20 August, 2025 06:57 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
મારુતિ સુઝુકી, ટીવીએસ મોટર, અશોક લેલૅન્ડ, એસ્કોર્ટ્સ, મહિન્દ્ર આઇશર, હ્યુન્દાઇ મોટર જેવા ઓટો શૅર નવા બેસ્ટ લેવલે : સિમેન્ટ, હાઉસહોલ્ડ અપ્લાયન્સિસ અને કન્ઝ્યુમર ગુડ્સ શૅરોમાં તેજી વર્તાઈ : આઇટી, ટેક્નો, પાવર, નિફ્ટી મીડિયા અને નિફ્ટી ફાર્મા નહીંવતથી અડધો ટકો નરમ, બાકીનાં તમામ સેક્ટોરલ પ્લસ : સારા બજારમાં ઓલા ઇલેક્ટ્રિક માઇનસમાં બંધ રહી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી-બક્ષિસમાં GSTમાં ઘટાડો કરવાની આગોતરી જાહેરાત કરી દીધી છે. હાલમાં GSTના ૪ સ્લૅબ છે એ ઘટીને બે થઈ જશે જેના પર હાલમાં ૧૨ ટકા GST છે એમાંથી મોટા ભાગની આઇટમ પાંચ ટકાના સ્લૅબમાં અને ૨૮ ટકા GST છે એવી બહુમતી ચીજવસ્તુઓ અને સેવા ૧૮ ટકાના સ્લૅબમાં જશે એવા વરતારા શરૂ થઈ ગયા છે. જો ખરેખર આ રીતે બને તો લોકોને બેશક નોંધપાત્ર રાહત મળશે. રેટિંગ એજન્સી સ્ટા-પુઅર્સ તરફથી ભારતના રેટિંગને અપગ્રેડ કરાયાના સમાચાર વચ્ચે GSTમાં સંભવિત ઘટાડાની જાહેરાતથી શૅરબજાર પ્રારંભમાં ગેલમાં આવી ગયું હતું. સેન્સેક્સ આગલા બંધથી ૭૧૮ પૉઇન્ટ મજબૂત, ૮૧૩૧૬ ખૂલી ૬૭૬ પૉઇન્ટ વધી ૮૧૨૭૪ તથા નિફ્ટી ઉપરમાં ૨૫૦૨૨ બતાવી ૨૫૧ પૉઇન્ટ ઊંચકાઈને ૨૪૮૮૨ સોમવારે બંધ થયો છે. આરંભથી અંત સુધી સ્ટ્રૉન્ગ રહેલી માર્કેટમાં શૅરઆંક ઉપરમાં ૮૧૮૬૬ અને નીચામાં ૮૧૨૦૨ થયો હતો. બન્ને બજારનાં બહુમતી સેક્ટોરલ વધ્યાં છે. સેન્સેક્સ નિફ્ટીની ૦.૯ ટકા જેવી મજબૂતી સામે બ્રૉડર માર્કેટ અને રોકડું એક-સવા ટકો પ્લસ હતું. GSTના સૂચિત રીસ્ટ્રક્ચરિંગથી ઑટો, એસી, સિમેન્ટ્સ, કન્ઝ્યુમર ગુડ્સ, અમુક ચોક્કસ પ્રકારની સર્વિસિસ, બજેટ હોટેલ્સ ઇત્યાદિ મહત્તમ લાભમાં રહેવાની ગણતરી વહેતી થઈ છે. આની અસરમાં ઑટો ઇન્ડેક્સ ઉપરમાં ૫૬૫૪૮ વટાવીને છેવટે સવાચાર ટકા કે ૨૨૯૬ પૉઇન્ટની રેસમાં સૌથી મોખરે હતો. સોના કૉમસ્ટારની દોઢ ટકા નરમાઈને બાદ કરતાં એના ૨૦માંથી ૧૮ શૅર વધ્યા છે. કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી ઇન્ડેક્સ પોણાત્રણ ટકાની તેજીમાં હતો. એના ૩૦૨માંથી ૨૪૦ શૅર વધ્યા છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બેન્ચમાર્ક ત્રણ ટકા ઊછળ્યો છે. કલ્યાણ જ્વેલર્સ અઢી ટકા ઘટી હતી. બાકીના ૧૨ શૅર વધ્યા હતા. રિયલ્ટી ઇન્ડેક્સ ૨.૨ ટકા, મેટલ ઇન્ડેક્સ બે ટકા, નિફ્ટી FMCG ઇન્ડેક્સ સવા ટકો વધ્યા છે. બૅન્ક નિફ્ટી પોણો ટકો સુધર્યો હતો. આઇટી બેન્ચમાર્ક અડધો ટકો ઘટ્યો છે. ખાસ્સી પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૨૦૧૪ શૅરની સામે ૧૦૪૭ કાઉન્ટર માઇનસ થયાં છે. માર્કેટકૅપ ૬.૨૭ લાખ કરોડ વધી ૪૫૦.૯૬ લાખ કરોડ થઈ છે.
પ્રાઇમરી માર્કેટમાં ગઈ કાલે ત્રણ SME શૅરનું લિસ્ટિંગ થયું છે. સ્ટાર ઇમેજિંગ શૅરદીઠ ૧૪૨ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં પાંચના પ્રીમિયમ સામે ભાવોભાવ ૧૪૨ ખૂલી ૧૩૭ બંધ થતાં ત્રણ ટકાની લિસ્ટિંગ લૉસ મળી છે. ANB મેટલકાસ્ટ શૅરદીઠ ૧૫૬ની ઇશ્યુ પ્રાઇસ તથા ઝીરો પ્રીમિયમ સામે ૧૬૪ ખૂલી ઉપરમાં ૧૭૨ વટાવી ૧૭૨ બંધ રહેતાં એમાં ૧૦ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે જ્યારે મેડી સ્ટેપ હેલ્થકૅર ૪૩ની ઇશ્યુ પ્રાઇસ અને ૮ રૂપિયાના પ્રીમિયમ સામે ૫૩ ખૂલી ૫૦ બંધ રહેતાં ૧૭ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. બ્લુસ્ટોન જ્વેલરી તથા આઇકોડેક્સ પબ્લિશિંગનું લિસ્ટિંગ આજે છે. હાલમાં બન્નેમાં કોઈ સોદા ગ્રેમાર્કેટમાં નથી. તાજેતરમાં લિસ્ટેડ થયેલી JSW સિમેન્ટ ગઈ કાલે ૨.૭ ટકા વધી ૧૫૦ તથા ઑલટાઇમ પ્લાસ્ટિક્સ ત્રણ ટકા વધી ૨૯૧ બંધ થઈ છે.
અમેરિકન શૅરબજારમાં ડાઉ ઇન્ડેક્સ ૪૫૨૦૩ની ઑલટાઇમ હાઈ બનાવી નહીંવત્ સુધારે ૪૪૯૪૬ શુક્રવારે બંધ રહ્યા પછી ટ્રમ્પ-પુતિન વચ્ચેની બેઠક ‘ભેગા થયા, મળ્યા અને છૂટા પડ્યા’માં પરિણમતાં એશિયન બજારો સોમવારે બહુધા નરમ હતાં. સાઉથ કોરિયા દોઢ ટકો, થાઇલૅન્ડ સવા ટકો, સિંગાપોર એકાદ ટકો, હૉન્ગકૉન્ગ તથા ઇન્ડોનેશિયા સાધારણ ઘટ્યા છે. ચાઇના પોણા ટકાથી વધુ તથા જપાન એક ટકા નજીક પ્લસ હતું. તાઇવાન અડધો ટકો સુધર્યું છે. યુરોપ રનિંગમાં સામાન્યથી અડધો ટકો ઢીલું હતું. બિટકૉઇન રનિંગમાં બે ટકાની ખરાબીમાં ૧૧૫૦૯૨ ડૉલર ચાલતો હતો.
મારુતિ સુઝુકી ૧૧૫૫ રૂપિયાની તેજીમાં સર્વોચ્ચ સપાટીએ
GSTમાં સૂચિત ઘટાડાના જોશમાં મારુતિ સુઝુકી ૧૪૧૨૦ના શિખરે જઈ નવા ટકા કે ૧૧૫૫ રૂપિયાની તેજીમાં ૧૪૦૭૫ બંધ આપી બન્ને બજારમાં ટૉપ ગેઇનર બની સેન્સેક્સને સર્વાધિક ૧૨૯ પૉઇન્ટ ફળ્યો છે. નિફ્ટી ખાતે હીરો મોટોકૉર્પ ઉપરમાં ૫૧૧૯ થઈ પોણાછ ટકા કે ૨૭૬ રૂપિયા ઊછળી ૪૯૮૪, બજાજ ઑટો સાડાચાર ટકા કે ૩૭૫ રૂપિયાના જમ્પમાં ૮૫૮૮, આઇશર ૬૦૨૪ની ટોચે જઈ અઢી ટકા વધી ૫૯૧૨, મહિન્દ્ર ૩૪૩૦, તાતા મોટર્સ ૧.૮ ટકા વધી ૬૭૬ બંધ થયો છે. અન્ય ઑટો શૅરમાં અશોક લેલૅન્ડ ૭ ગણા વૉલ્યુમે ૧૩૩ નજીકની ટૉપ હાંસલ કરી આઠ ટકા ઊછળીને ૧૩૨, TVS મોટર ૩૨૫૪ના બેસ્ટ લેવલે જઈ ૬.૫ ટકા કે ૧૯૯ રૂપિયાના જોરમાં ૩૨૨૦, એસ્કોર્ટ સવાછ ટકાના જમ્પમાં ૩૬૧૫, અતુલ ઑટો ૩.૮ ટકા વધી ૪૪૧ બંધ હતો. અન્યમાં બજાજ ફાઇનૅન્સ પાંચ ટકા, નેસ્લે પાંચ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર ૩.૫ ટકા, બજાજ ફિનસર્વ પોણાચાર ટકા, અલ્ટ્રાટેક ૩.૭ ટકા, ટ્રેન્ટ ૨.૮ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝિસ સવાબે ટકા, ગ્રાસિમ ત્રણ ટકા, હિન્દાલ્કો ૨.૭ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક અઢી ટકા, JSW સ્ટીલ ૩.૩ ટકા, એશિયન પેઇન્ટ્સ ૨.૩ ટકા, અદાણી પોર્ટ્સ બે ટકા, તાતા કન્ઝ્યુમર ૧.૯ ટકા, ટાઇટન ૧.૯ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૧.૭ ટકા, ઍક્સિસ બૅન્ક સવા ટકો, તાતા સ્ટીલ ૧.૭ ટકા, SBI લાઇફ સવા ટકો, ભારતી ઍરટેલ એક ટકો, કોટક બૅન્ક ૧.૧ ટકા મજબૂત બની છે. રિલાયન્સ અડધો ટકો અને જિયો ફાઇનૅન્સ પોણો ટકો પ્લસ હતી. HDFC બૅન્ક અડધો ટકો વધી ૨૦૦૪ રહી છે. ICICI બૅન્ક અડધો ટકા સુધી વધી હતી.
લાર્સન ૧.૨ ટકા અને આઇટીસી સવા ટકો માઇનસ થઈ છે. ઇન્ફીમાં પોણા ટકાની તો ટેક મહિન્દ્રમાં એક ટકાની નબળાઈ હતી. TCS સાધારણ ઘટી છે. વિપ્રો ૦.૭ ટકા ડાઉન હતી. HCL ટેક્નો નજીવી ઘટી છે. એટર્નલ ૧.૨ ટકા તથા ભારત ઇલેક્ટ્રિક અડધો ટકો નરમ હતી. NTPC એક ટકો કટ થઈ છે. સનફાર્મા અડધો ટકો ઢીલી હતી.
લક્ષ્મી ઑર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ ૨૨ ગણા વૉલ્યુમે ૨૦ ટકા ઊછળી ૨૧૯ના બંધમાં એ-ગ્રુપમાં ઝળકી છે. આદિત્ય વિઝન સાડાતેર ટકા, ઝગલ ૧૧.૪ ટકા, સુપ્રીમ પેટ્રોકેમ ૯.૮ ટકા, ઇન્ડિયા ગ્લાયકોલ ૧૦.૮ ટકા, ફ્યુઝન ફાઇનૅન્સનો પાર્ટપેઇડ ૧૨.૪ ટકા ઊંચકાયો હતો. ગૉડફ્રે ફિલિપ્સ સવાપાંચ ટકા કે ૫૩૨ રૂપિયા ગગડી ૯૬૪૮ રહી છે. ઇથોસ લિમિટેડ સાડાચાર ટકા, સુઝલોન ૩.૪ ટકા, ઓરિયન પ્રો ૩.૮ ટકા બગડી છે.
રોકડામાં સ્પીક, પેન્નાર ઇન્ડસ્ટ્રીઝ, આઇએફબી ઇન્ડસ્ટ્રીઝ ૨૦-૨૦ ટકાની ઉપલી સર્કિટમાં બંધ રહી છે. જયકૉર્પ ૧૨ ટકા વધી ૧૧૯ હતી. વૉલ્ટાસ ૫.૮ ટકા, બ્લુસ્ટોન ૭.૪ ટકા, વ્હર્લપૂલ ૪.૭ ટકા, અમ્બર એન્ટરપ્રાઇઝિસ આઠ ટકા, હેવેલ્સ પાંચ ટકા, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ આઠ ટકાની તેજીમાં જોવા મળી છે. ફાઇનૅન્સ સેક્ટરમાં ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ ૫.૭ ટકા, યુટીઆઇ ઍસેટ્સ મૅનેજમેન્ટ ૪.૭ ટકા, નિવા બુપા ૫.૫ ટકા, HDFC ઍસેટ મૅનેજમેન્ટ ૪.૪ ટકા, નિપ્પોન લાઇફ ૩.૨ ટકા, મૅક્સ ફાઇનૅન્સ સવાબે ટકા, પિરામલ એન્ટરપ્રાઇઝ ૫.૭ ટકા, મહિન્દ્ર ફાઇનૅન્સ ૪.૭ ટકા, લાર્સન ફાઇનૅન્સ ચાર ટકા, પ્રુડેન્ટ કૅપિટલ ૬.૧ ટકા, TVS હોલ્ડિંગ ૫.૮ ટકા જોરમાં હતી. NSDL પોણાત્રણ ટકા વધીને ૧૨૦૮ રહી છે. HDB ફાઇનૅન્સ સર્વિસિસ ૨.૯ ટકા વધીને ૭૭૯ હતી. હ્યુન્દાઇ મોટર ૨૪૬૦ના શિખરે જઈ સાડાઆઠ ટકાની તેજીમાં ૨૪૨૭ બંધ આવી છે.
આજે કુલ ૩૨૧૨ કરોડનાં પાંચ ભરણાં મૂડીબજારમાં આવશે
SME સેગમેન્ટમાં અંધેરી-વેસ્ટની સ્ટુડિયો એલએસડી બેના શૅરદીઠ ૫૪ની અપરબૅન્ડમાં ૭૪૨૪ લાખનું ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૧૪ હતું, હાલ નથી. આજે મંગળવારે કુલ પાંચ ભરણાં ખૂલવાનાં છે. SME કંપની LGT બિઝનેસ કનેક્શન્સ ૧૦ના શૅરદીઠ ૧૦૭ના ભાવથી ૨૮૦૯ લાખનો BSE SME IPO કરશે. કંપનીએ ગયા વર્ષે ૧૩ ટકાના વધારામાં ૧૦૧ કરોડની આવક પર ૪૪ ટકા વૃદ્ધિદરથી ૫૨૨ લાખ નેટ નફો કર્યો છે. દેવું ૨૮૨ લાખથી વધી ૯૫૮ લાખ થયું છે. પ્રીમિયમ નથી.
મેઇન બોર્ડમાં આજે એકસાથે ૪ ભરણાં ખૂલશે જેમાં કલકત્તાની વિક્રમ સોલાર ૧૦ના શૅરદીઠ ૩૩૨ની અપરબૅન્ડમાં ૫૭૯ કરોડની OFS સહિત કુલ ૨૦૭૯ કરોડ પ્લસનો IPO કરશે. કંપનીએ ગયા વર્ષે ૩૭ ટકાના વધારામાં ૩૪૫૯ કરોડની આવક તથા ૭૫ ટકા વધારામાં ૧૪૦ કરોડ જેવો ચોખ્ખો નફો બતાવ્યો છે. કંપની સોલાર ફોટો વૉલ્ટિક મૉલ્ડયુલ્સ બનાવે છે. આ ક્ષેત્રે હરીફાઈ કટ્ટર બની રહી છે એમાં ટ્રમ્પની ટૅરિફથી હાલત નાજુક બનવાની આશંકા છે. હાલમાં વારિ એનર્જીઝ ૩૭ના, પ્રીમિયર એનર્જીઝ ૪૨ના, વેબસૉલ એનર્જી ૨૯ના તથા અલ્પેક્સ ૨૬ના પીઈમાં મળે છે, એની સામે વિક્રમ સોલારની ઇશ્યુ પ્રાઇસ ૮૬નો પીઈ સૂચવે છે. ગ્રેમાર્કેટમાં ૬૯થી શરૂ થયેલું પ્રીમિયમ ઘટીને હાલ બાવન બોલાય છે.
વિક્રોલી-વેસ્ટની જેમ ઍરોમેટિક્સ અરોમા કેમિકલ્સ તથા ઇન્ગ્રેડિયન્ટ્સ બનાવે છે. કંપની બેના શૅરદીઠ ૩૨૫ની અપરબૅન્ડમાં ૨૭૬ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૪૫૧ કરોડ પ્લસનો ઇશ્યુ આજે કરશે. ૨૮ વર્ષ જૂની આ કંપનીએ ગયા વર્ષે ૧૧ ટકાના વધારામાં ૫૦૬ કરોડ નજીકની આવક પર ૭ ટકાના વધારામાં ૫૩૩૮ લાખ નેટ નફો કર્યો છે. દેવું ૧૧૧ કરોડથી બેવડાઈને ૨૨૨ કરોડ વટાવી ગયું છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૪૧થી શરૂ થયા બાદ અત્યારે ૨૯ બોલાઈ રહ્યું છે.
ગુજરાતના જામનગરના કાલાવડ ખાતેની શ્રીજી શિપિંગ ગ્લોબલ ૧૦ના શૅરદીઠ ૨૫૨ની અપર બૅન્ડમાં ૪૧૧ કરોડ નજીકનો ઇશ્યુ આજે કરવાની છે. ૩૦ વર્ષ જૂની આ કંપનીએ ગયા વર્ષે ૧૭ ટકા વધારામાં ૬૧૦ કરોડની આવક પર ૧૩ ટકા વૃદ્ધિદરથી ૧૪૧ કરોડ નેટ નફો કર્યો છે. દેવું ૧૫૯ કરોડથી વધીને ૨૫૬ કરોડને વટાવી ગયું છે. ઇશ્યુ પ્રાઇસ ૨૯નો પીઈ સૂચવે છે. એની સામે હાલમાં શિપિંગ કૉર્પોરેશન ૧૧થી નીચેના, જીઈ શિપિંગ પોણાસાતના, સીમેક ૧૮ના પીઈમાં મળે છે.
અંબરનાથની પટેલ રીટેલ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૨૫૫ની અપરબૅન્ડમાં ૨૫૫૫ લાખની OFS સહિત કુલ ૨૪૩ કરોડ નજીકનો ઇશ્યુ મંગળવારે કરશે. ઇશ્યુમાં QIB પોર્શન ૩૦ ટકા તથા રીટેલ પોર્શન ૪૫ ટકા છે. ૧૭ વર્ષ જૂની આ કંપનીએ ગયા વર્ષે એક ટકાના વધારામાં ૮૨૬ કરોડની આવક પર ૧૨ ટકાના વધારામાં ૨૫૨૭ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. દેવું ૧૮૦ કરોડથી વધુનું છે. હાલ ગ્રેમાર્કેટ ખાતે પટેલ રીટેલમાં ૩૬ રૂપિયા તથા શ્રીજી શિપિંગમાં ૨૬ રૂપિયા પ્રીમિયમ બોલાય છે. બુધવારે જયપુરની ટ્રાન્સફૉર્મર્સ બનાવતી મંગળ ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૫૬૧ની અપરબૅન્ડમાં ૪૦૦ કરોડનો ઇશ્યુ કરવાની છે.