17 November, 2025 09:54 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર
આખરે મિયાં ગિરે, મગર ટંગડી ઊંચી રાખી. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે મહિનાઓ સુધી ભારતને અધ્ધર રાખ્યા બાદ ગયા સપ્તાહમાં નિવેદન કર્યું કે તેઓ ભારત પર લાદેલી ટૅરિફના દર ઘટાડશે અને ભારત સાથે વાજબી વેપાર-કરાર કરશે. ઊંચી ટંગડીમાં તેમણે કહ્યું હતું કે ભારતે રશિયા પાસેથી ઑઇલ લેવાનું બંધ કર્યું એટલે અમેરિકા આ દિશામાં આગળ વધ્યું છે. શૅરબજારને ક્યારની આની પ્રતીક્ષા હતી. આ સાંભળીને શૅરબજારે બુધવારે પૉઝિટિવ ઉછાળો દર્શાવ્યો હતો. આમ પણ બજાર છેલ્લા અમુક સમયથી આ સમસ્યા કે વિવાદનો ઉકેલ આવે એની રાહ જોઈ રહ્યું હતું. અલબત્ત, હજી ઉકેલ આવી ગયો કહી શકાય નહીં, કેમ કે આ ટ્રમ્પસાહેબ છે ભાઈ, અત્યારે તો આ સંકેતે સેન્ટિમેન્ટ બદલ્યું છે. ગયા બુધવારે માર્કેટ પર એક મોટી પૉઝિટિવ અસર બિહારની ચૂંટણીના એક્ઝિટ પોલની પણ હતી જેને કારણે શુક્રવારે NDAના ભવ્ય વિજય સાથે માર્કેટનો ઉત્સાહ વધ્યો હતો. આ બધાની અસર ડિસેમ્બર અને નવા વર્ષ ૨૦૨૬માં વધુ જોવા મળશે.
ગ્લોબલ આશાવાદ
બીજી બાજુ બે ગ્લોબલ સંસ્થાઓ- ગોલ્ડમૅન સાક્સ અને HSBC દ્વારા ભારતના રેટિંગને અપગ્રેડ કરીને ફૉરેન ઇન્વેસ્ટર્સને સકારાત્મક સંકેત અપાયા છે જેને કારણે ભારતમાં ફૉરેન ઇન્વેસ્ટર્સ ખરીદી માટે વધુ સક્રિય થવાની આશા વધી છે, જેઓ હાલ વધુ અંશે નેટ સેલર્સ રહ્યા છે. અમેરિકન ટૅરિફ-વિવાદનો અંત પણ આ ગ્લોબલ રોકાણકારોને ભારતીય માર્કેટમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ-પ્રવાહ વાળવા પ્રેરશે. ગોલ્ડમૅન સાક્સે તો નિફ્ટી માટે ઊંચી આશાવાદી ધારણા મૂકી છે. એના અભ્યાસ મુજબ ૨૦૨૬ના અંત સુધીમાં નિફ્ટી ૨૯,૦૦૦ થશે, જ્યારે HSBCએ ૨૦૨૬ના અંત સુધીમાં સેન્સેક્સ ૯૪,૦૦૦ થવાનો અંદાજ જાહેર કર્યો છે. આ બન્નેએ ભારતીય ઇક્વિટી માર્કેટને ઓવરવેઇટ કર્યું છે.
દરમ્યાન ઑક્ટોબરમાં માર્કેટ મોટા ભાગે વૉલેટાઇલ અને ડાઉન ટ્રેન્ડમાં રહેવાના કારણમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સ તરફથી રોકાણ-પ્રવાહ ઘટવાનું હતું. આ સમયમાં SIPનો પ્રવાહ પણ ઘટ્યો હતો. આમ થવા માટે ગ્લોબલ અનિશ્ચિતતા જવાબદાર હતી. આ ટ્રેન્ડ પણ હવે બદલાશે એવું માની શકાય. આમ લાંબા ગાળાના રોકાણકારો માટે લાંબી તેજીનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે.
IPOમાં કમાશે કોણ?
બીજી તરફ મૂડીબજારમાં IPOની લાંબી વણજાર સેકન્ડરી માર્કેટમાં નાણાપ્રવાહને અસર કરી રહી છે, સારા-નરસા બધા જ IPO આડેધડ છલકાય છે જેને વર્તમાન રોકાણકારો-ટ્રેડર્સ એક લૉટરીની જેમ જુએ છે અને એમાં શૉર્ટ ટર્મ ઇરાદાથી રોકાણ કરે છે. જો આને કોઈ પ્રાઇમરી માર્કેટની તેજી ગણતું હોય તો એ તેજીનો લાભ મહદંશે કંપનીઓને જ મળવાનો છે, રોકાણકારોને લાભ મળશે તોય મર્યાદિત મળશે. અલબત્ત, અપવાદરૂપ IPO લાંબા ગાળાના લાભ અપાવશે. રોકાણકારો સિલેક્ટિવ નહીં બને તો નુકસાનમાં મુકાઈ જશે.
ન્યુએજ કંપનીઓનું આશ્ચર્યકારક આકર્ષણ
દરમ્યાન કેટલીક ન્યુએજ કંપનીઓનાં સપ્ટેમ્બર ક્વૉર્ટરનાં પરિણામો નબળાં આવ્યાં હોવા છતાં રોકાણકારોનો તેમના ભાવિ માટેનો આશાવાદ ઊંચો રહ્યો છે. નવા યુગની આ ટેક કંપનીઓએ નુકસાન કર્યું હોવા છતાં રોકાણકારો ઉત્સાહી રહ્યા છે. નવા યુગની આ મોટા ભાગની કંપનીઓએ ચોખ્ખી ખોટ કરી છે. એક વિશ્લેષણ મુજબ જુલાઈ-સપ્ટેમ્બરનાં પરિણામોમાં આવી ૧૧ કંપનીઓમાંથી ૭ કંપનીઓએ ખોટ નોંધાવી હતી. આ યાદીમાં જાણીતી કંપનીઓનો સમાવેશ છે. આવા ટૂંકા ગાળાના નાણાકીય આંચકાઓ પચાવી આ કંપનીઓ રોકાણકારોનો વિશ્વાસ જાળવી રહી છે. બજાર આ તાત્કાલિક નુકસાનને ભૂતકાળ તરીકે જોવાની તૈયારી દર્શાવી રહ્યું છે અને ભવિષ્યની વૃદ્ધિની સંભાવના અને આ ટેક-સંચાલિત વ્યવસાય મૉડલોનાં હકારાત્મક લાંબા ગાળાનાં પરિણામો પર દાવ લગાવી રહ્યું હોવાનું આશ્ચર્ય વ્યક્ત થાય છે. જોકે આમાં એક ગણતરીપૂર્વકનું રિસ્ક ચોક્કસ છે, કેમ કે આ કંપનીઓનો બિઝનેસ સેટ થતાં લાંબો સમય લાગશે અને તેમના વૅલ્યુએશન સામે સવાલ રહેશે.
પ્રૉપ્રાઇટરી ટ્રેડિંગ-યંત્રણાનો દુરુપયોગ
તાજેતરમાં ધ્યાનમાં આવેલા ચોક્કસ કિસ્સાઓ મુજબ પ્રૉપ્રાઇટરી સોદાના નામે બજારમાં ગરબડ ચાલી રહી છે, જેને સ્કૅમ કહી શકાય એવું પણ છે. આમાં કોઈ KYC (નો યૉર કસ્ટમર) નથી કરવાનું, કોઈ પેપરવર્ક નથી કરવાનું, બસ એક્સચેન્જના દલાલોને મળતી પોતાના અંગત સોદા કરવાની સવલતમાં મળતા વધુ લીવરેજનો દુરુપયોગ અન્ય લોકોને સોદા કરવા દેવા આપવાની રમત ચાલતી હોવાનું બજારમાં ચર્ચાઈ રહ્યું છે. આ ધંધો વિશ્વાસ પર ચાલે છે; કેમ કે કરાર, KYC, કાગળિયાં કરવાની કાયદેસરની વિધિ ચાતરી પ્રૉપ. અકાઉન્ટમાં સોદા પુરજોશમાં થાય છે અને જ્યાં સુધી કોઈ ડિફૉલ્ટ ન થાય અથવા મોટું નુકસાન ન થાય ત્યાં સુધી બધું બરાબર ચાલતું રહે છે. એક અહેવાલ અનુસાર મુંબઈ, દિલ્હી-NCR અને રાજસ્થાનમાં સ્ટૉક-બ્રોકર્સના આવા વ્યવહાર ચાલી રહ્યા છે. SEBIના નિયમો મુજબ પ્રોપ્રાઇટરી ટ્રેડિંગમાં બ્રોકર્સને પોતાના ભંડોળથી પોતાના માટે વેપાર કરવાની છૂટ છે. બજારનાં સૂત્રો મુજબ અમુક એજન્ટો ડિપોઝિટ-માર્જિનના આધારે બ્રોકર્સ સાથે લીવરેજ અને લિમિટ વ્યવસ્થા ગોઠવી આપે છે. આ એજન્ટો ન તો બ્રોકર્સ દ્વારા અધિકૃત છે કે ન તો SEBIમાં નોંધાયેલા છે. તેઓ બ્રોકર્સને આવો ધંધો લાવી આપે છે જે તેમને માટે આવકનો એક મુખ્ય સ્રોત બને છે. આવા એજન્ટો કાગળ પર ક્યાંય દેખાતા નથી. ટ્રેડર ટ્રેડિંગ-કુશળતા ધરાવતો હોય તો બ્રોકર્સને સારું વળતર મળે છે, કારણ કે ઘણા કિસ્સામાં પરસ્પર નફાની વહેંચણી થતી હોય છે.
મહત્ત્વના આર્થિક સમાચાર અને સંકેત
GST રૅશનલાઇઝેશનને પગલે દેશના ફુગાવાનો દર છેલ્લાં ૧૨ વર્ષમાં આ ઑક્ટોબરમાં સૌથી નીચો રહ્યો છે જે ડિસેમ્બરમાં વ્યાજદરકાપની શક્યતા દર્શાવે છે.
લાઇફ ઇન્શ્યૉરન્સ ક્ષેત્રે ટર્મ-પ્લાનની ડિમાન્ડ વધી રહી છે જે સારી નિશાની ગણાય.
સરકારે નિકાસકારો અને ખાસ કરીને નાના-મધ્યમ એકમોના પ્રોત્સાહન માટે ૪૫,૦૦૦ કરોડ રૂપિયાનું એક્સપોર્ટ-પૅકેજ મંજૂર કર્યું છે. આ પૅકેજ અમેરિકન ટૅરિફના બોજ સામે લડવામાં સહાયરૂપ થશે.
ભારત અને સાઉદી અરેબિયાએ દ્વીપક્ષીય રોકાણ-કરાર માટે સહમતી દર્શાવી છે.
આગામી બજેટની તૈયારીના ભાગરૂપ નાણાપ્રધાને વિવિધ સંબંધિત વર્ગ સાથે બજેટ પહેલાંની બેઠકોનો દોર શરૂ કરી દીધો છે.
ઇન્સાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશન બાબતે SEBIના ચૅરમૅન અને હોલટાઇમ મેમ્બર્સને પણ આ કાનૂન હેઠળ આવરી લેવાની વિચારણા થઈ રહી છે. આમ થશે તો નિયમન સંસ્થા SEBI ગ્લોબલ નિયમનકારની સમકક્ષ આવી જશે. હાલમાં SEBI સ્ટાફ આ કાનૂન હેઠળ કવર થાય છે.
હવે બજારની નજર રિઝર્વ બૅન્કની નાણાનીતિ પર અને અમેરિકા-ભારત વેપાર કરાર પર રહેશે.