટ કરતાં શૅર ૩૦ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૫૨૭ની પાંચ મહિનાની ટૉપ બનાવી ૨૦ ટકા ઊંચકાઈ ત્યાં જ રહ્યો છે. ભાવ વર્ષ પહેલાં ૨૪૫ નીચે હતો. ફેસવૅલ્યુ એકની છે. જીએમડીસી ચાર ગણા કામકાજે ઉપરમાં ૪૨૪ નજીક જઈ ૭ ટકા ઊછળી ૪૦૯ થઈ છે. ઑટો કમ્પોનન્ટ કંપની એન્ડ્યુરન્સ ટેક્નૉલૉજીઝનાં પરિણામ ૧૩ ઑગસ્ટે છે. શૅર ૬ ગણા કામકાજે ૨૬૯૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૫.૫ ટકા કે ૧૩૭ રૂપિયાના જમ્પમાં ૩૬૧૦ થયો છે.

શ્રોફ ગ્રુપની યુપીએલ (અગાઉની યુનાઇટેડ ફૉસ્ફરસ) દ્વારા જૂન ક્વૉર્ટરમાં દોઢ ટકાના વધારામાં ૯૨૧૬ કરોડની આવક દર્શાવાઈ છે. ચોખ્ખી ખોટ ૩૮૪ કરોડથી ઘટી ૮૮ કરોડ રહી છે. એમાં શૅર હરખાઈને ઉપરમાં ૭૧૯ થયા બાદ છેવટે ૭ ટકા વધીને ૭૧૨ બંધ આવ્યો છે. ઍડ્વાન્સ્ડ એન્ઝાઇમ્સ પરિણામ પાછળ બે ગણા વૉલ્યુમે ૩૧૯ની અંદર જઈ ૮.૮ ટકા ગગડી ૩૨૮ રહી છે. શક્તિ પમ્પ્સનો નફો સાડાચાર ટકા વધ્યો છે. માર્જિન ઘટ્યું છે. શૅર નવ ગણા કામકાજે નીચામાં ૮૨૨ બતાવી સાડાસાત ટકા ખરડાઈ ૮૨૭ થયો છે. એબીબી ઇન્ડિયાનો નફો ૨૦ ટકા ઘટી ૩૫૨ કરોડ આવતાં શૅર નીચામાં ૫૦૧૫ થઈ સાડાપાંચ ટકા કે ૨૯૭ રૂપિયાની ખરાબીમાં ૫૧૦૦ બંધ હતો. બાલાજી એમાઇન્સનો નફો ૪૫૫૫ લાખથી ઘટીને ૩૬૫૨ લાખ થતાં ભાવ નીચામાં ૧૫૫૫ બતાવી સાડાસાત ટકા કે ૧૨૭ રૂપિયા ગગડી ૧૫૬૩ રહ્યો છે. અદાણી જેને ટેકઓવર કરવાના છે એ પીએસપી પ્રોજેક્ટસ નીચામાં ૬૨૬ થઈ ૧૫.૫ ટકા કે ૧૧૮ રૂપિયા તૂટી ૬૪૧ બંધ હતી. ટીવીએસ મોટર્સ ૨૧ ગણા કામકાજે ૨૯૪૨ હતી. ફેસવૅલ્યુ ૧ની છે. ૧૪ જાન્યુઆરીએ ભાવ ૨૧૭૦ના વર્ષના તળિયે હતો.

સારાં પરિણામ સાથે શૅરવિભાજનમાં MCX ૩૯૦ રૂપિયા ઊછળ્યું

MCX દ્વારા જૂન ક્વૉર્ટરમાં અગાઉની કુલ ૨૫૩ કરોડની આવક સામે આ વેળા ૪૦૬ કરોડની આવક પર ૮૩ ટકાના વૃદ્ધિદરથી ૨૦૧ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. કંપનીએ ૧૦ના શૅરનું બે રૂપિયામાં વિભાજન નક્કી કર્યું છે. શૅર ગઈ કાલે પાંચ ટકાની તેજીમાં ૭૯૮૫ બંધ થયો છે. એક્સચેન્જિસ બિઝનેસમાંની BSE લિમિટેડનાં રિઝલ્ટ ૭મીએ છે. શૅર ગઈ કાલે ત્રણ ટકા વધી ૨૪૮૬ રહ્યો છે. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ ૧૩૧ નીચે નવા તળિયે જઈ દોઢ ટકો વધી ૧૩૪ હતી. કેમ્સ પરિણામ પછી નરમાઈ અટકાવી ૪ ટકા ઊંચકાઈને ૩૭૯૨ રહી છે. CDSL સવાછ ટકા ઊછળી છે. પીસી જ્વેલર્સે આવકમાં ૮૧ ટકાના વધારા સામે ૧૨૨ ટકાના વૃદ્ધિદરમાં ૧૪૪ કરોડ નેટ નફો કર્યો છે. શૅર બે ટકાના ઘટાડામાં ૧૪.૭૨ બંધ હતો. જેકે લક્ષ્મી સિમેન્ટ્સની આવક પોણાબાર ટકા વધી છે પરંતુ નફો બે ગણો વધીને ૧૫૦ કરોડ નજીક ગયો છે. ઉપરમાં ૧૦૦૯ થઈ સવાબે ટકા ઘટી ૯૫૦ બંધ થયો છે. નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપની કેપી ગ્લોબલ કૅપિટલે અગાઉના ૭૬ કરોડ સામે આ વેળા જૂન ક્વૉર્ટરમાં ૧૭૫ કરોડ નેટ નફો બતાવ્યો છે. શૅર ૮.૩ ટકાના જમ્પમાં ૧૯૦ રહ્યો છે. ફેસ વૅલ્યુ એકની છે.

ફેડરલ બૅન્કે ૧૪.૭ ટકાની નબળાઈમાં ૮૬૨ કરોડ નજીક નેટ પ્રૉફિટ દર્શાવ્યો છે. શૅર નહીંવત્ સુધારામાં ૧૯૬ હતો. હેલ્થકૅર ગ્લોબલ અર્થાત્ HCGની ત્રિમાસિક આવક સાડાસોળ ટકા વધવા છતાં નેટ નફો ૬૧ ટકા ગગડીને ૪૭૫ લાખ નોંધાયો છે. શૅર ૫૮૩ થઈ સવા ટકો વધી ૬૧૯ રહ્યો છે. નારાયણા હૃદયાલયે આવકમાં ૧૫ ટકા વૃદ્ધિ સામે સવાબે ટકાના ઘટાડામાં ૧૯૭ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. ભાવ ૫.૪ ટકા તૂટી ૧૮૩૮ થયો છે. રામકૃષ્ણ ફોર્જિંગ્સે પોણાછ ટકાના વધારામાં ૯૩૭ કરોડ જેવી આવક પર ૪૯ ટકાની ખરાબીમાં ૨૧૫૧ લાખ નેટ નફો મેળવ્યો છે. શૅર નીચામાં ૫૫૨નું તળિયું બનાવી ત્રણ ટકા વધી ૫૮૩ બંધ આવ્યો છે. દિલ્હીવરીએ સાડાપાંચ ટકાની આવકવૃદ્ધિ સામે ૬૭ ટકાના વધારામાં ૯૧ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર ૪૬૪ના શિખરે જઈ સવાસાત ટકા ઊછળી ૪૬૧ ઉપર બંધ આવ્યો છે.

ઇન્દોરની હાઇવે ઇન્ફ્રાનો આજે ૭૦ના ભાવથી ઇશ્યુ, રીટેલ ક્વોટા ૪૦ ટકા

શરૂ થયેલા નવા સપ્તાહમાં કુલ ૧૦ ભરણાં ખૂલવાનાં છે અને ૧૫ ભરણાં લિસ્ટેડ થવાનાં છે. એમાંથી સોમવારે છ ભરણાં ખૂલ્યાં છે જે તમામ SME કંપનીનાં છે. ગઈ કાલે પ્રથમ દિવસે શૅરદીઠ ૧૦૩ના ભાવની ભડોરા ઇન્ડસ્ટ્રીઝનો ૫૫૬૨ લાખનો ઇશ્યુ કુલ ૧૨ ટકા, શૅરદીઠ ૧૭૦ના ભાવની પાર્થ ઇલેક્ટ્રિકલ્સનો ૪૯૭૨ લાખનો ઇશ્યુ ૭૫ ટકા, શૅરદીઠ ૬૬ના ભાવની જ્યોતિ ગ્લોબલ પ્લાસ્ટનો ૩૫૪૪ લાખનો ઇશ્યુ દોઢ ગણો, શૅરદીઠ ૧૧૬ના ભાવની આરાધ્ય ડિસ્પોઝેબલ ઇન્ડસ્ટ્રીનો ૪૫૧૦ લાખનો ઇશ્યુ ૩૫ ટકા, શૅરદીઠ ૭૫ના ભાવની બીએલટી લૉજિસ્ટિક્સનો ૯૭૨ લાખનો ઇશ્યુ બે ગણો તથા શૅરદીઠ ૫૪ના ભાવનો એસેક્સ મરીનનો ૨૩૦૧ લાખનો ઇશ્યુ ૩૨ ટકા ભરાયો છે. હાલ ગ્રેમાર્કેટ ખાતે પાર્થ ઇલેક્ટ્રિકલ્સમાં ૨૨ રૂપિયા, જ્યોતિ ગ્લોબલમાં ૧૩ રૂપિયા, BLT લૉજિસ્ટિક્સમાં ૧૫ રૂપિયા તથા એસેક્સ મરીનમાં ૧૧ રૂપિયા પ્રીમિયમ બોલાય છે. ગઈ કાલે SME સેગમેન્ટમાં ઉમિયા મોબાઇલ શૅરદીઠ ૬૬ની ઇશ્યુ પ્રાઇસ સામે ૬૯ ખૂલી ૬૭ બંધ થતાં એમાં બે ટકાનો નજીવો લિસ્ટિંગ ગેઇન મળે છે. જ્યારે રિપોનો લિમિટેડ શૅરદીઠ ૯૬ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૧૬ના પ્રીમિયમ સામે ૯૦ ખૂલી ૮૭ બંધ થતાં ૯ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ  છે. આજે મંગળવારે મેઇન બોર્ડની આદિત્ય ઇન્ફોટેક અને લક્ષ્મી ઇન્ડિયા ફાઇનૅન્સ તથા SME સેગમેન્ટની કીટેક્સ ફૅબ્રિક્સનું લિસ્ટિંગ છે. અત્યારે આદિત્યમાં ૩૦૦ રૂપિયા, કીટેક્સમાં ૧૫ રૂપિયા બોલાય છે.

આજે મેઇન બોર્ડમાં ઇન્દોરની હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાંચના શૅરદીઠ ૭૦ની અપર બૅન્ડમાં ૩૨૪૮ લાખની OFS સહિત કુલ ૧૩૦ કરોડનો ઇશ્યુ કરવાની છે. કંપનીએ ગયા વર્ષે ૧૩ ટકાના ઘટાડામાં ૫૦૪ કરોડની આવક પર પાંચ ટકાના વૃદ્ધિદરથી ૨૨૪૦ લાખ ચોખ્ખો નફો કર્યો છે. કંપનીનું દેવું ૭૧૮૨ લાખ છે. કંપનીની મુખ્ય આવક ટોલનાકાની છે. ભરણામાં QIB ક્વોટા ૩૦ ટકા અને રીટેલ ક્વોટા ૪૦ ટકા છે. ગ્રેમાર્કેટમાં ૨૫થી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં ૪૦ ચાલે છે.

HDFC બજારને ૧૨૯ પૉઇન્ટ નડી, રિલાયન્સ ૯૬ પૉઇન્ટ ફળી

અગ્રણી FMCG કંપની આઇટીસી દ્વારા જૂન ક્વૉર્ટરમાં ૧૯.૫ ટકાના વધારામાં ૨૩૧૨૯ કરોડની આવક પર ત્રણ ટકા વૃદ્ધિદરમાં ૫૨૪૪ કરોડ નેટ પ્રૉફિટ  દર્શાવાયો છે. કંપનીના ઍગ્રી બિઝનેસનો ગ્રોથરેટ ૨૦થી ૨૫ ટકાની ધારણા સામે ૩૯ ટકા વધી ૯૬૮૫ કરોડે પહોંચ્યો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૪૨૩ થઈ ૪૧૬ના લેવલે યથાવત્ બંધ થયો છે. રિલાયન્સ સરેરાશ કરતાં ૩૫ ટકા વૉલ્યુમે ઉપરમાં ૧૪૫૬ થઈ સવા ટકો સુધરીને ૧૪૧૦ બંધ થતાં બજારને ૯૬ પૉઇન્ટ મળ્યા છે. હીરો મોટોકૉર્પનાં રિઝલ્ટ ૬ ઑગસ્ટે છે. જુલાઈમાં કંપનીનું કુલ વેચાણ ૨૧.૫ ટકા વધીને ૪.૫૦ લાખ નંગ નજીક પહોંચ્યું છે. એની અસરમાં શૅર ઉપરમાં ૪૫૫૦ બતાવી સવાપાંચ ટકા કે ૨૨૪ રૂપિયા વધીને ૪૫૩૬ બંધમાં નિફ્ટી ખાતે ઝળક્યો છે. બજાજ ઑટોનાં પરિણામ પણ બુધવારે છે. શૅર પોણાબે ટકા વધી ૮૧૮૯ હતો. તાતા મોટર્સ પોણા ટકાના સુધારે ૬૫૪ રહી છે, પરિણામ ૮ ઑગસ્ટે આવશે. આઇશર પરિણામ પછી પ્રોત્સાહક વેચાણના આંકડાને લઈ આગેકૂચ જાળવી રાખતાં ૫૬૭૦ નજીક જઈ દોઢ ટકા કે ૯૦ રૂપિયા વધી ૫૬૧૭ હતી. જિયો ફાઇનૅન્સ સર્વિસિસ સવા ટકો વધી ૩૩૩ રહી છે. તાતા સ્ટીલ ઉપરમાં ૧૬૦ થઈ ૪.૩ ટકાની મજબૂતીમાં સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર બની છે. અન્યમાં ભારત ઇલેક્ટ્રિક ૩.૬ ટકા, અદાણી પોર્ટ્સ ૩.૨ ટકા, ટ્રેન્ટ સવા ટકો, મહિન્દ્ર સવા ટકો, ભારતી ઍરટેલ દોઢ ટકો, JSW સ્ટીલ અઢી ટકા, હિન્દાલ્કો ૨.૩ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક અઢી ટકા, SBI લાઇફ બે ટકા, ગ્રાસિમ ૨.૨ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ સવા ટકો અપ હતા.

HDFC બૅન્ક એક ટકો ઘટીને ૧૯૯૨ રહી છે. સ્ટેટ બૅન્ક સાધારણ પ્લસ તથા ICICI બૅન્ક અડધો ટકો નરમ હતી. TCS ૨.૪ ટકા વધી ૩૦૭૫ રહી છે. ઇન્ફોસિસ ૦.૭ ટકા વધી ૧૪૮૦ થઈ છે. વિપ્રો ૧.૩ ટકા, ટેક મહિન્દ્ર અઢી ટકા, HCL ટેક્નો દોઢ ટકા, લાટિમ ૧.૪ ટકા વધી છે. દરમ્યાન મૉર્ગન સ્ટૅનલીએ જણાવ્યું છે કે તેજીની ચાલમાં સેન્સેક્સ એક વર્ષમાં એક લાખ થઈ શકે અને બજારમાં મંદી આવે તો સેન્સેક્સ ૭૦,૦૦૦નો જોવા મળશે.

share market stock market sensex nifty business news tcs ipo reserve bank of india bitcoin crypto currency bombay stock exchange