ઘણા દિવસે પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થ સામે શૅરબજારમાં સુધારો જોવાયો

20 December, 2025 07:45 AM IST  |  Mumbai | Anil Patel

અદાણી એન્ટરપ્રાઇઝનો પાર્ટપેઇડ ઑલ ટાઇમ તળિયે, ભારતી ઍરટેલનો પાર્ટપેઇડ તગડા ઉછાળા સાથે નવા શિખરે : જૅપનીઝ મિત્સુબિશી ગ્રુપ ૪૦,૦૦૦ કરોડના રોકાણથી શ્રીરામ ફાઇનૅન્સમાં ૨૦ ટકા હિસ્સો લેશે, શૅર નવા ટૉપ સાથે નિફ્ટીમાં ટૉપ ગેઇનર

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જૅપનીઝ સેન્ટ્રલ બૅન્ક તરફથી વ્યાજદર વધારીને પોણો ટકો કરવામાં આવ્યો છે. આના પગલે ત્યાં હવે વ્યાજદર વધીને ૧૯૯૫ પછીની ટોચે પહોંચી ગયા છે. વિશ્લેષકો માને છે વાત આટલેથી અટકવાની નથી. આગામી વર્ષે પણ બૅન્ક ઓફ જપાન તરફથી વ્યાજદર વધારવાની નીતિ ચાલુ રહેશે. જપાન ખાતે વ્યાજદર વધતાં યેનની વૅલ્યુ તેમ જ યેન કૅરી ફૉર્વર્ડ ટ્રેડ ઉપર એની અસર થવાની છે. યેન મોંઘો થાય એ ભારત ખાતે જૅપનીઝ સહયોગથી ચાલતી કંપનીઓ માટે માઠા સમાચાર બનશે. જૅપનીઝ નિક્કી ગઈ કાલે સવા ટકો વધીને બંધ થયો છે. ઇન્ડોનેશિયાની નજીવી નરમાઈ બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજાર પ્લસ રહ્યાં છે. હૉન્ગકૉન્ગ અને તાઇવાન પોણા ટકાથી વધુ, સાઉથ કોરિયા અડધા ટકાથી વધુ તો ચાઇના સાધારણ વધ્યુ હતું. યુરોપ સાંકડો સુધારો રનિંગમાં બતાવતું હતું. બિટકૉઇન ત્રણેક ટકા ઊંચકાઈને ૮૮,૦૧૮ ડૉલર ચાલતો હતો. અમેરિકા ખાતે ફુગાવાના આંકડા સારા આવ્યા છે. મતલબ કે ફુગાવો વધ્યો નથી એટલે ફેટરેટમાં ઘટાડાની આશાને ટેકો મળી ગયો છે. બ્રૅન્ટ ક્રૂડ ૬૦ ડૉલરની અંદર જ છે. સોનું સ્થિર તથા કૉમેક્સ સિલ્વર એક ટકો અપ હતી. પાકિસ્તાની શૅરબજાર ૧,૭૨,૬૭૫ નજીક નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી રનિંગમાં ૪૧૯ પૉઇન્ટ સુધરી ૧,૭૨,૩૮૦ દેખાયું છે.

ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૨૭૫ પૉઇન્ટ વધી ૮૪,૭૫૭ નજીક ખૂલી છેવટે ૪૪૭ પૉઇન્ટના સુધારામાં ૮૪,૯૨૯ અને નિફ્ટી ૧૫૧ પૉઇન્ટ વધીને ૨૫,૯૬૬ બંધ રહ્યો છે. આરંભથી અંત સુધી પૉઝિટિવ રહેલા માર્કેટમાં શૅરઆંક નીચામાં ૮૪,૭૩૫ અને ઉપરમાં ૮૫,૦૬૭ થયો હતો. માર્કેટ બ્રેડ્થ ઘણા દિવસ પછી મજબૂત જોવા મળી છે. NSEમાં વધેલા ૨૧૮૫ શૅર સામે ૯૩૯ જાતો નરમ હતી. માર્કેટકૅપ ૫.૪૪ લાખ કરોડ વધી ૪૭૧.૨૧ લાખ કરોડ થયું છે. બન્ને બજારનાં બધાં જ સેક્ટોરલ સુધારામાં હતાં. રિયલ્ટી સવા ટકો, કૅપિટલ ગુડ્સ ૧.૭ ટકા, હેલ્થકૅર ૧.૧ ટકા, ટેલિકૉમ દોઢ ટકા, પાવર અને યુટિલિટી સવા ટકો તો નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ બે ટકા ઊંચકાયો છે. મેટલ ઇન્ડેક્સ નામપૂરતો સુધર્યો હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી સાધારણ વધ્યો છે.

જૅપનીઝ મિત્સુબિશી UFT ફાઇ. ગ્રુપ શ્રીરામ ફાઇનૅન્સમાં શૅરદીઠ ૮૪૧ની ફ્લોર પ્રાઇસથી ૨૦ ટકા હિસ્સો ૩૯,૬૧૮ કરોડ રૂપિયામાં લેવા સક્રિય બનતાં શ્રીરામ ફાઇ.નો ભાવ ૯૧૩ ઉપરની નવી વિક્રમી સપાટી બનાવી ૩.૬ ટકા વધી ૯૦૧ બંધમાં નિફ્ટી ખાતે ઝળક્યો છે. મેક્સ હેલ્થકૅર પોણાત્રણ ટકા, બજાજ ઑટો બે ટકા, આઇશર મોટર્સ દોઢ ટકા પ્લસ હતી. સેન્સેક્સમાં ભારત ઇલે. ૨.૪ ટકા વધીને મોખરે હતી. પાવરગ્રીડ સવાબે ટકા, તાતા મોટર્સ પૅસેન્જર બે ટકા એશિયન પેઇન્ટ્સ ૧.૪ ટકા વધી છે. રિલાયન્સ ૧.૪ ટકા વધીને ૧૫૬૬ બંધમાં બજારને ૧૨૩ પૉઇન્ટ ફળી છે. જિયો ફાઇનૅન્સ દોઢ ટકા સુધરી છે. ટાઇટન ૩૯૬૨ના શિખરે જઈને સાધારણ સુધરી ૩૯૩૦ હતી. તાતા મોટર્સ પોણ બે ટકાની પીછેહઠમાં ૩૯૪ રહી છે.

ભારતી ઍરટેલ ઉપરમાં ૨૧૧૭ નજીક જઈને નજીવી સુધરી ૨૦૯૪ હતી, પણ એનો પાર્ટપેઇડ ૧૬૮૮ના બેસ્ટ લેવલે જઈને ૮.૬ ટકા ઊછળી ૧૬૬૭ થયાં છે. અદાણી એન્ટર પોણો ટકો વધી ૨૨૪૫ હતી. એનો પાર્ટપેઇડ શૅર ૧૨૮૦ના વર્સ્ટ લેવલે જઈને નહીંવત્ ઘટીને ૧૩૦૭ રહ્યા છે. HCL ટેક્નો ૧.૧ ટકા, હિન્દાલ્કો અડધો ટકો, JSW સ્ટીલ ૦.૩ ટકા, કોટક બૅન્ક સાધારણ નરમ હતા. HDFC ૦.૬ ટકા વધી ૯૮૬ના બંધમાં બજારને ૮૧ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. પુણેની KSH ઇન્ટર.નો પાંચના શૅરદીઠ ૩૮૬ના ભાવનો ૭૧૦ કરોડનો IPO છેલ્લા આંકડા પ્રમાણે ૮૭ ટકા રિસ્પૉન્સ મળતાં ફ્લૉપ ગયો છે. હવે OFS પોર્શન ઍડ્જસ્ટ કરી ઇસ્યુને પાર લગાડવાની તજવીજ શરૂ થઈ છે.

દાચીપલ્લીના ઇશ્યુએ એસ. ચાંદ ઍન્ડ કંપની યાદ કરાવી દીધી

સોમવારે ૪ ભરણાં ખૂલશે. મેઇન બોર્ડની બરોડા ખાતેની ગુજરાત કિડની ઍન્ડ સુપર સ્પેશ્યલિટી કે જીક્લાસ લિમિટેડ બેના શૅરદીઠ ૧૧૪ની અપરબૅન્ડમાં કુલ ૨૫૧ કરોડનો ઇશ્યુ કરવાની છે. ૨૦૧૯માં સ્થપાયેલી આ કંપની બરોડા ખાતે બે, આણંદ ખાતે બે, ભરૂચ બોરસદ અને ગોધરા ખાતે એક-એક એમ કુલ મળીને ૭ મલ્ટિ સ્પેશ્યલિટી હૉસ્પિટલ્સ તથા ૪ ફાર્મસી ચલાવે છે. ટોટલ બેડ ૪૯૦ છે. એમાંથી ઑપરેશનલ કૅપિસિટી ૩૪૦ બેડની છે. છેલ્લાં ૩માંથી બે વર્ષ પ્રૉફિટનો ટ્રેડ રેકૉર્ડ હોવાથી ઇશ્યુમાં QIB પોર્શન ૭૫ ટકા અને રીટેલ પોર્શન ૧૦ ટકા રખાયો છે. કંપનીએ ગયા વર્ષે ૬૩૭ ટકા વધારામાં ૪૦૪૦ લાખ આવક તથા ૪૫૪ ટકા વૃદ્ધિદરથી ૯૫૦ લાખ નેટ નફો કર્યો છે. ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં આવક ૧૫૨૭ લાખ અને નફો ૫૪૦ લાખ થયો છે. દેવું ૪૦૩ લાખનું છે. ઇશ્યુના ભંડોળમાંથી કંપની ૭૭ કરોડ અમદાવાદની પારેખ્સ હૉસ્પિટલના ટેક ઓવક પાછળ વાપરશે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર ૬ પૈસાથી માંડી પોણાચાર રૂપિયા જેવી છે. ઇશ્યુ બાદ ઇ​ક્વિટી વધીને ૧૫૭૭ લાખ થશે. એમાં પ્રમોટર્સ હો​લ્ડિંગ ૭૧.૫ ટકા રહેશે. છેલ્લા દોઢ વર્ષની કમાણીના આંકડા અતિ ઊંચો ગ્રોથ બતાવે છે. ગયા વર્ષની અર્નિંગ પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૯૫નો ઘણો મોંઘો પીઇ બતાવે છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ હાલ ૮ આસપાસ છે.

SME સેગમેન્ટમાં સોમવારે ૩ ભરણાં છે. હૈદરાબાદની ઇલેક્ટ્રૉનિક્સ રિફર્બિસિંગ કંપની EPW ઇન્ડિયા વપરાયેલાં કે જૂનાં લૅપટૉપ, ડેસ્કટૉપ, ક્રોમબુક્સ, મૉનિટર્સ ઇત્યાદિને નવાં બનાવીને વેચે છે. કંપની પાંચના શૅરદીઠ ૯૭ના ભાવથી કુલ ૩૧૮૧ લાખનો NSE SME IPO કરી રહી છે. ગયા વર્ષે ૧૮૮ ટકા વધારામાં ૫૩૩૪ લાખની આવક ઉપર ૪૮૫ ટકા વધારાથી ૪૩૩ લાખ નફો બતાવી દીધો છે. ચાલુ વર્ષે ૬ મહિનામાં ૪૪૦૪ લાખની આવક અને ૪૦૨ લાખ નફો ચોપડે દેખાડ્યો છે. દેવું જે માર્ચ ૨૪ના અંતે માત્ર ૨૩ લાખ હતં એ વધીને હાલ ૧૬૯૬ લાખ થઈ ગયું છે. બીજી કંપની પણ હૈદરાબાદની છે.

પાઠ્ય પુસ્તકો તેમ જ અન્ય એજ્યુકેશનલ કન્ટેન્ટના પ​બ્લિશિંગ બિઝનેસમાં પ્રવૃત દાચીપલ્લી પબ્લિશર્સ ૧૦ના શૅરદીઠ ૧૦૨ના ભાવથી કુલ ૪૦૩૯ લાખનો BSE SME ઇશ્યુ કરવાની છે. ગયા વર્ષે ૨૬ ટકા વધારામાં ૬૪૨૫ લાખ આવક ઉપર ૧૨૮ ટકા વધારાથી ૭૫૬ લાખની આવક ઉપર ૭૬૨ લાખ નફો બતાવ્યો છે. દેવું ૪૧૨૪ લાખ છે. અગાઉ આ જ સેક્ટરની નવી દિલ્હીની એસ. ચાંદ ઍન્ડ કંપની એપ્રિલ ૨૦૧૭ની આખરમાં પાંચના શૅરદીઠ ૬૭૦ની અપરબૅન્ડમાં ૪૦૩ કરોડની OFS સહિત કુલ ૭૨૮ કરોડનો ઇશ્યુ લાવી હતી. ઍ​ક્સિસ બૅન્ક અને જે. એમ. ફાઇનૅન્સ લીડ મૅનેજર હતા. ૯ મે ૨૦૧૭ના રોજ શૅર લિ​સ્ટિંગમાં ૭૦૭ની વિક્રમી સપાટી બનાવી ૬૭૬ બંધ થયો હતો અત્યારે ભાવ ૧૬૨ ચાલે છે. ૨ માર્ચ ૨૦૨૦ના રોજ શૅરમાં ૩૪ની નીચેનું ઑલટાઇમ બૉટમ બન્યું હતું. જયપુરની આખા તથા દળેલા મરી મસાલાનો વેપાર તથા નિકાસ કરતી શ્યામ ધાણી ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવથી ૩૮૪૯ લાખનો NSE SME ઇશ્યુ સોમવારે કરશે. કંપનીએ ગયા વર્ષે ૧૬ ટકા વધારામાં ૧૨૫ કરોડ નજીકની આવક ઉપર ૨૮ ટકા વધારામાં ૮૦૪ લાખ નેટનફો કર્યો છે. ૬ મહિનાની આવક આ વર્ષે ૬૪ કરોડ જેવી તથા નફો ૪૨૦ લાખ થયો છે. દેવું ૪૮૧૮ લાખનું છે. લીડમૅનેજમેન્ટ ખેલાડી છે. ગ્રેમાર્કેટમાં ૨૧થી શરૂ થયેલું પ્રીમિયમ વધીને હાલ ૪૦ બોલાય છે. EPW ઇન્ડિયામાં હાલ ઝીરો અને દાચીપલ્લીમાં શૂન્ય પ્રીમિયમ છે. 

અમેરિકન સેનેટની બાયોસિક્યૉર ઍક્ટને મંજૂરીથી ફાર્મામાં સિલે​ક્ટિવ ફૅન્સી

ઓલા ઇલે​ક્ટ્રિક્સ તાજેતરની ખરાબી બાદ પ્રમોટર્સની રોકડી અટકતાં ગઈ કાલે ૪ ગણા કામકાજે ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૩૪ વટાવી ત્યાં જ બંધ થયો છે. સરકારની ૯૦ ટકા માલિકીની ભારે ખોટમાં ચાલતી ITI લિમિટેડ કુલ ૯૧ એકરથી વધુના ૪ લૅન્ડ પાર્સલ વેચવાની તૈયારીમાં છે. એની વૅલ્યુ ૩૪૭૩ કરોડ કહેવાય છે. આ અહેવાલ પાછળ શૅર ગણા વૉલ્યુમે ઉપરમાં ૩૩૧ વટાવી ૬.૨ ટકાના ઉછાળે ૩૧૩ બંધ થયો છે. ગ્રોવાળી બિલ્યન બ્રેઇન્સ ગેરાજમાં જેફરીઝ તરફથી ૧૮૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ આવતાં ભાવ ૪ ગણા કામકાજે ઉપરમાં ૧૬૩ પાર જઈને ૧૧.૮ ટકાની તેજીમાં ૧૬૧ થયો છે. ૧૮ નવેમ્બરે અત્રે ૧૯૪ નજીકની વિક્રમી સપાટી બની હતી. અરવિંદ લિમિટેડમાં પુનીત લાલભાઈ નવા સુકાની બનતાં શૅર ૩.૪ ટકા વધી ૩૨૦ રહ્યાં છે. લિસ્ટિંગ બાદ તેજીની ચાલમાં ૧૧૧ની ઇશ્યુ પ્રાઇસ સામે બમણાથી વધુ ૨૫૫ નજીકના શિખરે ગયેલી મીશો લિમિટેડ ગઈ કાલે વિરામના મૂડમાં નીચામાં ૨૧૮ થઈ ૪.૭ ટકા ગગડી ૨૨૪ બંધ આવી છે.

અમેરિકન સેનેટ દ્વારા બાયોસિક્યૉર ઍક્ટને લીલી ઝંડી મળતાં કૉન્ટ્રૅક્ટ ડેવલપમેન્ટ ઍન્ડ મૅન્યુફૅક્ચરિંગ ઑર્ગેનાઇઝેશન સેગમેન્ટની ભારતીય કંપનીઓ લાભમાં રહેવાની ગણતરી કામે લાગતાં ફાર્મા ક્ષેત્રના શૅરોમાં સિલે​ક્ટિવ ફૅન્સી જોવાઈ હતી. વૉકહાર્ટ ઉપરમાં ૧૪૮૫ થઈ સવાબે ટકા વધી ૧૪૧૦, સ્પાર્ક ૧૪૭ વટાવી સાડાનવ ટકા વધી ૧૪૪, ડિવીઝ લૅબ ૬૬૦૦ થયા બાદ દોઢ ટકા વધીને ૬૪૭૨, બ્લીસ જીવીએસ ફાર્મા ૧૭૭ વટાવી ૮ ટકાની મજબૂતીમાં ૧૭૩ બંધ થઈ છે. અન્યમાં મોરપેન લૅબ ૫.૪ ટકા, ગુજરાત થેમિસ ૪.૯ ટકા, સ્ટ્રાઇડ ફાર્મા ૪.૫ ટકા, વિન્ડલાસ બાયો ૪.૪ ટકા, લૌરસ લૅબ સવાત્રણ ટકા, પિરામલ ફાર્મા ૨.૮ ટકા પ્લસ હતી. હેલ્થકૅર ઇન્ડેક્સ ૧૧૯માંથી ૯૫ શૅરની હૂંફમાં ૧.૧ ટકા સુધર્યો છે.

તાતાની ૪૪ ટકા માલિકીની તાતા એલેક્સી ગઈ કાલે ૧૫ ગણા વૉલ્યુમે ઉપરમાં ૫૫૪૯ બતાવી આઠ ટકા કે ૩૯૮ રૂપિયાના જમ્પમાં ૫૪૧૨ થઈ IT ઇન્ડેક્સના ૭૭માંથી વધેલા ૬૨ શૅરમાં મોખરે હતી. અગાઉ ADCC ઇન્ફોકેડસ તરીકે ઓળખાતી આગલા દિવસે ૭૯૭ નીચે વર્સ્ટ લેવલે જR પાંચ ટકાની તેજીમાં ૮૭૭ બંધ થયા પછી ગઈ કાલે વધુ એક ઉપલી સર્કિટમાં પાંચ ટકા વધીને ૯૨૧ નજીક જઈ ત્યાં જ બંધ થઈ છે. ડિફેન્સ કંપની DCX સિસ્ટમ્સ આગલા દિવસે ૧૫૩ના તળિયે જઈને ૧૫૭ બંધ થયા પછી ગઈ કાલે ૩૭ ગણા વૉલ્યુમે ૧૯ ટકા ઊછળી ૧૮૭ બંધ આવી છે. શ્રી રેણુકા શુગર બમણા કામકાજે પાંચ ટકા ખરડાઈને ૨૫.૬૨ બંધમાં એ-ગ્રુપ ખાતે વર્સ્ટ પર્ફોર્મર હતી. તાન્લા પ્લૅટફૉર્મ ૪.૯ ટકા ગગડી ૫૩૬ રહી છે. 

ICICI પ્રુડે​ન્શિયલ AMCમાં ધારણા મુજબનું દમદાર લિ​સ્ટિંગ

ગઈ કાલે હાઈ પ્રોફાઇલ ICICI પ્રુડે​ન્શિયલ AMC એકના શૅરદીઠ ૨૧૬૫ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૮૫થી શરૂ થઈ નીચામાં ૮૫ થયા બાદ વધતા રહી ઉપરમાં ૫૨૦ બતાવી છેલ્લે બોલાતા ૪૬૦ના પ્રીમિયમ સામે ૨૬૦૬ ખૂલી ૨૫૮૭ બંધ રહેતાં ૧૯.૫ ટકા કે ૪૨૨ રૂપિયાનો અહીં લિ​સ્ટિંગ ગેઇન મળ્યો છે. SME સેગમેન્ટમાં થાણેની અશ્વિની કન્ટેનર ૧૦ના શૅરદીઠ ૧૪૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ૬થી શરૂ થઈ ૯ થયા બાદ પાંચના બોલાતા પ્રીમિયમ સામે ૧૪૭ ખૂલી ૧૪૦ બંધ થતાં અત્રે સવા ટકાનો લિ​સ્ટિંગ લૉસ, શાકભાજીનો વેપાર કરતી અમદાવાદી કંપની સ્ટેનબિક ઍગ્રો ૧૦ના શૅરદીઠ ૩૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ૩૨ નજીક ખૂલી ૩૩ ઉપર બંધ થતાં ૧૧ ટકા લિ​સ્ટિંગ ગેઇન તેમ જ ગુડગાંવની એ​ક્ઝિમ રાઉટ્સ પાંચના શૅરદીઠ ૮૮ની ઇશ્યુ પ્રાઇસ અને ૬થી શરૂ થઈ નીચામાં ૩ બતાવી ઊછળીને ૧૮ થયા બાદ છેલ્લે ચાલતા ૩૨ના પ્રીમિયમ સામે ૧૧૦ ખૂલી ૧૧૫ બંધ રહેતાં ૩૧ ટકા લિ​સ્ટિંગ ગેઇન મળેલ છે. કચ્છની નેપચ્યુન લૉજિટેકનો SME IPO સોમવારે લિસ્ટેડ થશે. પ્રીમિયમ ઝીરો છે.

દરમ્યાન ગઈ કાલે ગુડગાંવની માર્ક ટેક્નોક્રેટસનો ૧૦ના શૅરદીઠ ૯૩ના ભાવનો ૪૨૫૯ લાખનો NSE SME ઇશ્યુ રીટેલમાં ૧૧ ગણા સહિત કુલ ૧૦ ગણો અને મુંબઈના અંધેરીની ગ્લોબલ ઓસિયન લૉજિ​​સ્ટિક્સનો ૧૦ના શૅરદીઠ ૭૮ના ભાવનો ૩૦૪૧ લાખનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૧૧ ગણા સહિત કુલ ૧૪ ગણો ભરાઈને પૂરો થયો છે. જ્યારે ઉદયપુરની ફાઇટોકેમ રેમેડીઝનો ૧૦ના શૅરદીઠ ૯૮ના ભાવનો ૩૮૨૨ લાખનો BSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૨૦ ટકા ભરાયો છે. માર્કે ટેક્નો ક્રેટ્સમાં છેલ્લે ૪ના પ્રીમિયમ શરૂ થયાં છે. 

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange