09 January, 2026 08:52 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
વેનેઝુએલાના એપિસોડ પછી ટ્રમ્પ વધુ ફૉર્મમાં આવ્યા છે. રશિયા સાથે બિઝનેસ ચાલુ રાખનારા દેશો પર ૫૦૦ ટકાની ટૅરિફ લાદતાં આઇ પાર્ટીઝન સેન્ક્શન બિલને મંજૂરી આપી એને કાયદો બનાવવાની હિલચાલ હાથ ધરી છે. આ ઉપરાંત આ માણસે અમેરિકાને સુપર મિલિટરી-પાવર બનાવવા ડિફેન્સ બજેટમાં ૫૦ ટકાનો વધારો કરવાનો ઇરાદો પણ જાહેર કર્યો છે. મતલબ કે ૨૦૨૬ના વર્ષમાં ન બનવાનું ઘણું બધું બનશે, ટ્રમ્પનો ઉત્પાત વધશે. ૫૦૦ ટકા ટૅરિફની ધમકીને ટ્રમ્પે સાકાર કરી બતાવતાં ઘરઆંગણે શૅરબજારનો મૂડ બગડ્યો છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૮૩ પૉઇન્ટ નીચે, ૮૪૮૭૮ ખૂલી છેવટે ૭૮૦ પૉઇન્ટ તૂટી ૮૪,૧૮૧ તથા નિફ્ટી ૨૬૪ પૉઇન્ટની ખરાબીમાં ૨૫,૮૭૭ ગઈ કાલે બંધ થયો છે. શૅરઆંક ઉપરમાં ૮૪૯૬૫ બતાવી ત્યાંથી ગગડીને નીચામાં ૮૪,૧૧૦ દેખાયો હતો. નિફ્ટીમાં ૨૫૮૫૮ની ઇન્ટ્રા-ડે બૉટમ બની હતી. ખાસ્સી નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૫૪૫ શૅરની સામે ૨૬૨૫ જાતો માઇનસ થઈ છે. બજારનું માર્કેટકૅપ ૭.૭૪ લાખ કરોડ રૂપિયાના ધોવાણમાં ૪૭૨.૨૦ લાખ કરોડ થઈ ગયું છે. તમામ સેક્ટોરલ લાલ થયાં છે. સેન્સેક્સ નિફ્ટીના એકાદ ટકાના ઘટાડા સામે રોકડું બે ટકા નજીક, બ્રૉડર માર્કેટ દોઢેક ટકા, મેટલ ઇન્ડેક્સ ૩.૩ ટકા કે ૧૨૭૧ પૉઇન્ટ, ઑઇલ-ગૅસ ૩.૨ ટકા, એનર્જી ૨.૬ ટકા, પાવર ત્રણ ટકા, યુટિલિટીઝ બે ટકા, આઇટી ઇન્ડેક્સ બે ટકા નજીક કે ૭૦૭ પૉઇન્ટ, ટેલિકૉમ એક ટકો, પીએસયુ બૅન્ક નિફ્ટી ૨.૧ ટકા, નિફ્ટી રિયલ્ટી ૧.૭ ટકા, નિફ્ટી મીડિયા ૧.૪ ટકા, PSU ઇન્ડેક્સ સવાબે ટકા ડૂલ થયો છે.
માર્કેટલીડર રિલાયન્સ ચાર ગણા કામકાજે નીચામાં ૧૪૬૮ થઈ સવાબે ટકા ગગડી ૧૪૭૦ના બંધમાં બજારને ૧૯૩ પૉઇન્ટ નડી છે. જિયો ફાઇનૅન્સ પણ ૩.૪ ટકા તૂટી છે. માથે પરિણામ વચ્ચે TCS ત્રણેક ટકા, ટેક મહિન્દ્ર ત્રણ ટકા, ઇન્ફોસિસ ૧.૬ ટકા, HCL ટેક્નો નજીવી ખરડાતાં સેન્સેક્સને કુલ ૧૭૯ પૉઇન્ટનો માર પડ્યો હતો. વિપ્રો ત્રણ ટકા અને લાટિમ દોઢ ટકા ડાઉન હતી. આઇટીના ૭૭માંથી ૭ શૅર પ્લસ હતા. ઝેનસાર ટેક્નો ૨.૨ ટકા તો નેટવર્ક પીપલ સર્વિસ ચારેક ટકા વધી છે. ઇન્ફોબીન્સ સર્વાધિક ૬.૪ ટકા તૂટી છે. ૬૩ મૂન્સ ૬૭૭ની આઠેક મહિનાની બૉટમ બનાવી પાંચ ટકા ઘટીને ૬૭૮ હતી. નિફ્ટી ખાતે હિન્દાલ્કો ૩.૭ ટકા પીગળી ટૉપ લૂઝર બન્યો છે. ONGC ૩.૨ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૨.૯ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝિસ અઢી ટકા, JSW સ્ટીલ ૨.૯ ટકા, ટ્રેન્ટ પોણાબે ટકા, લાર્સન ૩.૪ ટકા, બજાજ ફિનસર્વ ૧.૧ ટકા, સનફાર્મા સવા ટકો કટ થઈ છે. ICICI બૅન્ક સુધારાની ચાલ જાળવી રાખતાં અઢી ગણા કામકાજે ઉપરમાં ૧૪૪૨ થઈ અડધો ટકો વધી ૧૪૩૫ રહી છે. બાલાજી એમાઇન્સ ૫૬૮ ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૧૨૫૨ થઈ ૧૩.૭ ટકાની તેજીમાં ૧૨૨૦ બંધ આપી એ-ગ્રુપમાં ઝળકી છે. આલ્કલી એમાઇન્સ ઉપરમાં ૧૬૬૧ થઈ ૨.૭ ટકા ઊંચકાઈને ૧૫૮૦ હતી.
અમેરિકન ડાઉ ૪૯,૬૨૧ની નવી વિક્રમી સપાટી હાંસલ કરી એક ટકાના ઘટાડે ૪૮,૯૯૬ બુધવારની મોડી રાત્રે બંધ હતો એની પાછળ ટ્રમ્પના ઉધામામાં તમામ અગ્રણી એશિયન બજાર ગુરુવારે ઢીલાં હતાં. એકમાત્ર સાઉથ કોરિયા પૉઝિટિવ બાયસમાં ફ્લૅટ હતું. થાઇલૅન્ડ બે ટકા, જપાન અને હૉન્ગકૉન્ગ સવા ટકો તથા અન્યત્ર નહીંવત્ નરમાઈ હતી. જર્મન ડેક્સ રનિંગમાં અડધો ટકો વધી ૨૫,૨૫૦ ઉપર નવી ટોચે ચાલતો હતો. અન્ય યુરોપનાં બજાર નહીંવત્ કમજોર દેખાયાં છે. કરાચી શૅરબજાર ૧૮,૭૯૦૫ની નવી ટૉપ બનાવી રનિંગમાં ૧૨૩૨ પૉઇન્ટ વધી ૧૮૭૭૫૧ હતું. બિટકકૉઇન એક ટકો ઘટીને ૯૦,૨૮૦ ડૉલર ચાલતો હતો. બ્રેન્ટ ક્રૂડ ૬૦ ડૉલરે ટકેલું છે. સોનું અડધો ટકો તો કકૉમેક્સ સિલ્વર પોણાત્રણ ટકા નરમ હતી. કૉપર તથા ઝિન્ક અઢી ટકા તથા ઍલ્યુમિનિયમ સવા ટકો ડાઉન થયું છે.
આજે શુક્રવારે બે નવાં ભરણાં ખૂલશે. મેઇન બોર્ડમાં સરકારની ૬૩.૧ ટકા માલિકીની કોલ ઇન્ડિયા એની ૧૦૦ ટકા માલિકીની ભારત કોકિંગ કોલનો ૧૦ના શૅરદીઠ ૨૩ની અપરબૅન્ડમાં કુલ ૧૦૭૧ કરોડ રૂપિયાનો પ્યૉર ઑફર ફૉર સેલ IPOઓ કરવાની છે. ૧૯૩૨માં સ્થપાયેલી આ કંપની દેશમાં કોકિંગ કોલની સૌથી મોટી ઉત્પાદક છે. કંપનીએ ગયા વર્ષે પોણાબે ટકા ઘટાડામાં ૧૪,૪૦૧ કરોડની આવક પર ૨૦.૭ ટકા ઘટાડામાં ૧૨૪૦ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં આવક ૬૩૧૧ કરોડ તથા નેટ નફો ૧૨૪ કરોડ થયો છે. દેવું ૧૫૫૯ કરોડનું છે. ઇશ્યુ બાદ પણ કંપનીની ઇક્વિટી યથાવત્ ૪૬૫૭ કરોડ રહેવાની છે જેમાં કોલ ઇન્ડિયાનું હોલ્ડિંગ ૯૦ ટકા હશે. રિઝર્વ હાલ ૧૦૦૬ કરોડની છે. છેલ્લાં બે વર્ષ પૂર્વે રિઝર્વ માઇનસમાં ૮૫૩ કરોડ હતી. મતલબ કે કંપની અગાઉનાં વર્ષોમાં સતત સારી એવી ખોટ કરતી હતી. શૅરદીઠ કમાણી પોસ્ટ ઇશ્યુ ધોરણે માત્ર ૫૩ પૈસા છે. મતલબ કે ઇશ્યુ પ્રાઇસ ૪૩ પ્લસનો અતિ ઊંચો PE બતાવે છે. એની સામે કોલ ઇન્ડિયાનો શૅર અત્યારે સાડાઆઠના PEમાં મળે છે. ભારત કોકિંગ કોલમાં ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૧૩થી શરૂ થઈ ઉપરમાં ૧૬ પ્લસ થયા બાદ ઘટીને હાલમાં ૧૧ થઈ ગયું છે.
હરિયાણાના ફરીદાબાદની ડીફ્રેઇલ ટેક્નૉલૉજીઝ ૧૦ના શૅરદીઠ ૭૪ની અપરબૅન્ડમાં ૧૩૭૭ લાખનો BSE SME ઇશ્યુ આજે કરશે. વિવિધ ઉદ્યોગ માટે રબર પાર્ટ્સ તથા રબર કમ્પોનન્ટ્સ બનાવતી ૨૦૨૩માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૬૨૨૨ લાખની આવક પર ૩૪૨ લાખ નેટ નફો કર્યો છે. ચાલુ વર્ષે ૬ મહિનામાં આવક ૩૯૦૮ લાખ અને નેટ પ્રૉફિટ ૧૫૧ લાખ થયો છે. દેવું ૧૧૭૮ લાખનું છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધીને ૭૦૨ લાખ થશે. ચાલુ વર્ષના ૬ મહિનાની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૧૭.૩નો PE બતાવે છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૬થી શરૂ થયું છે.
ગઈ કાલે ગોબિઅન ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૮૧ના ભાવનો ૨૯૧૬ લાખનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૮૬૨ ગણા અને કુલ ૮૨૫ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ વધીને ૩૨ ચાલે છે. કલકત્તાની યજુર ફાઇબર્સનો ૧૦ના શૅરદીઠ ૧૭૪ની ઇશ્યુ પ્રાઇસવાળો ૧૨૦ કરોડ પ્લસનો BSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ સવા ગણો તથા વિક્ટરી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઇન્ડિયાનો પાંચના શૅરદીઠ ૪૧ના ભાવનો ૩૪૫૬ લાખનો NSE SME ઇશ્યુ કુલ ૩૬ ટકા ભરાયો છે. યજુરમાં ૬૦થી શરૂ થયેલું પ્રીમિયમ તૂટીને હાલમાં પાંચ થઈ ગયું છે. વિક્ટરીમાં સોદા શરૂ થયા નથી.
મૅકવાયર તરફથી દેવયાની, વેસ્ટલાઇફ, જ્યુબિલન્ટ ફૂડ્સ તેમ જ અન્ય ક્વિક સર્વિસિસ રેસ્ટોરાં શૅરમાં બરિશ વ્યુ સાથે ટાર્ગેટ પ્રાઇસ ઘટાડવામાં આવી છે. એણે દેવયાની ઇન્ટરમાં ૧૬૦, વેસ્ટ લાઇફ ફૂડ વર્ક્સમાં ૬૦૦, સોફાપર ફૂડ્સમાં ૨૭૦, જ્યુબિલન્ટ ફૂડ્સમાં ૪૬૦ની ટાર્ગેટ પ્રાઇસ આપી છે તો મૉર્ગન સ્ટેનલીએ સ્વિગીમાં ૪૧૪, એટર્નલમાં ૪૧૭, દિલ્હીવરીમાં ૪૪૫ની નવી ઘટાડેલી ટાર્ગેટ પ્રાઇસ જાહેર કરી છે. ગઈ કાલે દેવયાની ઇન્ટર પોણાબે ટકા ઘટીને ૧૩૬, સેફાયર ફૂડ્સ ૩.૩ ટકા ઘટી ૨૨૧, વેસ્ટલાઇફ દોઢ ટકો ઘટી ૫૧૮, જ્યુબિલન્ટ ફૂડ્સ બે ટકા ઘટીને ૫૨૬, સ્પેશ્યલિટી રેસ્ટોરાં ૧.૪ ટકા ઘટીને ૧૧૭, ટ્રાવેલ ફૂડ સર્વિસિસ દોઢ ટકો ઘટી ૧૧૩૩, યુનાઇટેડ ફૂડ બ્રૅન્ડ્સ બે ટકા ઘટીને ૨૧૭, વિક્રમ કામત ૧.૭ ટકા ઘટી ૫૭, રેસ્ટોરાં બ્રૅન્ડ્સ એશિયા બે ટકા ઘટીને ૬૬ બંધ રહી છે. એટર્નલ એકાદ ટકો સુધરી ૨૮૩ તો સ્વિગી ૨.૩ ટકા ઘટી ૩૫૩ બંધ થઈ હતી. દિલ્હીવરી સવા ટકો નરમ હતી.
ગાર્મેન્ટ્સ ટેક્સટાલ્સમાં ગોકળદાસ એક્સપોર્ટ્સ ૨૦ ગણા વૉલ્યુમે ૫૯૭ની વર્ષની બૉટમ બનાવી ૮.૫ ટકા તૂટીને ૬૪૬ રહી છે. રિયલ્ટી કંપની સિગ્નેચર ગ્લોબલ ૯૫૩ના તળિયે જઈ ૮.૨ ટકા તરડાઈને ૧૦૧૨ થઈ છે. અવંતી ફીડ્સ ૮.૫ ટકા તૂટી છે. પરિણામ પછી એઇમ્કો એલિકૉન નીચામાં ૧૪૪૧ થઈ ૮.૭ ટકા કે ૧૪૧ રૂપિયા વધીને ૧૭૬૮ રહી છે. CWD લિમિટેડ ૧૦ ટકાની નીચલી સર્કિટમાં ૩૬૮ બતાવી છેલ્લે ૧૦ ટકા ખરડાઈને ત્યાં જ બંધ આવી છે.
છેલ્લાં પાંચ સેશનથી સતત પાંચ ટકાની મંદીની સર્કિટમાં બંધ રહેતી અમદાવાદની એ-વન લિમિટેડ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ગઈ કાલે વધુ પાંચ ટકા તૂટીને ૪૧ થઈ ત્યાં જ બંધ રહી છે. તામિલનાડુના ઇરોડ ખાતેની SKM એગ પ્રોડક્ટસ એક્સપોર્ટ ઇન્ડિયા સોમવારે ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થશે. ભાવ ગઈ કાલે ૬.૩ ટકા ગગડીને ૩૪૫ હતો. શૅરની બુકવૅલ્યુ ૧૨૯ જેવી છે. મેઇડન બોનસ બાકી છે. ૧૦ના શૅરનું એક રૂપિયામાં વિભાજન નક્કી કર્યાની અસરમાં આગલા દિવસે ૧૭૮૪ની વર્ષની ટૉપ બનાવી ૪ ટકા ઊંચકાઈને ૧૭૬૯ બંધ રહેલી શ્રી અધિકારી બ્રધર્સ ગઈ કાલે ૧૮૫૮ની નવી ટૉપ બતાવી ૪.૮ ટકા ઊછળી ૧૮૫૫ થઈ છે. અમદાવાદી સિલ્વર ટચ ટેક્નૉલૉજીઝ તરફથી ૧૬મીએ બોનસ અને શૅરવિભાજન માટે બોર્ડ-મીટિંગ નક્કી થયા પછી સપ્તાહમાં ૪૪ ટકા વધી ગયેલો શૅર ગઈ કાલે ૧૬૬૧નું બેસ્ટ લેવલ દેખાડીને બે ટકા વધીને ૧૬૧૫ રહ્યો છે.
બ્રોકરેજ ફર્મ એન્જલ વનની બોર્ડ-મીટિંગ ૧૫મીએ પરિણામ ઇન્ટરિમ ડિવિડન્ડ તથા શૅર વિભાજન માટે મળશે એવી નોટિસ વાગતાં શૅર ગઈ કાલે ઉપરમાં ૨૫૧૭ થઈ અઢી ટકા ગગડી ૨૪૧૧ બંધ થયો છે. પાંચમી જૂને ભાવ ૩૨૮૩ના શિખરે ગયો હતો. ગયા મહિને આઇઆરબી ઇન્ફ્રાની ટોલ રેવન્યુ ૧૨ ટકા વધીને ૭૫૪ કરોડ થઈ છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૪૩.૩૪ થઈ સાધારણ ઘટીને ૪૨.૨૦ હતો. ગ્લેન્ડફાર્માની આંખોની ઍલર્જીના ઇલાજ માટેની ડ્રગને અમેરિકન FDAની મંજૂરી મળતાં શૅર ઉપરમાં ૧૭૯૬ થયા બાદ સવા ટકો ઘટીને ૧૬૮૮ બંધ આવ્યો છે. પેનેસિયા બાયોટેક તરફથી ડેન્ગીની વૅક્સિન ડેન્ગીઑલના ક્લિનિકલ ટ્રાયલનો ત્રીજો તબક્કો પરિપૂર્ણે થયો હોવાના અહેવાલમાં શૅર ઉપરમાં ૪૪૭ વટાવી અંતે સાડાબાર ટકા ઊંચકાઈને ૪૩૧ થયો છે. ચૉઇસ ઇન્સ્ટિટયૂટ ઇક્વિટીઝે ઓરિઅન-પ્રો સૉલ્યુશન્સમાં ૧૮૮૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આપ્યો છે. શૅર બમણા કામકાજે ઉપરમાં ૧૧૬૩ થઈ અડધો ટકો સુધરી ૧૧૨૦ હતો. મિશો લિમિટેડમાં સિનિયર મૅનેજમેન્ટ લેવલે એક્ઝિટ થઈ હોવાના સમાચારે ભાવ ચાર ગણા કામકાજે પાંચ ટકાની નીચલી સર્કિટે ૧૬૪ થઈ છેવટે ૪.૭ ટકા ઘટી ૧૬૫ રહ્યો છે. ૧૮ ડિસેમ્બરે શૅરમાં ૨૬૫ નજીકની ટૉપ બની હતી.
વિશ્વબજારમાં તાજેતરની તેજી બાદ મેટલના ભાવમાં મોટા પાયે પ્રૉફિટ બુકિંગ આવતાં ઘરઆંગણે મેટલ શૅરોમાં મોટાં ગાબડાં પડ્યાં છે. મેટલ ઇન્ડેક્સ ૧૩માંથી ૧૩ શૅરના બગાડમાં ૩.૩ ટકા કે ૧૨૭૧ પૉઇન્ટ તથા નિફ્ટી મેટલ ૩.૪ ટકા કે ૩૯૨ પૉઇન્ટ ગગડ્યો છે. ચાંદી ૮૨ ડૉલર પર નવા બેસ્ટ લેવલ બાદ તૂટીને ૭૫ ડૉલરે આવી ગઈ છે. એમાં હિન્દુસ્તાન ઝિન્ક નીચામાં ૫૮૮ થઈ સવાછ ટકા ખરડાઈ ૫૯૦, નાલ્કો ૫.૪ ટકા લથડીને ૩૩૩, હિન્દાલ્કો ૩.૭ ટકા તૂટી ૯૦૩ તથા વેદાન્તા નીચામાં ૫૯૫ બતાવી ત્રણ ટકા બગડી ૬૦૩ બંધ હતો. હિન્દુસ્તાન કૉપર ૫.૪ ટકા પીગળી ૫૨૧ હતો. સ્ટીલ શૅરમાં તાતા સ્ટીલ બે ટકા, જિન્દલ સ્ટેનલેસ ૫.૫ ટકા, સેઇલ અઢી ટકા, JSW સ્ટીલ ૨.૮ ટકા, જિન્દલ સ્ટીલ ૫.૬ ટકા ડૂલ થઈ છે. NMDC ૫.૩ ટકાની ખરાબીમાં ૮૧ રહી છે. સેકન્ડરી મેટલ શૅરમાં પ્રિસિઝન વાયર્સ ૯.૩ ટકા, ક્યુબેક્સ ટ્યુબિંગ્સ ૪.૮ ટકા, મુકંદ ૪.૮ ટકા, ગ્રેવિટા ઇન્ડિયા ૩.૭ ટકા, KIOCL પાંચ ટકા, NMDC સ્ટીલ સાત ટકા, સર્દા એનર્જી ઍન્ડ મિનરલ્સ ત્રણ ટકા, જય બાલાજી ઇન્ડસ્ટ્રીઝ ચાર ટકા, પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ ૩.૮ ટકા સાફ થઈ છે. મિનરલ્સ શૅરમાં MOIL સવાસાત ટકા, GMCG સાડાછ ટકા, કચ્છ મિનરલ્સ પાંચ ટકા, લૉઇડ્સ મેટલ્સ ૪.૨ ટકા, આશાપુરા માઇન ચાર ટકા, ગોવા કાર્બન ૩.૮ ટકા ડૂલ થઈ છે.
ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૩.૨ ટકા તો એનર્જી ઇન્ડેક્સ ૨.૬ ટકા ધોવાયો છે. હિન્દુસ્તાન પેટ્રો ૫.૨ ટકા, ભારત પેટ્રો ૩.૭ ટકા, ઇન્ડિયન ઑઇલ ૩.૬ ટકા, પેટ્રોનેટ ત્રણ ટકા, ONGC ૩.૨ ટકા, ઑઇલ ઇન્ડિયા ૨.૨ ટકા, ગેઇલ ત્રણ ટકા, સાંડૂર મૅન્ગેનીઝ ૯.૪ ટકા, ગાંધાર ઑઇલ ૩.૪ ટકા, દીપ ઇન્ડસ્ટ્રીઝ ૪.૯ ટકા, MRPL અઢી ટકા, ચેન્નઈ પેટ્રો ત્રણ ટકા, એશિયન એનર્જી ૭.૮ ટકા કપાઈ હતી. પાવર તથા યુટિલિટીઝ બેન્ચમાર્ક બેથી ત્રણ ટકા જેવો ડાઉન હતો. આઇનોક્સ ગ્રીન, સતલજ જલ વિદ્યુત નિગમ, કેપી ગ્રીન એનર્જી, JITF ઇન્ફ્રા, ડેન્ટા વૉટર, અદાણી એનર્જી, અદાણી ગ્રીન, PTC ઇન્ડિયા, ભેલ, સુઝલોન, સીઈએસસીમાં ત્રણથી પાંચ ટકાનો અંધારપટ છવાયો હતો.